એપ્રિલ મહિનાનો અંત આવી રહ્યો છે અને દેશનું વાતાવરણ બે અલગ-અલગ પ્રકારના પડકારોનો સામનો કરી રહ્યું છે. એક તરફ ઉત્તર અને મધ્ય ભારતના રાજ્યો ભીષણ ગરમી અને હીટવેવની ઝપેટમાં છે, તો બીજી તરફ પૂર્વોત્તર અને દક્ષિણ ભારતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની લેટેસ્ટ અપડેટ પ્રમાણે વાત કરવામાં આવે તો, આગામી 29 એપ્રિલ સુધી દેશમાં હવામાનની બેવડી સ્થિતિ જોવા મળશે.
કયા રાજ્યોમાં હીટવેવનું એલર્ટ?
હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાત કરીએ તો, 27 એપ્રિલ સુધી ઉત્તર ભારતમાં દિલ્હી, પંજાબ, હરિયાણા, ચંદીગઢ, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશ, મધ્ય ભારતમાં મધ્ય પ્રદેશ, છત્તીસગઢ અને વિદર્ભ અને અન્ય રાજ્યો જેવા કે બિહાર, ઓડિશા, ઝારખંડ અને કેરળમાં હીટવેવની ગંભીર સ્થિતિ જોવા મળી શકે છે. આ દરમિયાન લોકોએ સાવચેતી રાખવી ખૂબ જ જરૂરી છે.
તાપમાનમાં વધારો થતા પારો વધી રહ્યો છે. રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, તેલંગાણા, આંધ્ર પ્રદેશ, ઉત્તર આંતરિક કર્ણાટક, ગુજરાત અને ઓડિશામાં દિવસનું મહત્તમ તાપમાન 40°C થી 44°C ની વચ્ચે નોંધાઈ રહ્યું છે. રાજસ્થાનના શ્રી ગંગાનગરમાં સૌથી વધુ 44.5°C તાપમાન નોંધાયું છે. આગામી દિવસોમાં આ રાજ્યોમાં તાપમાન 2 થી 3 ડિગ્રી સુધી વધી શકે છે. ભારતના રાજ્યમાં અલગ અલગ પ્રકારના વાતાવરણનો અનુભવ થઈ રહ્યો છે.
કયા રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી?
હવામાન વિભાગની આગાહી પ્રમાણે પૂર્વોત્તર ભારતમાં આસામ, મેઘાલય, અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદ અને તેજ હવા ફૂંકાવાની શક્યતા છે. આ સાથે અરુણાચલમાં 25થી 29 એપ્રિલ દરમિયાન ખૂબ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે જમ્મુ-કાશ્મીર, ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં આગામી 30 એપ્રિલ વચ્ચે વરસાદ પડશે. હરિયાણા, ચંદીગઢ, પંજાબમાં પણ 29 એપ્રિલ દરમિયાન વરસાદની શક્યતા છે. આ સાથે ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનમાં પણ વરસાદ થઈ શકે છે.