Sat May 02 2026

Logo

એકસ્ટ્રા અફેરઃ ઈરાન-અમેરિકા પાકિસ્તાનની વાત માને એ ભારત માટે સારું નથી

2026-04-09 08:38:00
Author: Bharat Bharadwaj
Article Image

 

ભરત ભારદ્વાજ

અમેરિકા-ઈઝરાયલ વર્સીસ ઈરાનના યુદ્ધમાં ગાજ્યા મેઘ વરસ્યા નહીં જેવો ઘાટ થઈ ગયો. અમેરિકાના પ્રમુખ ડોનલ્ડ  ટ્રમ્પે 24 કલાક પહેલાં જ કરેલી પ્રેસ કોન્ફરન્સમાં હુંકાર કરેલો કે, અમેરિકા હવે ઈરાનને નહીં છોડે ને કાલે સવાર પડશે ત્યારે દુનિયાના નકશામાંથી દુનિયાની એક સૌથી જૂની સંસ્કૃતિ સાવ ભુંસાઈ જશે. મતલબ કે, અમેરિકા ઈરાનને બિલકુલ સાફ કરી નાંખશે. ટ્રમ્પે એક દિવસ પહેલાં પણ ધમકી આપી હતી કે, ઈરાન સમજૂતી નહીં કરે તો પોતે ઈરાનને નરક બનાવી દેશે કેમ કે ઈરાનને અમેરિકા એક રાતમાં જ ખતમ કરી શકે તેમ છે.

ટ્રમ્પની આ બધી વાતો સાંભળીને બધાંને એવું જ લાગવા માંડેલું કે, ઈરાન તો ગયું ને ટ્રમ્પ ઈરાનને પણ સપાટ મેદાન કરીને જ છોડશે. ભારતમાં પણ સૌને લાગેલું કે, બુધવારે સવારે ઉઠીશું ત્યારે તો ઈરાનનું અસ્તિત્વ જ મટી જશે પણ બુધવારે સવારે તો સાવ અલગ જ ખેલ જોવા મળ્યો. બુધવારે સવારે ડોનલ્ડ ટ્રમ્પે યુધ્ધવિરામની જાહેરાત કરી નાખી. 

ઈરાનની સભ્યતાને ખતમ કરવાની વાતો કરનારા ટ્રમ્પે જાહેરાત કરી નાખી કે, ઈરાન અને અમેરિકા યુદ્ધનો અંત લાવવા માટે ચર્ચા કરી શકે એ માટે યુદ્ધવિરામ બે અઠવાડિયાં માટે લંબાવવાનો નિર્ણય લેવાયો છે. ટ્રમ્પની જાહેરાતની મિનિટોમાં જ ઈરાને પણ યુદ્ધવિરામ સ્વીકારી લીધું હોવાની જાહેરાત કરી નાખતાં ઘમાસાણ યુદ્ધ થવાની વાતોનું સુરસુરિયું થઈ ગયું છે.  

ઈરાન અને અમેરિકા વચ્ચેનો યુદ્ધવિરામ આખી દુનિયા માટે સારા સમાચાર છે કેમ કે બંને જંગે ચડ્યા તેમાં આખી દુનિયાની પત્તર ખંડાઈ ગઈ છે. ક્રૂડ ઓઈલની અછતના કારણે આખી દુનિયામાં કકળાટ મચેલો છે ને ચીજવસ્તુઓના ભાવ આસમાને પહોંચ્યા છે. બંને વચ્ચેનું યુદ્ધ લંબાય તો અડધી દુનિયાએ ભૂખે મરવાનો વારો આવે એવી હાલત છે તેથી સૌ ઈચ્છતા જ હતા કે, યુદ્ધ પતી જાય પણ અમેરિકા ને ઈરાન બંને મમતે ચડેલાં તેથી આખી દુનિયા અધ્ધર જીવે હતી. 

તેમાં ટ્રમ્પે વળી ઈરાનને સાવ પતાવી દેવાની વાત કરી તેથી સૌના જીવ તાળવે ચોંટી ગયેલા કેમ કે ટ્રમ્પ ગમે તે ફિશિયારી મારે પણ સામાન્ય હુમલાથી કોઈ દેશને એક રાતમાં પતાવી દેવો શક્ય નથી. આ કારણે લોકોને ટ્રમ્પ ઈરાન પર પરમાણુ હુમલો કરવાની વેતરણમાં તો નથી ને એવી ચિંતા પણ હતી. સદનસીબે આ બધી ચિંતાઓ નિરાધાર સાબિત થઈ છે ને ટ્રમ્પ તેમના સ્વભાવ પ્રમાણે જ ફાંકા-ફોજદારી કર્યા પછી પાણીમાં બેસી ગયા છે.

ટ્રમ્પે યુદ્ધવિરામ સ્વીકાર્યો એ તો સારી વાત છે જ પણ વધારે સારી વાત એ છે કે, ટ્રમ્પ ઢીલાઢફ પણ પડી ગયા છે. સત્તાવાર રીતે ઈરાન સાથે મંત્રણા કરી શકાય એ માટે યુદ્ધવિરામ સ્વીકારાયો હોવાની વાત કરાઈ છે પણ ટ્રમ્પે એવું કહ્યું છે કે, શાંતિ કરારને અંતિમ સ્વરૂપ આપીને તેનો અમલ કરવા માટે સમય મળી રહે એટલે યુદ્ધવિરામ સ્વીકાર્યો છે. તેનો અર્થ એ થયો કે, અમેરિકા ગમે તે ભોગે ઈરાન સાથે શાંતિ ઈચ્છે છે. ટ્રમ્પની ઉંમર થઈ ગઈ છે એટલે તેમને પોતે શું ભરડે છે તેનું ભાન નથી રહેતું પણ આશા રાખીએ કે, ટ્રમ્પની આ વાત સાચી નીકળે ને ખરેખર ઈરાન સાથે શાંતિ કરાર થઈ જાય.

ટ્રમ્પે આટલા બધા હાકલા પડકારા પછી યુદ્ધવિરામ કેમ સ્વીકારી લીધો તેનાં કારણો જગજાહેર છે. ટ્રમ્પે સામ-દામ, દંડ, ભેદ એમ બધા રસ્તા અપનાવી જોયા પણ ઈરાને મચક ના આપી તેમાં ટ્રમ્પ ઢીલાઢફ થઈ ગયા છે. ટ્રમ્પે હુમલા શરૂ કરીને ઈરાનનું નાક દબાવવા પ્રયત્ન કર્યો તો ઈરાને હોર્મુઝ સ્ટ્રેઈટ બંધ કરીને અડધી દુનિયાનું નાક દબાવી દીધું. ટ્રમ્પે હોર્મુઝ સ્ટ્રેઈટ ખોલાવવા માટે જાત જાતના ઉધામા કરી જોયા પણ ઈરાન પર કોઈ અસર ના થઈ. 

ટ્રમ્પ છેલ્લે યુનાઈટેડ નેશન્સની સિક્યુરિટી કાઉન્સિલમાં પણ ગઈ પણ ચીન અને રશિયાએ વીટો વાપરીને અમેરિકાનો પોપટ કરી નાખ્યો પછી ટ્રમ્પ પાસે કાં કુમલો કરીને ઈરાનનો સાવ ઘડોલાડવો કરી નાખવો કાં બે પગ વચ્ચે પૂંછડી દબાવીને બેસી જવું એ બે જ વિકલ્પ હતા. ટ્રમ્પે બીજો વિકલ્પ સ્વીકારીને શાણપણ વાપર્યું છે કેમ કે અમેરિકા ઈરાન પર જોરદાર હુમલો કરે પછી ઈરાન શાંત બેસવાનું નહોતું. ઈરાન પણ એવો જ જવાબ આપે તેમાં ભડકો થઈ ગયો હોત.

અમેરિકાએ ઈરાન સાથે યુદ્ધવિરામ સ્વીકાર્યો પણ ઈઝરાયલે લેબેનોન પર હુમલા શરૂ કર્યા છે. તેનો મતલબ એ થયો કે, મિડલ ઈસ્ટમાં હોળી તો સળગેલી જ રહેશે પણ લેબેનોન પર હુમલા ચાલુ રહે તેમાં દુનિયા પર મોટી અસર નથી પડતી. લેબેનોન ને સીરિયા ને ઈરાક ને એ બધા દેશોમાં તો બારે મહિના ખૂનામરકી ચાલ્યા જ કરે છે તેથી તેની ચિંતા કરવાની જરૂર નથી. આ બધા દેશો પર કટ્ટરવાદીઓ ચડી બેઠા છે ને એ બધા પોતાના પાપે જ મરવાના છે, આપણે તો ઈરાન સાથે અમેરિકાના શાંતિ કરાર થઈ જાય ને હોર્મુઝ સ્ટ્રેઈટ ખૂલી જાય એટલે બધી સમસ્યાઓનો અંત આવી જાય.

અમેરિકા-ઈરાન યુદ્ધવિરામ સારો સંકેત છે પણ આપણને અકળાવે એવી વાત એ છે કે ઈરાન અને ટ્રમ્પ બંનેએ આ યુદ્ધવિરામનો જશ પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફ અને આર્મી ચીફ ફિલ્ડ માર્શલ અસીમ મુનીરને આપી દીધો છે. ટ્રમ્પે પોતાના સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ પર લખ્યું છે કે, પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફ અને પાકિસ્તાનના આર્મી ચીફ ફિલ્ડ માર્શલ અસીમ મુનીર સાથેની વાતચીતના આધારે યુધ્ધવિરામનો નિર્ણય લીધો છે. 

શાહબાઝ શરીફે સોશ્યલ મીડિયા પર મોડી રાત્રે મૂકેલી પોસ્ટમાં ઈરાન અને અમેરિકા વચ્ચેની વાતચીતને આગળ વધારવા માટે ઈરાનનો ખાતમો કરવા માટે અંતિમ હુમલો કરવા માટેની મહેતલ બે અઠવાડિયાં લંબાવવા વિનંતી કરી હતી. શરીફે આ જ પોસ્ટમાં ઈરાનને બે અઠવાડિયાં માટે હોર્મુઝ સ્ટ્રેઈટ ખોલવા માટે કહ્યું હોવાનો દાવો પણ કર્યો હતો. ટ્રમ્પે પોતે શરીફ અને મુનીરની વાત સ્વીકારી હોવાનો દાવો કર્યો પછી ઈરાને પણ શરીફનો આભાર માન્યો. ઈરાનના વિદેશ મંત્રી સૈયદ અબ્બાસ અરાઘાચીએ તો શરીફ ને મુનીર બંનેને વહાલા ભાઈઓ ગણાવીને ઓવારણાં લઈ લીધાં.

ભારત માટે પાકિસ્તાનની અમેરિકા અને ઈરાન સાથેની ગાઢ દોસ્તી સારો સંકેત નથી. પાકિસ્તાન આપણું કટ્ટર દુશ્મન છે કેમ કે પાકિસ્તાન ભારતમાં અરાજકતા અને અશાંતિ ફેલાવવા માટે આતંકવાદ ફેલાવે છે. અમેરિકા અને ઈરાન બંને ભારતનાં મિત્ર છે ને બંને સાથે ભારતનાં વ્યાપક આર્થિક હિતો સંકળાયેલાં છે. હવે આપણા બે મિત્રો દુશ્મનની નજીક જાય એ સારું તો ના જ કહેવાય ને?