Thu Aug 27 2026

Logo

રિયાધમાં અમેરિકન દૂતાવાસ પર ડ્રોન હુમલો, જાણો અત્યાર સુધીના લેટેસ્ટ અપડેટ્સ

Riyadh   2026-03-03 08:32:00
Author: Mayur Patel
રિયાધમાં અમેરિકન દૂતાવાસ પર ડ્રોન હુમલો, જાણો અત્યાર સુધીના લેટેસ્ટ અપડેટ્સ

 

રિયાધઃ અમેરિકા-ઈઝરાયલ અને ઈરાન વચ્ચે યુદ્ધ વકરી રહ્યું છે. લેટેસ્ટ અપડેટ મુજબ, રિયાધમાં અમેરિકન દૂતાવાસ પર ડ્રોન હુમલો કરવામાં આવ્યો છે. જેના કારણે આગ ફાટી નીકલી છે. સાઉદી અરબે ચાર પ્રોજેક્ટાઈલને તોડી પાડ્યાનો દાવો કર્યો છે. 

પ્રત્યક્ષદર્શીઓએ રિયાધના ડિપ્લોમેટિક ક્વાર્ટર પર કાળો ધુમાડો નીકળતો જોયો હતો, જ્યાં વિદેશી દૂતાવાસો આવેલા છે. સાઉદી સંરક્ષણ મંત્રાલયે જાહેરાત કરી હતી કે યુએસ  એમ્બેસી પર બે ડ્રોન દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો, જેના પરિણામે આગ લાગી હતી અને ઇમારતને નજીવું નુકસાન થયું હતું.

સાઉદી અરેબિયા સ્થિત યુએસ એમ્બેસીએ જેદ્દાહ, રિયાધ અને ધાહરાન માટે 'શેલ્ટર ઇન પ્લેસ' (જ્યાં છો ત્યાં જ સુરક્ષિત રહેવા) ની સૂચના આપી છે. આ સાથે જ એક એડવાઇઝરીમાં ઉમેર્યું છે કે તેઓ આ વિસ્તારમાં કોઈપણ લશ્કરી મથકો પર બિન-જરૂરી અવરજવરને મર્યાદિત કરી રહ્યા છે.

ઈઝરાયેલી સેનાએ તહેરાન અને બેરુત પર હુમલા ચાલુ રાખ્યા છે. જેમાં ઈરાનના સરકારી બ્રોડકાસ્ટરનો પણ સમાવેશ થાય છે. જ્યારે ઈરાન અને લેબનાનમાં મૃતકોની સંખ્યા ઘણી વધારે છે.  અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા તણાવ વચ્ચે અમેરિકન ગ્રાઉન્ડ ફોર્સને તૈનાત કરવાનો ઈન્કાર કર્યો હતો. 

 


અત્યાર સુધીના મોટા અપડેટ્સ

મિડલ ઈસ્ટનું સંકટ ઘેરું બની રહ્યું છે, કારણ કે ઈરાને હોર્મુઝ સ્ટ્રેટ (Hormuz Strait) બંધ કરવાની જાહેરાત કરી છે અને ચેતવણી આપી છે કે જે પણ જહાજ આ વ્યૂહાત્મક જળમાર્ગમાંથી પસાર થવાનો પ્રયત્ન કરશે, તેને આગ લગાડી દેવામાં આવશે.

IRGC એ દાવો કર્યો છે કે તેણે કુવૈતમાં યુએસ (US) સૈનિકોને હોસ્ટ કરનારા આરિફજાન બેઝ પર 10 ડ્રોનનો ઉપયોગ કરીને હુમલો કર્યો છે. તેણે દાવો કર્યો કે ડ્રોને પોતાના ટાર્ગેટ પર સફળતાપૂર્વક હુમલો કર્યો છે.

ફોક્સ ન્યૂઝના રિપોર્ટ મુજબ, ઈરાની ડ્રોન હુમલા સમયે રિયાધમાં યુએસ એમ્બેસી ખાલી હતી. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે આ ઘટનામાં કોઈના પણ ઘાયલ થવાના સમાચાર નથી.

યુએસ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પનું કહેવું છે કે ઈરાન વિરુદ્ધ મિલિટરી કેમ્પેઈન લગભગ ચાર અઠવાડિયા સુધી ચાલી શકે છે. તેમણે ખાતરી આપી કે વોશિંગ્ટન તેહરાનની મિસાઈલ અને ન્યુક્લિયર ક્ષમતાઓને ખતમ કરવા માટે જે પણ કરવું પડશે તે કરશે.

ઈઝરાયેલી સેનાએ મંગળવારે સવારે કહ્યું કે, લેબનાની રાજધાની બેરૂતમાં હિઝબુલ્લાહના કમાન્ડ સેન્ટર તથા હથિયાર રાખવાની જગ્યા પર બોમ્બમારો કરી રહ્યા છે.

યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ સ્ટેટે અમેરિકન નાગરિકોને તાત્કાલિક મિડલ ઈસ્ટના 11 દેશો છોડવાની સલાહ આપી છે. જેમાં બેહરીન, ઈઝરાયલ, ઈજિપ્ત, ઈરાન, ઈરાક, વેસ્ટ બેંક અને ગાઝા, જોર્ડન, કુવૈત, લેબનાન, ઓમાન, કતાર, સાઉદી અરબ, સીરિયા, યુએઈ અને યમન સામેલ છે.