મોસ્કો: રશિયા અને યુક્રેન વચ્ચે સતત યુદ્ધ ચાલી રહ્યું છે. જેમાં યુક્રેને રશિયા પર 1000 થી વધુ ડ્રોનથી હુમલો કર્યો છે. આ અંગે મળતી માહિતી મુજબ ડ્રોન હુમલાનો ટાર્ગેટ મોસ્કો હતું. જે રશિયાની રાજધાની પર થયેલા અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો ગણવામાં આવે છે. આ હુમલામાં બે લોકોના મોત થયા હોવાના અહેવાલ પણ મળ્યા છે.
ઓઈલ રિફાઈનરી અને એક રહેણાંક ઈમારતને નુકસાન
આ અંગે મળતી માહિતી મુજબ રશિયામાં સંસદીય ચૂંટણીના ત્રીજા અને અંતિમ દિવસે આ હુમલો થયો હતો. મોસ્કોના મેયર સર્ગેઈ સોબ્યાનિને તેને રાજધાની પર અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો ગણાવ્યો હતો. આ હુમલામાં મોસ્કોની ઓઈલ રિફાઈનરી અને એક રહેણાંક ઈમારતને નુકસાન થયું હતું. મોસ્કોના ગવર્નર આન્દ્રે વોરોબ્યોવના જણાવ્યા અનુસાર, ડ્રોન હુમલામાં બે લોકોના મોત થયા હતા અને 20 લોકો ઘાયલ થયા હતા.
યુક્રેનમાં બનેલી ફ્લેમિંગો અને પેલિકન મિસાઇલનો ઉપયોગ
જોકે, આ હુમલામાં યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ સોશિયલ મીડિયા પર જણાવ્યું હતું કે હુમલામાં વિવિધ પ્રકારની મિસાઇલો અને ડ્રોનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જેમાં યુક્રેનમાં બનેલી ફ્લેમિંગો અને પેલિકન' મિસાઇલનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ હુમલાઓ ઓઇલ રિફાઇનરી અને લોજિસ્ટિક્સ સંબંધિત સુવિધાઓને નિશાન બનાવીને કરવામાં આવ્યા હતા. ઝેલેન્સ્કીએ કહ્યું કે આ હુમલાઓનો હેતુ રશિયાની યુદ્ધ ક્ષમતાને આર્થિક નુકસાન પહોંચાડવાનો છે.
ઉલ્લેખનીય છે કે, હાલમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ રશિયાની ઓઇલ રિફાઇનરી હુમલા ન કરવા જણાવ્યું હતું.