પવિત્રધામમાં પડેલા લોહીના ડાઘ ભાવિકોના મનમાંથી ક્યારેય ભૂંસાતા નથી...
સન્ડે ધારાવાહિક - અનિલ રાવલ
આઇબી ચીફ અભયસિંહ રાઠૌડને અજમલ અન્સારી હાથ લાગ્યો નહીં હોવાના માઠા સમાચાર મળે તે પહેલાં અજમલ અન્સારી અકબર પરોઠા હાઉસના આલુ પરોઠા હજમ કરીને કોઈ અજ્ઞાત સ્થળે પહોંચી ગયો હતો... મતલબ એને સલામત જગ્યાએ પહોંચાડી દેવામાં આવ્યો હતો. દિલ્હીમાં બેઠેલા પાકિસ્તાનના હાઈ કમિશનર અબરાર અહમદખાને પોતાની જિમ્મેદારી કહો કે ગદ્દારી... સારી રીતે નિભાવી હતી.
********************
નૅશનલ સિક્યૉરિટી ઍડ્વાઇઝર અભિજિત ભલ્લાએ આપેલા છૂટા દોર પછી રાધાના દિમાગમાં રાઘવને ઉડાવવાનો વિચાર સતત ચાલતો રહ્યો, પરંતુ કઈ રીતે ઉડાડી દેવો. રાધા પાસે કોઈ શસ્ત્ર ન હતું. અને શસ્ત્ર હોત તો પણ મંદિરના પરિસરમાં કે એની આસપાસના વિસ્તારમાં કે બેજલમેડ ગામમાં લોહીનું એકપણ ટીપું નહીં વહેવડાવવાનો આઇબી ચીફનો આદેશ હતો. પવિત્રધામમાં પડેલા લોહીના ડાઘ ભાવિકોના મનમાંથી ક્યારેય ભૂંસાતા નથી. રાધાએ રિવૉલ્વર નહીં લેતી વખતે જ શસ્ત્રવિહોણા યુદ્ધની કલ્પના કરી લીધી હતી. યુદ્ધ માટેની સજ્જતા એ જ સાચા યોદ્ધાની નિશાની છે. રાધાએ શસ્ત્રવિહોણું યુદ્ધ લડવાનું હતું... અને એ મનથી સજ્જ હતી... શસ્ત્ર એના દિમાગમાં હતું, માત્ર તકની રાહ જોવાની હતી. જોકે, તક એણે જાતે ઊભી કરવાની હતી.
***********************
રાઘવ બાબુજીના ક્રિયાકર્મ રણછોડ પર છોડીને મંદિર પરિસરમાં દૂધ વેચવા બીજા જ દિવસથી નીકળી પડ્યો. એની ચકોર નજર મંદિર પરિસરમાં ફરતી રહી, પણ એને ખબર ન હતી કે એના પર બીજી કેટલીક નજર ફરી રહી હતી. એણે દૂધ ભરેલું કેન પુરોહિતની ચાની ટપરી પાસે ઉતાર્યું. પુરોહિતે તરત જ એને ચાની કુલ્હડ આપી. પુરોહિતના ચહેરા પર બાબુજીના મોતનો શોક અને ગુસ્સો બંને ભડભડિયા સ્ટવની જેમ ભડભડ બળી રહ્યા હતા. એના મનમાં બાબુજીના કાતિલને ચા પીવડાવી રહ્યાનો વસવસો હતો. રાઘવના ચહેરા પર બાબુજીના મૃત્યુનો કોઈ શોક જણાતો નહતો. રાઘવે જ બાબુજીને ખતમ કર્યા હોવાનો આનાથી વિશેષ કયો પુરાવો હોઈ શકે. પુરોહિતને રાઘવના ચહેરા પર ગરમ ચાનું તપેલું ફેંકવાની ઇચ્છા થઈ. એને લાગ્યું કે એ મંદિર પરિસરમાં એક વિધર્મી, એક આતંકવાદી... દેશના દુશ્મનને ચા પીવડાવીને ઉછેરી રહ્યો છે. એણે ગુસ્સામાં તપેલાની ધાર પર કડછો પછાડ્યો. આ સિવાય એ કરી પણ શું શકે એમ હતો, પણ ચા વેચીને પેટિયું રળનારા પુરોહિતના પેટમાં દેશદાઝ ઊકળી
રહી હતી. ક્રિયાકર્મમાં તારે રણછોડની સાથે રહેવું જોઈએ’ પુરોહિતે કહ્યું.
‘બાબુજી કહેતા કે આ પણ દૂધની સેવા છે... આને ક્યારેય બંધ નહીં કરવાની,’ રાઘવે કહ્યું.
ગોપાલેશ્વરનું આવું પવિત્ર કામ તારા હાથે થાય છે એની ખબર જો બાબુજીને પડી હોત તો એમની આંતરડી કેટલી કકડી ઊઠી હોત એની તને ખબર નથી... પુરોહિત બોલવા ગયો, પણ શબ્દોને ચાની સાથે જગમાં ગાળી નાખ્યા.
‘દૂધ વેચવાનું કામ રણછોડને કરવા દેવું હતુંને... એ બાબુજીની વધુ નજીક હતો,’ પુરોહિત બોલ્યો.
‘એ બાબુજીની નજીક હતો એટલે જ મેં એને બાબુજીની પાછળના ક્રિયાકર્મ કરવાનું કહ્યું...’ રાઘવે કહ્યું.
‘રણછોડ છોરો હજી ઉંમરમાં નાનો છે... તું એની સંભાળ રાખજે...’ પુરોહિત બોલ્યો.
‘અરે એ કાંઈ કહેવાની વાત છે... હું એનું બરાબર ધ્યાન રાખીશ... એ મારા ધ્યાનમાં જ છે.’ રાઘવ આ કયા અર્થમાં બોલ્યો... પુરોહિતને રણછોડની ચિંતા થઈ.
રાઘવ એનું રાઝ જાણી જનારાને કદાચ માર્ગમાંથી હટાવી નાખતો હશે... પહેલાં બાબુજી અને હવે કદાચ રણછોડ. વિચાર પુરોહિતને હચમચાવી ગયો.
*******************
પાણીની પરબ પર સાધુ કળશિયો ઉપર ધરીને પાણી પીતો ઊભો હતો. ત્યાં આવી પહોંચેલા શંકરને જોઈને સાધુએ કળશિયો મૂક્યો. જય ગોપાલા બોલીને શંકર એ જ કળશિયો ઉપાડીને પાણી પીવા લાગ્યો.
‘સાયલેન્ટ ધમાકા...’ સાધુ આસપાસ જોતાં બોલ્યો.
‘કબ...?’ શંકરે પૂછ્યું.
‘થોડા રુકને કા હુકમ હૈ...’
‘ઝ્યાદા રુકને મેં ખતરા હૈ...’
‘ખતરા મોડ લો... લેકિન અપની પોઝિશન બનાયે રખો... હુકમ હૈ...’ સાધુએ કહ્યું.
એ જ વખતે પુરોહિત સ્કૂટી પર નીકળ્યો. સદ્નસીબે એનું ધ્યાન બંને પર પડ્યું નહીં, પણ શંકરે પુરોહિતને જોઈ લીધો... ‘ચલતા હું’ કહીને એ ચાલવા લાગ્યો. સાધુ સમજી ગયો કે કંઈક થયું જેથી શંકરે ચાલતી પકડી, પણ એને પૂછવાનો સમય ન હતો. પુરોહિત પાછો વળીને ચાની ટપરી પર આવતાં પહેલાં ગુપ્તાજીની દુકાને ગયો.
‘ચાય પત્તી ઔર શક્કર...’ ગુપ્તાજીની સામે જોઈને બોલ્યો. શંકર ચૂપચાપ જોખવા લાગ્યો. જોખીને સામાન આપ્યો.
‘પાની પીલા દે ભાઈ,’ શંકરે પુરોહિતને પાણી આપ્યું.
‘ગુપ્તા તેરે મટકે કા પાની તો પ્યાઉ કે પાની સે ઝ્યાદા મીઠા હૈ...’ પુરોહિતે ગ્લાસ પાછો આપતાં કહ્યું. ક્યા પુરોહિતને મુઝે સાધુ કે સાથ દેખ લિયા થા યા એસે હી કહા... શંકર અસમંજસમાં પડી ગયો હતો.
*******************
શંકરને બીજી એક મૂંઝવણ પણ સતાવતી હતી. સાયલેન્ટ ધમાકો જલદી પતે તો સારું કેમ કે બહુ વખત ગોપાલેશ્વરમાં રોકાવું ઠીક નથી એવું એને છેલ્લા થોડા સમયથી લાગ્યા કરતું હતું. સાયલેન્ટ ધમાકા અભી નહીં કરના હૈ. સાધુએ ઉપરથી છોડાયેલો હુકમ સાફ શબ્દોમાં કહ્યો હતો. પાણીની પરબ પર સાધુ સાથેની વાત અધૂરી રહી ગઈ હતી. વારેવારે પાણીની પરબ પર જઈને વાતો કરવાથી કોઈની પણ નજર આવી જવાનો ખતરો પણ હતો. એવું તો શું કારણ છે કે સાયલેન્ટ ધમાકાને રોકી રખાયો છે... જાણવું જરૂરી હતું. કોઈ એક રાતે મોકો જોઈને શંકરના મંદિરે જઈને સાધુ સાથે વાત કરવાનો એને વિચાર આવ્યો.
*********************
અજમલ અન્સારી નમાઝ પઢીને ઊભો થયો કે એણે મોબાઇલની રિંગ સાંભળી. બાજુના રૂમમાંથી ઝૈનાબ અલી નામની મહોતરમા બહાર આવી...
‘આપકે લિયે હૈ...’ એ અજમલ અન્સારીને મોબાઇલ આપીને જતી રહી.
‘હેલો...’ અજમલ અન્સારીએ કહ્યું.
‘ફિર સે બાલ બાલ બચ ગયા તૂ... હમારે લડકોં કી ઇન્ફર્મેશન પક્કીથી ઇસ લિયે...’
સમંદરખાન બોલ્યો...
‘જનાબ, માન ગયે આપકી ઇન્ફર્મેશન કો... મેરે લિયે એક ઓર ખબર નિકાલિયેના...’ અજમલ અન્સારીએ કહ્યું.
‘કૌન સી ખબર...?’ સમંદરખાને પૂછ્યું.
‘મિત્સુ આનંદ કહાં મિલેગી... ઉસે હલાલ કરના હૈ...’
‘જબ તક મૈં ના કહું વહાં સે હિલના મત... ઔર ઉસ ઘર મેં અપના મૂંહ બંધ રખના...’ સમંદરખાને અજમલની મૂળ વાત ઉડાવતાં જવાબ આપ્યો. ફોન કટ થવાનો અવાજ આવ્યો. અજમલે ખભા ઉછાળ્યા.
અજમલને મારુતિ કારમાં શિફ્ટ કરાયો ત્યારે જ સમંદરખાને ઝૈનાબના અબુ રહેમત અલીને અજમલને થોડા દિવસ રાખવા માટેનો ફોન કરી દીધો હતો. રહેમત અલી અને એની બીવી નૂર અમદાવાદમાં વસતાં પાકિસ્તાનની એસેટ હતાં. મહત્ત્વની વાત તો એ હતી કે એમની પુત્રી ઝૈનાબ ખુદ અબુ અમ્મીના આ રાઝથી બેખબર હતી.
‘આપકા મોબાઇલ...’ અજમલે અંદરથી જ બૂમ પાડી. ઝૈનાબે અંદર જઈને મોબાઇલ પાછો લીધો.
‘શુક્રિયા... રાસ્તે મેં દરઅસ્સલ મેરા ફોન ખો ગયા...’ અજમલ અન્સારીએ કહ્યું.
હકીકતમાં અજમલ અન્સારીને રહેમત અલીના ઘરે મૂકી જનારા લોકોએ સૌથી પહેલાં એનો મોબાઇલ જપ્ત કરી લીધો હતો.
‘આપ વૈસે ક્યા કરતી હૈ...?’ અજમલે પૂછ્યું.
‘મૈં જોબ કરતી હું...’ ઝૈનાબે કહ્યું.
‘ઔર આપ...?’ ઝૈનાબે પૂછ્યું...
‘મૈં પેશે સે ડૉક્ટર હું...’ અજમલે કહ્યું...
‘આપ અકેલી રહેતી હો...?’
‘નહીં, અબુ ઔર અમ્મી હૈ... કલ રાત આપ આયે તબ વો લોગ નહીં થે... એક દિન કે લિયે બહાર ગયે હૈ... બસ, અભી આને ચાહિયે...’
ઝૈનાબ રૂમની બહાર નીકળી કે તરત જ ડોરબેલ વાગી. ઝૈનાબે દરવાજો ખોલ્યો રહેમત અલી અને નૂર પ્રવેશ્યાં.
‘ડૉક્ટર અજમલ અન્સારી કહાં હૈ...?’ રહેમત અલીએ પ્રવેશતાં જ પૂછ્યું.
‘અંદર હૈ... આપકે મોબાઇલ પર ઉનકે લિયે ફોન આયા થા... અબુ, આપ દો દો મોબાઇલ રખતે હો... ઔર એક મોબાઇલ આપકો ભૂલ જાના હી હૈ... ખૈર, મૈંને બાત કરા દી હૈ...’
‘અચ્છા કિયા...’ કહીને એ અંદર ગયા.
‘મૈં રહેમત અલી. સૂનો, મેરી બેટી ઝૈનાબ કો કૂછ પતા નહીં ચલના ચાહિયે હમારે બારે મેં...’ રહેમત અલીએ ધીમેથી કહ્યું.
અજમલે માત્ર મુંડી હલાવી... સમંદર ખાને મોઢું બંધ રાખવાની આપેલી સૂચના એને યાદ આવી.
‘બહાર આઓ...’ રહેમત અલી બોલ્યા. બંને બહાર આવ્યા...
‘યે નૂર મેરી બીવી ઔર યે ઝૈનાબ મેરી બેટી, અહેમદાબાદ રિજિનલ પાસપોર્ટ ઑફિસ મેં કામ કરતી હૈ...’ એમણે ઓળખાણ કરાવી.
‘ઔર આપ હૈ ડૉ. અજમલ અન્સારી... દિલ્હી સે હૈ... હમારી પુરાની પહેચાન હૈ... થોડી ફૅમિલી પ્રૉબ્લેમ કે કારન... કૂછ દિન યહાં રુકેંગેં.’
અજમલ અન્સારી અમદાવાદની રિજિનલ પાસપોર્ટ ઑફિસમાં કામ કરતી ખુબસૂરત ઝૈનાબને જોતો રહ્યો અને ઝૈનાબે ડૉ. અજમલ અન્સારીને ધ્યાનથી જોયો. ઝૈનાબના જોવાનો અંદાઝ અલગ હતો.
(ક્રમશ:)