Tue Aug 18 2026

Logo

મુખ્બિરે ઈસ્લામઃ હઝરત અલી અલૈહિ સલ્લામની અદાલત: એક ખૂનીને જ્યારે `માફી' અપાઈ

2026-07-30 12:14:00
Author: Anwar Valiani
Article Image

અનવર વલિયાણી

સાદગીના શહેનશાહ, ઈલ્મોજ્ઞાનના ભંડાર હઝરત અલી અલૈયહિ સલ્લામના ઈન્સાફનું ઉમદા દૃષ્ટાંત રજૂ કરતો, ખિલાફત (સત્તા-વહીવટ) કાળમાં બનેલ એક ખૂનના આરોપ માટે બે વ્યક્તિ દ્વારા કરવામાં આવેલ એકરારનો અજીબોગરીબ પ્રસંગ આજના અરાજકતાભર્યા સમયમાં ન્યાય કરનારાઓ માટે પ્રેરણાદાયી હોઈ, શેરે ખુદા, ઈમામે આદિલ, સચ્ચાઈ અને સાદગીના માલિક હઝરત અલી અલૈયહિ સલ્લામે નિર્દોષને કઈ રીતે ન્યાય આપ્યો તે અંગે લેખના આ બીજા ભાગમાં જાણીશું:

અસલ હત્યારો પોતે હોવાની કબૂલાત કરનાર શખસની વાત સાંભળી ખલીફતુલ મુસ્લેમીન હઝરત અલી અલૈયહિસલ્લામે ખરા ખૂનીને ફરમાવ્યું: એ તો પુરવાર થઈ ગયું છે કે ખૂન તમે જ કર્યું છે પણ લોકો જ્યારે આ વાતથી તદ્દન અજાણ હતા અને તમારી જગ્યાએ પકડાયેલ આ નિર્દોષ મુસાફર ગુનાનો એકરાર કરી ચૂક્યો હતો અને એના માટે દેહાંત દંડની શિક્ષા નક્કી કરી હતી, તો પછી તમે શા માટે મોતના મુખમાં પડવા તૈયાર થયા?

ખૂનીએ કહ્યું: મોઅમીનોના અમીર! મેં જેનું ખૂન કર્યું છે તેની સાથે મારે જૂની અદાવત હતી. એ મારા ભાઈનો હત્યારો હતો. હું મારા ભાઈની હત્યાનો બદલો લેવા માગતો હતો. આજે અચાનક વેરાન જંગલમાં મેં તેને જોયો. તેને જોતાં જ મારા ગુસ્સાનો પાર ન રહ્યો. મારું લોહી ઉકળી ઉઠ્યું. ઘણાં સમયથી જેની રાહ જોતો હતો, તે ઉત્તમ તક અનાયાસે સાંપડતા મેં તેની હત્યા કરી, મારા મરહૂમભાઈની હત્યાનો બદલો લીધો. વેરની વસૂલાત કરી. પણ આ માણસને મારી તરફ આવતો જોઈ હું ટેકરી પાછળ સંતાઈ ગયો. 

ત્યાર બાદ તરત જ આ માણસોનું ટોળું ત્યાં આવી પહોંચ્યું. આ નિર્દોષ વ્યક્તિને ખૂની સમજી પકડી લીધો પછી આપની સમક્ષ પેશ કર્યો. એ લોકોની પાછળ પાછળ હું પણ અત્રે આવી પહોંચ્યો. જ્યારે મેં જોયું કે આ નિર્દોષ માણસે દોષનો ટોપલો પોતાના માથે લઈ લીધો છે તો મારું હૃદય ચિત્કાર કરી ઉઠ્યું. મને મારી જાત પ્રત્યે નફરત થઈ આવી. હું વિચારવા લાગ્યો કે જો હું આજે ચૂપ રહીશ, તો આ દુનિયામાંથી તો બચી જઈશ પણ ખાલિકે કાયનાત (સૃષ્ટિના સર્જનહાર)ના દરબારમાં શી રીતે છટકી શકીશ? અને એ પણ એક નહીં પણ બે માનવ હત્યા માટે! કયામતના દિવસે બમણી સજા ભોગવવી પડશે. મારા અંતરાત્માનો અવાજ સાંભળી, મારા પાપનું પ્રાયશ્ચિત કરવા, મેં કરેલા અપકૃત્યની સજા ભોગવવાના ત્વરિત મક્કમ નિર્ધાર સાથે હું આગળ આવ્યો.
અય ઝુલ્ફીકારના સ્વામી અમીરૂલ મોએમીન્! આપ સમક્ષ મેં સત્ય હકીકત બયાન કરી છે. આપ ઈમામે આદિલ છો. આપને યોગ્ય લાગે તે ન્યાય આપો. હું સજા ભોગવવા તૈયાર છું.

આરોપીની સર્વ હકીકત શાંતિથી સાંભળ્યા પછી હઝરત અલી અલૈયહિસલ્લામે સાહેબઝાદા હઝરત ઈમામ હસન અલૈયહિસલ્લામ કે જેઓ પણ ત્યાં ઉપસ્થિત હતા અને સઘળી બીના ખૂબ લક્ષપૂર્વક સાંભળી રહ્યા હતા, તેમને ઉદ્દેશીને ફરમાવ્યું: આપ આ બનાવ વિશે શું વિચારી રહ્યા છો? આ અંગે આપનો અભિપ્રાય શો છે, તે વ્યક્ત કરો.

આપ હઝરતે અર્ઝ કરી: યા અમીરૂલ મોએમીન! આપ મારું મંતવ્ય જાણવા માગો છો એ મારું સદ્ભાગ્ય છે. બાકી ઈન્સાફ કરવો એ આપના હસ્તક છે. આપ ઈમામે આદિલ છો. જ્ઞાન નગરીના દ્વાર છો. આપે જ્યારે મારા વિચારો જાણવાની ઈચ્છા વ્યક્ત કરી છે, તો મારા નમ્ર મત મુજબ જેવી રીતે ખૂનીએ એકનું ખૂન કર્યું છે તો બીજાનો જીવ બચાવ્યો છે, તેને જીવતદાન અપાવ્યું છે. ખૂની તેના આ નેક કામના બદલામાં મારા અલ્પજ્ઞાનના પ્રમાણે માફીને પાત્ર છે. જેનું ખૂન થયું છે. તેના વારસદારોને બયતુલમાલમાંથી તેના બદલાની રકમ ચૂકવી આપવાની ન્યાયની શાન જળવાતી હોવાનું માનું છું.

હઝરત ઈમામ હસન અલૈયહિસલ્લામનાં મંતવ્યો સાંભળી મુશ્કિલ કુશા મૌલા અલી અલૈયહિસલ્લામના આનંદનો પાર ન રહ્યો. આપે ફરમાવ્યું: હસનના વિચાર સાથે અમે સહમત છીએ. અમારો પણ આજ ફેંસલો છે.

અમીરૂલ મોઅમેનીન હઝરતઅલી અલૈયહિ સલ્લામના ઈન્સાફના અનેક પ્રેરણારૂપ દૃષ્ટાંતો પૈકી અનન્ય એવા આ કિસ્સામાં એક ખૂન માટે બે વ્યક્તિના એકરારથી જે પરિસ્થિતિએ વળાંક લીધો હતો તેને પોતાના ઈલ્મોજ્ઞાન અને સચ્ચાઈના શહેનશાહે કઈ રીતે ન્યાય આપ્યો તે આજના અરાજકતાભર્યા યુગમાં અંતરાત્માના અવાજને જાગૃત કરનારું બની રહેવા પામશે.
* * *

સાપ્તાહિક સંદેશ:
કસૂરની શિક્ષા આપવા માટે ઉતાવળ ન કરો. કસૂર અને શિક્ષા વચ્ચે ક્ષમા માટે અંતર રાખો. 
- અમિરૂલ મુઆમિનીન હઝરતઅલી