Fri Sep 04 2026

Logo

બોક્સ ઓફિસ પર ટોમ હોલેન્ડનો જાદુ યથાવત, ‘સ્પાઈડર-મેન: બ્રાન્ડ ન્યૂ ડે’એ રિલીઝ થયાના 9 દિવસમાં અનેક રેકોર્ડ તોડ્યાં

2026-08-08 17:50:09
Author: Vimal Prajapati
બોક્સ ઓફિસ પર ટોમ હોલેન્ડનો જાદુ યથાવત, ‘સ્પાઈડર-મેન: બ્રાન્ડ ન્યૂ ડે’એ રિલીઝ થયાના 9 દિવસમાં અનેક રેકોર્ડ તોડ્યાં

મુંબઈ: હોલિવુડના સુપરહીરો સ્પાઈડર-મેનનો ક્રેઝ ભારતીય દર્શકોના માથે ચડી રહ્યો છે. ટોમ હોલેન્ડ સ્ટારર ફિલ્મ ‘સ્પાઈડર-મેન: બ્રાન્ડ ન્યૂ ડે’ ભારતીય બોક્સ ઓફિસ પર એક પછી એક કમાણીના નવા રેકોર્ડ સર્જી રહી છે. પ્રથમ અઠવાડિયામાં જ રૂપિયા 300 કરોડથી વધુનો બિઝનેસ કરનાર આ ફિલ્મે બીજા અઠવાડિયામાં પ્રવેશતાની સાથે જ કમાણીની રફતાર જાળવી રાખી છે.

રિલીઝના 9મા દિવસે 14.50 કરોડનું શાનદાર કલેક્શન

કમાણીની વાત કરવામાં આવે તો, રિલીઝના 9મા દિવસે આ માર્વેલ બ્લોકબસ્ટર ફિલ્મે દેશભરના લગભગ 13,544 શોમાંથી અંદાજે રૂપિયા 14.50 કરોડનું શાનદાર કલેક્શન કર્યું છે. બીજા શુક્રવારે ફિલ્મની કમાણીમાં લગભગ 1.8%નો વધારો જોવા મળ્યો હતો. ભારતમાં ફિલ્મનું કુલ નેટ કલેક્શન રૂપિયા 349.25 કરોડને પાર પહોંચી ગયું છે. જ્યારે ગ્રોસ કલેક્શન રૂપિયા 417.63 કરોડ થઈ ચૂક્યું છે. હવે આ ફિલ્મ ભારતમાં રૂપિયા 350 કરોડનો આંકડો પાર કરી લેશે. 

ઈંગ્લિશ અને હિન્દી વર્ઝનનો બોલબાલા

ભારતમાં આ સુપરહીરો ફિલ્મને મળી રહેલી સફળતામાં સૌથી મોટો ફાળો ઈંગ્લિશ વર્ઝનનો રહ્યો છે. અત્યાર સુધીમાં ઈંગ્લિશ ભાષામાંથી ફિલ્મે રૂપિયા 191.35 કરોડની નેટ કમાણી કરી છે, જ્યારે હિંદી ડબ વર્ઝને રૂપિયા 124.40 કરોડનો વેપાર કર્યો છે. આ સિવાય બાકીની રૂપિયા તમિલ, તેલુગુ, મલયાલમ અને કન્નડ ભાષામાં છાપી લીધા છે. 

પોતાની રિલીઝના 9મા દિવસે સ્પાઈડર-મેને બોલીવુડની સુપરહિત ફિલ્મ 'બોર્ડર 2'ના કુલ કલેક્શનના રેકોર્ડને તોડી નાખ્યો છે. સન્ની દેઓલની 'બોર્ડર 2'એ ભારતમાં લાઇફટાઇમ રૂપિયા 329.43 કરોડનું કલેક્શન કર્યું હતું. જેને 'સ્પાઈડર-મેન: બ્રાન્ડ ન્યૂ ડે'એ માત્ર 9 દિવસમાં જ રૂપિયા 349.25 કરોડ કમાઈને પાછળ છોડી દીધી છે. હવે ‘સ્પાઈડર-મેન: બ્રાન્ડ ન્યૂ ડે’ રણવીર સિંહની ફિલ્મ ધુરંધરનો રેકોર્ડ પણ તોડી દેશે તેવું લાગી રહ્યું છે.