Mon Oct 05 2026

Logo

પોલીસ સ્ટેશનમાં નાણાકીય વિવાદને લઇ શિવસેનાના નેતા પર કર્યો હુમલો

2026-09-29 17:41:44
Author: Yogesh C. Patel
પોલીસ સ્ટેશનમાં નાણાકીય વિવાદને લઇ શિવસેનાના નેતા પર કર્યો હુમલો

થાણે: થાણે શહેરના કોપરી પોલીસ સ્ટેશનમાં સોમવારે રાતે હાઇ-વોલ્ટેજ ડ્રામા થયો હતો, જેમાં શિવસેનાના યુવા નેતા સિદ્ધેશ અભંગે પર હુમલો કરવામાં આવ્યો હતો. આ ઘટનાને કારણે કોપરી વિસ્તારમાં થોડા સમય માટે વાતાવરણ તંગ બન્યું હતું.

પોલીસ અધિકારીએ કહ્યું હતું કે આ ઝઘડો મુખ્યત્વે સિદ્ધેશ અભંગે અને કાપડના વ્યવસાય સાથે સંકળાયેલી કેટલીક મહિલા સાથે નાણાકીય વિવાદને કારણે થયો હતો. વિવાદ વકરતાં બંને પક્ષો મામલો ઉકેલવા કોપરી પોલીસ સ્ટેશનમાં પહોંચ્યા હતા. જોકે પોલીસ સ્ટેશનના પરિસરમાં તેમની વચ્ચે દલીલબાજી શરૂ થઇ ત્યારે પરિસ્થિતિ વધુ વણસી હતી.

પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર એક બિઝનેસવુમને અન્યો સાથે મળીને પોલીસ સ્ટેશનમાં અભંગે પર હુમલો કર્યો હતો. એ સમયે ફરજ પર હાજર પોલીસ કર્મચારીઓએ તાત્કાલિક દરમિયાનગીરી કરી બંને પક્ષને અલગ કર્યા હતા અને પરિસ્થિતિને નિયંત્રણમાં લીધી હતી.

આ ઘટના બાદ બંને પક્ષોનાં નિવેદનો નોંધવામાં આવ્યા હતા અને એફઆઇઆર દાખલ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, એમ અધિકારીએ કહ્યું હતું. (પીટીઆઇ)