મુંબઈ: મહારાષ્ટ્ર એફડીએ (ફૂડ એન્ડ ડ્રગ એડ્મિનિસ્ટ્રેશન) કમિશનર તુકારામ મુંઢે વિમલ ઈલાયચીની જાહેરાતને લઈને અભિનેતા શાહરુખ ખાન, અજય દેવગણ અને ટાઇગર શ્રોફ પર કાર્યવાહીના મામલામાં એક મહત્ત્વનું નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે આ અભિનેતાઓને શો-કોઝ નોટિસ (કારણ બતાવો નોટિસ) જારી કરી હતી.
એક અભિનેતાએ નોટિસનો જવાબ નથી આપ્યો, તેથી તેની વિરૂદ્ધ એફડીએ દ્વારા કાયદેસર કાર્યવાહી અને ટ્રાયલ ચલાવવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. મુંઢેએ કહ્યું કે આ મામલામાં અભિનેતાઓ તેમના માટે સેલિબ્રિટીઝ નથી, પરંતુ જાહેરાત કરનારા છે અને કાયદાના ઉલ્લંઘન કરવાના આરોપમાં કાર્યવાહી કાયદા અનુસાર આગળ વધશે.
11 ઓગસ્ટે નોટિસ મોકલી હતી
મળતી માહિતી અનુસાર એફડીએના ગ્રેટર મુંબઈ ડિવિઝન દ્વારા 11 ઓગસ્ટ ત્રણેય અભિનેતાને નોટિસ મોકલવામાં આવી હતી. આરોપ હતો કે વિમલ ઈલાયચીની જાહેરાત પ્રતિબંધિત 'વિમલ પાન મસાલા'ના પ્રમોશન તરીકે કરવામાં આવી રહ્યો છે. રાજ્યમાં પાન મસાલા પ્રતિબંધિત ઉત્પાદનોની શ્રેણીમાં આવે છે.
અભિનેતાઓને નોટિસનો જવાબ આપવા માટે 15 દિવસનો સમય આપવામાં આવ્યો હતો. તુકારામ મુંઢેએ કહ્યું ત્રણમાંથી બે અભિનેતાઓએ એફડીએની નોટિસનો જવાબ આપ્યો છે અને તેમાંથી એકનો જવાબ મળ્યો નથી.
શાહરુખે નોટિસનો જવાબ આપ્યો નથી
શાહરુખ ખાનની ટીમે નોટિસનો જવાબ આપ્યો કે નહીં તે પૂછવામાં આવતા તેમણે કહ્યું કે ચોક્કસ જાણકારી તેમની પાસે નથી. તેમણે શક્યતાઓ વ્યક્ત કરી કે તેણે કદાચ જવાબ આપ્યો નથી, પરંતુ સ્પષ્ટ કર્યું કે સબંધિત જાણકારી આસિસ્ટન્ટ કમિશનર પાસે છે.
મુંઢેના જણાવ્યા અનુસાર જે બે અભિનેતાઓએ જવાબ આપ્યો તેમણે કહ્યું છે કે ઉત્પાદનની જવાબદારી કંપનીની છે. એફડીએ તેમને પોતાની વાત મુકવાની તક આપશે. નોટિસ જારી કરનારા આસિસ્ટન્ટ કમિશનર જ આ મામલે સુનાવણી કરશે.
આ દલીલને ફગાવી
એફડીએ કમિશનર જાહેરાત કરનારાઓની જવાબદારીથી જોડાયેલી દલીલને ફગાવતા 'ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ રેગ્યુલેશન, 2018'નો હવાલો આપ્યો હતો. તેમણે કહ્યું કે ખાદ્ય ઉત્પાદનોની જાહેરાતને લઈને કાયદામાં સ્પષ્ટ જોગવાઈ છે અને જાહેરાત કરનારી સંસ્થા કે વ્યક્તિની પણ અમુક જવાબદારીઓ નક્કી કરવામાં આવી છે. તેમણે કહ્યું હતું કે આ ફક્ત નૈતિક જવાબદારીનો મામલો નથી, પરંતુ કાયદા અંતર્ગત જાહેરાત કરનારની જવાબદારી પણ નક્કી થાય છે.