Wed Jul 29 2026

Logo

અતિક્રમણ વિરોધી ઝુંબેશ વખતે પાલિકાના કર્મચારીઓને રોકવાનો આરોપ: શખસ નિર્દોષ

2026-02-13 19:15:00
Author: Yogesh D. Patel
Article Image

થાણે: થાણે જિલ્લાની કોર્ટે અતિક્રમણ વિરોધી ઝુંબેશ દરમિયાન પાલિકાના કર્મચારીઓને રોકવાના આરોપમાંથી શખસને નિર્દોષ જાહેર કર્યો હતો. કોર્ટે નોંધ્યું હતું કે ફરિયાદ પક્ષ આરોપ પુરવાર કરવા માટે વિશ્ર્વસનીય પુરાવા રજૂ કરવામાં નિષ્ફળ ગયો હતો.

એડિશનલ સેશન્સ જજ જી.ટી. પવારે બુધવારે હેમંત તાનાજી મહાલેને નિર્દોષ જાહેર કર્યો હતો, જેની વિરુદ્ધ ભારતીય દંડસંહિતાની કલમ 353 (સરકારી કર્મચારીને ફરજ બજાવવાથી રોકવા માટે હુમલો અથવા ગુનાહિત બળ) તથા મહારાષ્ટ્ર રિજનલ ટાઉન પ્લાનિંગ (એમઆરટીપી) એક્ટની સંબંધિત કલમ હેઠળ ગુનો દાખલ કરાયો હતો.

થાણે પાલિકાના વરિષ્ઠ અધિકારીએ નોંધાવેલી ફરિયાદને આધારે 1 ડિસેમ્બર, 2022ના રોજ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો હતો કે અતિક્રમણ વિરોધી ઝુંબેશ દરમિયાન હેમંત મહાલેએ પાલિકાના કર્મચારીઓના કામમાં અવરોધ ઊભો કર્યો હતો.

ટ્રાયલ દરમિયાન બચાવ પક્ષે દલીલ કરી હતી કે હેમંત મહાલે સામાજિક કાર્યકર હતો, જેને કેસમાં ખોટી રીતે ફસાવવામાં આવ્યો હતો. કારણ કે તેણે અગાઉ અનધિકૃત બાંધકામો બદલ સ્થાનિક વિધાનસભ્ય વિરુદ્ધ ફરિયાદો નોંધાવી હતી.

જજે અવલોકન કર્યું હતું કે હુમલો, ગુનાહિત બળનો ઉપયોગ અથવા ફરજ બજાવવામાં અવરોધ અંગે ફરિયાદ પક્ષના સાક્ષીઓના પુરાવા એકબીજાથી વિરોધાભાસી છે. આથી તે અવિશ્ર્વસનીય છે. (પીટીઆઇ)