Thu Jun 18 2026

Logo

ઈરાનના મિસાઈલ હુમલા: UAEએ કેવી રીતે રોક્યા અને દુબઈને કેટલું નુકસાન થયું?

dubai   2026-03-01 16:24:14
Author: Vimal Prajapati
Article Image

દુબઈઃ ઈરાને અમેરિકા અને ઈઝરાયલના હુમલાનો જવાબ આપતા યુએઈ પર મિસાઈલ હુમલા કર્યા હતા, જેમાં સંયુક્ત અરબ અમીરાત (યુએઈ) પર 137 મિસાઈલ અને 209 ડ્રોન છોડ્યાં હતાં. ઇરાને યુએઈ પર મિસાઈલ હુમલો કર્યો તેમાં વિશ્વની સૌથી ઊંચી ઇમારત બુર્જ ખલીફા પાસે વિસ્ફોટ થયો હતો. આ હુમલામાં ઇરાને અલ-ધાફરા એરબેઝ જેવા અમેરિકી લક્ષ્યોને નિશાન બનાવ્યા હોવાનું પણ મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે જાણવા મળ્યું છે. 

દુબઈના 5 મુખ્ય શહેરોને ઈરાને બનાવ્યા નિશાન
ઈરાને કરેલા ડ્રોન અને મિસાઈલ હુમલામાં દુબઈમાં પાંચ મુખ્ય સ્થળો એરપોર્ટ, બુર્જ અલ અરબ, પામ જુમેરાહ, બુર્જ ખલીફા વિસ્તાર અને જેબેલ અલી બંદરગાહને ભારે નુકસાન પહોંચ્યું છે. આ હુમલાના કારણે 8 લોકો ઘાયલ થયા હોવાનું જાણવા મળ્યું છે. પ્રશ્ન એ થાય છે શું ઈરાને બુર્જ ખલીફાને પણ નિશાન બનાવીને હુમલો કર્યો હતો? વાયરલ થયેલા વીડિયોમાં બુર્જ ખલીફા પાસે ઇરાની ડ્રોન અને વિસ્ફોટ પણ જોવા મળ્યા હતા.

યુએઈએ ઈરાનની મિસાઈલો હવામાં જ નષ્ટ કરી
યુએઈની વાયુરક્ષા વ્યવસ્થાએ ઈરાનની મિસાઈલો હવામાં જ નષ્ટ કરી દીધી હતી, પરંતુ અવશેષો અબુધાબીના આવાસી વિસ્તારમાં પડ્યા, જેમાં એક એશિયાઈ નાગરિકનું મોત થયું અને મિલકતને નુકસાન થયું છે. દુબઈ એરપોર્ટ અને પામ જુમેરાહ હોટેલ પર પણ અસર થઈ, જ્યાં 4 લોકો ઘાયલ થયા. યુએઈએ પણ એનો જવાબ પણ આપ્યો છે.

દુબઈએ તમામ ફ્લાઇટ્સ અનિશ્ચિત સમય માટે સ્થગિત
દુબઈ એરપોર્ટ ઓથોરિટીએ દુબઈ ઈન્ટરનેશનલ (DXB) અને અલ મક્તૂમ ઈન્ટરનેશનલ (DWC) ખાતેની તમામ ફ્લાઇટ્સ અનિશ્ચિત સમય માટે સ્થગિત કરવાની જાહેરાત કરી છે. વધારે વિગતે વાત કરવામાં આવે તો, ઇરાનના આ હુમલામાં કતાર, કુવૈત અને બહેરીનના અમેરિકી એર બેઝને લક્ષ્ય બનાવ્યાં છે, જેનાથી ગલ્ફ પ્રદેશમાં તણાવ વધ્યો છે. અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના 'ઓપરેશન એપિક ફ્યુરી' હેઠળ ઇરાન પર હુમલાઓ થયાં છે.

યુએઈએ ઈરાની મિસાઈલ અને ડ્રોનને કેવી રીતે રોક્યા?
બેલિસ્ટિક મિસાઇલો એટલી શક્તિશાળી હોય છે કે, તે 20,000 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ચાલી શકે છે, આ ઝડપે માત્ર એક જ બેલિસ્ટિક મિસાઇલ ફક્ત થોડી મિનિટોમાં સમગ્ર યુએઈને પાર કરી શકે છે. જેથી તેને રડારમાં ડિટેક્ટ કરવી વધારે મુશ્કેલ હોય છે. યુએઈ પાસે બે મુખ્ય સંરક્ષણ પ્રણાલીઓ છે. પહેલી THAAD (Terminal High Altitude Area Defense) છે. તે ઉડાનના અંતિમ તબક્કામાં ઊંચાઈ પર મિસાઈલોને અટકાવે છે. તે વિસ્ફોટકોનો ઉપયોગ કરતું નથી, પરંતુ સીધા પ્રહાર દ્વારા મિસાઈલનો નાશ કરે છે. બીજી MIM-104 પેટ્રિઅટ સિસ્ટમ છે. એકસાથે બે સિસ્ટમો એક જાળ બનાવે છે જેથી જો THAAD ઊંચાઈ પર મિસાઈલને અટકાવવામાં નિષ્ફળ જાય, તો પેટ્રિઅટ તેને નીચે અટકાવવાનો પ્રયાસ કરે છે. આ બંને સિસ્ટમો દ્વારા ઈરાની મિસાઈલોને યુએઈએ નષ્ટ કરી છે.