Thu Apr 30 2026

Logo

વ્હેંત છેટો મોતનો ઓછાયો  - પ્રકરણ-8

2026-04-12 09:39:00
Author: Anil Rawal
Article Image

 

 

 

સાધુ એ જ ઇચ્છતો હતો કે એ કોઇની નજરમાં ન આવે, પણ બધા એની નજરમાં આવે

 

સન્ડે ધારાવાહિક - અનિલ રાવલ

 

રાધા દેવીપ્રસાદજીના ઘરે ગઇ ત્યારે તેઓ ચિંતાસહજ એની રાહ જોતા બેઠા હતા. રાધા સ્કૂટી લેવા ગઇ ત્યારે એમણે કાંઇ પૂછ્યું નહતું અને રાધાએ કાંઇ કહ્યું નહતું. એટલે જ દેવીપ્રસાદજીને એની વધુ ચિંતા હતી. આમ તો રાધાએ ગોપાલેશ્વરમાં પગલાં પાડ્યાં અને આવવા પાછળનું કારણ જણાવ્યું ત્યારથી એમને માત્ર રાધાની જ નહીં, પરંતુ રોજબરોજ ઊમટતા ભક્તજનોની ચિંતા હતી. ગોપાલેશ્વરનું ચિત્ર દોરતી વખતે ખતરાનો વિચાર કરતાં ત્યારે એમની પીંછી અટકી જતી...અને હજારોની સંખ્યામાં એકઠા થતાં ભક્તો, ભાવિકો, શ્રદ્ધાળુઓનું ચિત્ર દોરી બેસતા...જે ચહેરાઓ તેઓ મંગળા આરતી સમયે જોતા હતા.

 

‘બધું બરાબર છે ને....?’ એમણે પૂછ્યું.

 

‘હા,’ રાધાએ સ્કૂટીની ચાવી આપી અને જય ગોપાલા બોલીને ચાલતી થઇ. એને પુરોહિતે દાનપેટીમાં મૂકેલી ચિઠ્ઠી વાંચવાની ઉતાવળ હતી. રાતે વહેલાં પોઢી જતાં બેજલમેડની ગલીઓ સુમસામ હતી. શ્વાનના ભસવાનો અવાજ સુધ્ધાં આવતો નહતો. રાધા ચાલતી ધરમશાળા પહોંચી. ધરમશાળાનો મુખ્ય દરવાજો બંધ થઇ ગયો હતો. એણે આસપાસ જોયું...કોઇ ન હતું. એણે જોરથી દરવાજાની સાંકળ ખખડાવી. કોઇ જવાબ ન મળ્યો....ફરી જોરથી ખખડાવી. એને પોતાને સાંકળનો કર્કશ અવાજ કાનમાં ખૂંચ્યો. આંખો ચોળતા જગદીશે નીચે આવીને દરવાજો ખોલ્યો.

 

‘રાધાજી, બાર વાગવા આવ્યા...તમે અત્યારે મોડી રાતે ક્યાં હતા?’

 

જગદીશના અવાજમાં શંકા અને ચિંતા હતી. મોડી રાત સુધી ભાગ્યે જ કોઇ ધરમશાળાની બહાર રહેતું અને સાંકળ ખખડાવવી પડતી.  

 

રાધા જવાબ આપ્યા વિના દાદરા ચડવા લાગી. જગદીશને વિચિત્ર લાગ્યું. એ એને દાદરા ચડતો જોઇ રહ્યો. ધરમશાળામાં ઊતરતો કોઇ પુરુષ પણ આ રીતે મોડી રાત સુધી બહાર રહેતો નથી. કોણ છે આ રાધા....દેવીપ્રસાદજીએ ધરમશાળાના ટ્રસ્ટીઓની સાથે વાત કરીને એને અહીં ઉતારો આપ્યો છે. અડધી રાતે કેનવાસ કે કલર લીધા વિના એ કોનું ચિત્ર દોરવા ગઇ હશે? દેવીપ્રસાદજીના ઘરે આટલી મોડી રાત સુધી ન જાય. દેવીપ્રસાદ મોડી રાત સુધી જાગતા નથી. જગદીશે આશ્ર્ચર્યથી ખભા ઉછાળીને ઢાબળો માથા સુધી ખેંચી લીધો.

***

રાધાએ તાળું ખોલીને લાઇટ કરીને જોયું તો રૂમમાં બધું અસ્તવ્યસ્ત હતું. બધું ફેંદી નાખ્યું હતું. રાધા કોઇપણ જાતનો શોર મચાવ્યા વિના જગદીશને બોલાવવા ત્રણ દાદરા ઊતરી ગઇ...એને બૂમાબૂમ કરવી પોસાય એમ નહતી. એનું મિશન સિક્રેટ હતું....પોતાની ઓળખ છૂપી રાખવી જરૂરી હતી.

 

‘જગદીશ, જલદી આવ મારી સાથે.’ એણે ધીમા અવાજે કહ્યું. ઢાબળો ઓઢીને સૂવાની તૈયારી કરેલા જગદીશને કાંઇ સમજાયું નહીં.

 

‘શું થયું....?’ જગદીશે પણ હળવેથી પૂછ્યું.

 

‘આવ તને બતાવું.....’ એ રીતસર જગદીશનો હાથ પકડીને ખેંચીને લઇ ગઇ. જગદીશ રૂમની હાલત જોતો રહી ગયો.

 

‘જગદીશ, કોઇક તો છે જે મારી પાછળ પડ્યો છે....’ રાધાએ કહ્યું.

 

‘હું પોલીસને ફોન કરીને બોલાવું છું.’ એણે કહ્યું.

 

‘ના જગદીશ, મારે પોલીસ ફરિયાદ નથી કરવી.’

 

‘પોલીસ પાંચ મિનિટમાં પકડી પાડશે....’ જગદીશ બોલ્યો.

 

‘મારે એને પકડાવવો નથી...એના વિશે જાણવું છે.’ જગદીશ એના ચહેરાને જોતો રહ્યો.

 

‘પ્લીઝ જગદીશ, એ કોણ છે મારે એ જાણવું છે.’

 

‘પહેલાં તમે કહો કે તમે કોણ છો....?’ જગદીશે પૂછ્યું. રાધાને સહેજ આંચકો લાગ્યો. રાધા કેમ કહે કે એ કોણ છે.

 

‘મારો મતલબ કે તમે દયાળુ નહીં થાવ. તમે પોલીસમાં ફરિયાદ કરો એટલે એ કોણ છે એની તમને આપોઆપ ખબર પડી જશે.’  

 

‘તું મને મદદ કરવા તૈયાર છો કે નહીં એ કહે?.’ રાધા મક્ક્મ સ્વરે બોલી. 

 

‘હા...હા....હું તો તૈયાર જ છું મદદ કરવા.’ એણે કહ્યું.

 

‘તને મળવા માટે કોઇ આવ્યું હતું.’ રાધાએ પૂછ્યું.

 

‘મને મળવા...મને મળવા......’ જગદીશ યાદ કરવા લાગ્યો.....‘હા, મને મળવા રાઘવ આવ્યો હતો, પણ હું હતો નહીં.’

 

‘ઓહ, રાઘવ.....જે મને ચાહવા લાગ્યો છે અને તને મારા વિશે પૂછતો હતો.’ રાધા બોલી. એને દાનપેટીમાંથી લાવેલી ચિઠ્ઠી યાદ આવી. પુરોહિતનો ઇશારો કોની તરફ છે એ જાણવાની એની તાલાવેલી વધી ગઇ. એ ત્યાંથી સરકી જવાની વેતરણમાં હતી.

‘રાધાજી, પણ જે તમને ચાહે છે એ આ રીતે તમારા રૂમની તલાશી શા માટે લે....’ જગદીશ બોલ્યો.

 

‘હા, હું પણ એ જ વિચારું છું.’ રાધા ગંભીર થઇ ગઇ. ‘એ કદાચ એના રકીબનો ફોટો શોધવા આવ્યો હશે.’ રાધાએ હસીને ઉડાઉ જવાબ આપ્યો.

***

જગદીશના ગયા પછી રાધા રૂમમાં બધું ગોઠવતા પહેલાં ચિઠ્ઠી કાઢીને વાંચવા લાગી. વાંચીને એણે કોરું કેનવાસ લીધું. ચિઠ્ઠીમાં વાંચતાં જઇ પેન્સિલથી સ્કેચ દોરવા લાગી. થોડીવારમાં ચિત્ર પૂરું કર્યું. ચિત્રને દીવાલ સામે મૂકીને બોલી: ‘મેરે રકીબ, શુકર હૈ મેરે ગોપાલા કા. તેરી અસલિયત સામને આ ગઇ.’

 

એણે ચિત્રનો ફોટો પાડીને આઇબી ચીફ અભય સિંહ રાઠૌડને મોકલીને લખ્યું... ‘સ્કેચ તૈયાર હૈ.....રંગ ભર દું.’ તરત જ આઇબી ચીફનો કોલ આવ્યો.

‘અભી નહીં.....ઉન કે સાથી અલર્ટ હો જાયેગેં.....ઉનકી મૂવમેન્ટ પર નઝર રખો.’ 

***

ગુપ્તાજીની દુકાનની સામે બેસનારા સાધુએ સ્થાન ફેરવ્યું. એ હવે અલગ અલગ જગ્યાએ બેસવા લાગ્યો હતો. એના ખડતલ દેહ, લાલ આંખો, ઝાંખી પડી ગયેલી પિતાંબરી, એવાં જ રંગનું ભૂખરું પહેરણ, ફાટલીતૂટલી કાળી કાંબળી, કાન ઢાંકેલી વાંદરા ટોપી, ખભે જૂનો ઝોલો, કપાળે ભભૂત, ગળામાં રુદ્રાક્ષની માળા, જમણા હાથમાં રુદ્રાક્ષની નાની માળા, કાંડે કાળા, પીળા, કેસરી ધાગા, ડાબી બાજુ મૂકી રાખેલું તૂંબડી જેવા પાત્રએ ગોપાલાના દર્શન કરવા દોડાદોડીમાં વ્યસ્ત ભાવિકોમાં કોઇ આકર્ષણ જમાવ્યું નહતું. સાધુ એ જ તો ઇચ્છતો હતો કે એ કોઇની નજરમાં ન આવે, પણ બધા એની નજરમાં આવે. સાધુ ભીખ માટે હાથ લંબાવે નહીં. કોઇની પાસેથી પૈસા લે નહીં કોઇ ખાવાનું આપે તો તૂંબડીમાં મુકાવે. કોઇ ચા આપે તો પી લે...આંખોમાં ભીખ માટે આજીજી નહીં. ભક્તોની પાછળ ફરે નહીં. મોં પર જો દે ઉસકા ભલા ના દે ઉસકા ભી ભલાનો ભાવ. સાંજ પછી સાધુ કોઇ દયાળુએ આપેલું જમીને.....બધું સંકેલીને પાછો શંકરના મંદિરે જતો રહે....

***

તમે રાઘવને ઓળખો છો...જગદીશ ઓળખે છે... રાધાએ દેવીપ્રસાદજીને પૂછેલો આ સવાલ ઘૂમી રહ્યો હતો. બીજી તરફ દેવીપ્રસાદની ભલામણથી ધરમશાળામાં રહેતી રાધા વિશે જગદીશને જાણવું હતું. અડધી રાતની ઘટનાએ એની ઊંઘ ઉડાડી દીધી હતી. એ દેવીપ્રસાદજીને પૂછવા માગતો હતો, પણ દેવીપ્રસાદજીનો પ્રભાવ જોતાં એમને પૂછવાનું જગદીશનું ગજું નહતું. એવામાં જગદીશને દેવીપ્રસાદજીનું કહેણ આવ્યું કે આવીને મળી જા. ‘જય ગોપાલા’ બોલીને જગદીશ દેવીપ્રસાદજીની સામે બેઠો.

 

‘જય ગોપાલા. જગદીશ, રાઘવ તારો દોસ્ત છે?’ દેવીપ્રસાદજી સીધો સવાલ કરીને જગદીશને ચોંકાવી દીધો.

 

‘હા અને ના.......’ જગદીશે પણ ટૂંકો જવાબ આપ્યો.

 

‘હા કે ના...વચ્ચેનો જવાબ મને નથી જોતો.’

 

‘એટલા માટે કે નવી નવી દોસ્તી છે.’ જગદીશે કહ્યું.

 

‘કોણ છે એ....? ક્યાંથી આવ્યો છે.....? શું જાણે છે એના વિશે.?’

 

‘ખાસ કાંઇ નહીં....’ જગદીશે કહ્યું.

 

‘તો હવેથી એના વિશે જાણવા માંડ...’ દેવીપ્રસાદજીએ કહ્યું.

 

‘કેમ શું થયું, કંઇ ખાસ...?’ જગદીશે પૂછ્યું.

 

‘કેમ કે એ રાધાના એકતરફી પ્રેમમાં પડી ગયો છે ને એના વિશે પૂછપરછ કરે છે એટલે મારે જાણવું છે કે એ મહાશય છે કોણ.’ દેવીપ્રસાદજીએ કહ્યું.

 

‘દેવીપ્રસાદજી, મારે રાધાજી વિશે જાણવું છે. ગઇ રાતે એ બાર વાગે ધરમશાળામાં આવ્યાં...અને રૂમમાં જઇને જોયું તો કોઇએ રૂમમાં ઘૂસીને બધું ફેંદી નાખ્યું હતું....’ જગદીશ બોલ્યો.

 

‘મને ખબર છે એ કામ કોનું છે....’ રાધા અંદરના રૂમમાંથી બહાર આવતાં બોલી.

 

રાધાને જોઇને જગદીશ ક્ષોભીલો પડી ગયો. પોતે જે બોલી ગયો એ બધું રાધાએ સાંભળ્યું જ હશે.

 

‘તમને ખબર હતી તો તમે મને કેમ પૂછ્યું કે મને મળવા કોણ આવ્યું હતું.’ જગદીશ બોલ્યો.

 

‘કારણ કે મને ખાતરી હતી કે તું હાજર નહીં હોય એવા સમયે જ એ મારી રૂમમાં ઘૂસી શકશે.’ રાધા બોલી.

 

‘આ બધું શું ચાલી રહ્યું છે મને કાંઇ સમજાતું નથી.’ જગદીશે કહ્યું.

 

‘જગદીશ, આ બધું શું ચાલી રહ્યું છે એ સમજાવવા જ મેં તને બોલાવ્યો છે.’ દેવીપ્રસાદજી બોલ્યા. 

 

જગદીશે રાધા અને દેવીપ્રસાદજીની સામે જોયું.....રાધાએ દેવીપ્રસાદજીની સામે જોયું. દેવીપ્રસાદજીએ તમાકુની ડબીમાંથી તમાકુ કાઢી. નાનકડી ટ્યૂબમાં ચૂનો નાખીને હથેળીમાં મસળવા લાગ્યા. ગૂંચવાઇ ગયેલો જગદીશ એમના બોલવાની રાહ જોતો રહ્યો. દેવીપ્રસાદજીએ એને ચપટી ભરીને તમાકુ આપી. પહેલાં દેવીપ્રસાદજી અને પછી જગદીશે તમાકુ નીચલા હોઠમાં દબાવી. વીસેક મિનિટના દેવીપ્રસાદજીના વ્યાખ્યાન બાદ જગદીશ નામની એક ખુફિયા એસેટ ગોપાલેશ્વરમાં ઊભી થઇ ગઇ હતી.   

***

રાઘવ એની નાનકડી ઓરડીમાં પોતાને પણ ન સંભળાય એ રીતે ફોન પર વાત કરતો હતો.

 

‘જનાબ, કૂછ નહીં મિલા, સિવાય ગોપાલા કે કૂછ પેન્ટિંગ્સ...’ (સામેનો અવાજ સાંભળીને) ‘નહીં...નહીં....કિસી કો ડાઉટ નહીં ગયા મુઝ પર.’ ફોન કટ કર્યો.

 

 (ક્રમશ:)