Mon Oct 05 2026

Logo

ટ્રમ્પ સરકારની ઈમિગ્રેશન પર કડક કાર્યવાહી: 50થી વધુ અમેરિકી સૈનિકોના પરિજનોની અટકાયત

Washington dc   2026-08-05 18:51:59
Author: Mumbai Samachar Team
ટ્રમ્પ સરકારની ઈમિગ્રેશન પર કડક કાર્યવાહી: 50થી વધુ અમેરિકી સૈનિકોના પરિજનોની અટકાયત

(AP Photo/Alex Brandon)


વોશિંગ્ટન: રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સરકારે અમેરિકન સેનામાં તૈનાત ડઝનેક સૈનિકોના માતા-પિતા અને જીવનસાથીઓની અટકાત કરી હતી. સરકાર વ્યાપક પ્રમાણમાં લોકોને દેશની બહાર કરવા માટે પોતાની યોજના હેઠળ સૈન્ય પરિવારોને મળનારી ઈમિગ્રેશન સુરક્ષાને સમાપ્ત કરી રહી છે. મીડિયાની તપાસમાં આ ખુલાસો થયો હતો.

એપીની તપાસમાં સામે આવ્યું છે કે ટ્રમ્પે બીજા કાર્યકાળ માટે સત્તા સંભાળી ત્યારથી સેનામાં તૈનાત 50થી વધુ સૈનિકોના માતા-પિતા અને જીવનસાથીઓને અટકાયતમાં લેવામાં આવ્યા છે અને ઓછામાં ઓછા છનો દેશનિકાલ કરવામાં આવ્યો છે. 

સરકાર આ પ્રકારની અટકાયતમાં લેવાયેલા લોકોનો કોઈ રેકોર્ડ રાખતી નથી એટલા માટે આ પ્રકારની આ પ્રથમ જાણકારી છે. અમેરિકાના સૈનિકોના પરિવારના ઓછામાં ઓછા આઠ નજીકના સભ્યો હજુ પણ ફેડરલ ઈમિગ્રેશનની કસ્ટડીમાં છે.

દાયકાઓથી બંન્ને પાર્ટીઓ વચ્ચે પરસ્પર સહમતિ હેઠળ સૈન્યમાં રહેલા લોકોના માતાપિતા અને જીવનસાથીઓને સામાન્ય રીતે દેશનિકાલમાંથી સુરક્ષા મળતી રહી છે. પરંતુ એપીને જાણવા મળ્યું કે તેઓને મહિનાઓ સુધી અટકાયતમાં રાખવામાં આવી રહ્યા છે, કારણ કે તેઓ સૈનિકોના નજીકના સંબંધીઓ માટે ઉપલબ્ધ નીતિઓ હેઠળ તેમની કાનૂની સ્થિતિને યોગ્ય કરવાનો પ્રયાસ કરી રહ્યા હોય છે. આવું ત્યારે થઈ રહ્યું છે જ્યારે સેના સૈનિકોના પરિવારો માટે ઈમિગ્રેશન સાથે જોડાયેલા ફાયદાઓની જાહેરખબરો આપીને ભરતી કરી રહી છે.