- રાજ ગોસ્વામી
હજુ એક વર્ષ પહેલાં, મોટાભાગના ભારતીયોને વિજય ચંદ્રશેખર જોસેફનું નામ પણ ખબર નહોતું. અને જે થોડા લોકો આ નામથી પરિચિત હતા, તે હિન્દીમાં ડબ થયેલી તમિળ ફિલ્મોના હીરો તરીકે. તમિળ ફિલ્મોના ચાહકોમાં તે ‘થલાપતિ’ (એટલે કે કમાન્ડર, લીડર અથવા જનરલ) તરીકે સ્થાપિત હતો, પણ આજે આખું ભારત વિજયને તમિળનાડુના ભાવી મુખ્યમંત્રી તરીકે જાણવા લાગ્યું છે. ચાર મેના જે રાજ્યોની ચૂંટણીનાં જાહેર થયેલાં એનાં પરિણામમાં, તમિળનાડુએ જબરદસ્ત અપસેટ સર્જ્યો અને 51 વર્ષના એક નવોદિત નેતા વિજયને સડક પરથી ઉઠાવીને સિંહાસન નજીક લાવીને બેસાડી દીધો છે (વિજયને સત્તા માટે વિધાનસભામાં 11 મતોની જરૂર છે).
આ બધા વચ્ચે મોટી વાત એ છે કે તમિળનાડુમાં 49 વર્ષથી કોઈ ફિલ્મસ્ટારને જનતાએ સીધો ચૂંટ્યો નથી. 1977માં એમ. જી. રામચંદ્રન સિનેમાની સત્તામાંથી નીકળીને રાજનીતિની સત્તામાં આવ્યા હતા. એ પછી એક્ટ્રેસ જયલલિતા મુખ્યમંત્રી બન્યાં હતાં, પણ તે એમજીઆર અને તેમની એઆઈડીએમકે પાર્ટીના વારસદાર તરીકે આવ્યાં હતાં. આટલાં વર્ષો પછી, વિજય પહેલો સ્ટાર છે જે પોતાના અને પોતાની નવોદિત પાર્ટી તમિળગા વેટ્રી કઝગમ (ટીવીકે)ના કરિશ્મા પર સત્તામાં આવ્યો છે.
આ દક્ષિણ ભારતની ચકાચોંધભરી ફિલ્મી દુનિયામાંથી નીકળીને રાજનીતિના મંચ પર ઊભા રહેલા એક એવા વ્યક્તિત્વની કહાની છે, જે કેવળ એક અભિનેતા નથી રહ્યો, બલકે એક ભાવનાત્મક લહેર, એક જનઅંદોલન અને સત્તા પરિવર્તનનો ચહેરો બની ચૂક્યો છે. તે ફિલ્મોમાં ‘થલાપતિ’ હતો, જનતાએ તેને હવે રાજ્યનો કમાન્ડર બનાવ્યો છે. આ ‘વિજય-યાત્રા’ કમાલની છે.
22 જૂન 1974ના રોજ જન્મેલા વિજયનું જીવન જાણે કેમેરાની રોશનીમાં શરૂ થયું હતું. તેના પિતા એસ. એ. ચંદ્રશેખર એક ફિલ્મ નિર્દેશક હતા અને મા શોભા ચંદ્રશેખર એક ગાયિકા હતાં. આવા માહોલમાં વિજય માટે અભિનય કોઈ વિકલ્પ નહીં, સ્વાભાવિક રસ્તો હતો. તેણે બાળપણમાં જ નાના-નાના કિરદાર કરવાનું શરૂ કરી દીધું હતું. ત્યારે કોઈએ વિચાર્યું નહોતું કે આ બાળકલાકાર એક દિવસ લાખો લોકોના દિલની ધડકન અને કરોડો લોકોની આશા બની જશે.
યુવાનીમાં પ્રવેશતા જ વિજયે પોતાની અલગ ઓળખ બનાવવાની શરૂઆત કરી. 1990ના દાયકામાં જ્યારે તેણે નાયક તરીકે ફિલ્મોમાં પગ મૂક્યો ત્યારે શરૂઆતમાં સફળતા સહેલી નહોતી, પરંતુ ધીમે ધીમે તેણે પોતાના અભિનય, નૃત્ય અને ખાસ કરીને પોતાની માસ અપીલ દ્વારા દર્શકોનાં દિલ જીતવાનાં શરૂ કર્યા હતાં. તેનાં પાત્રોમાં સામાન્ય માણસનો સંઘર્ષ, ન્યાય અને આત્મસન્માનની વાતો ઝળહળતી હતી અને એ જ કારણ હતું કે દર્શકો વિજયને માત્ર મનોરંજન માટે જોતા નહોતા, પણ એક લાગણીસભર લગાવ મહેસૂસ કરવા લાગ્યા હતા.
ત્રણ દાયકાની કારકિર્દીમાં તેણે 60થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે અને તે આજે ભારતીય સિનેમામાં સૌથી સફળ અને સૌથી વધુ કમાણી કરતો સ્ટાર છે. લોકોએ તેને એટલે જ ‘થલાપતિ’નું બિરુદ આપ્યું છે. તેની કહાની ફિલ્મો સુધી જ સીમિત નહોતી. ફિલ્મો મારફતે અન્યાય અને ભ્રષ્ટાચાર સામે અવાજ ઉઠાવતા વિજયની છબી લોકોમાં એટલી જબરદસ્ત રીતે અંકિત થઇ ગયી હતી કે 2009માં એક ફેન ક્લબની સ્થાપના સાથે તેણે તેની સામાજિક ભૂમિકા શરૂ કરી હતી.
ફિલ્મોમાં તેના સંવાદો ઘણીવાર વ્યવસ્થા સામે અવાજ ઉઠાવતા, ભ્રષ્ટાચાર પર પ્રહાર કરતા અને યુવાનોને જાગૃત થવાનો સંદેશ આપતા. ધીમે ધીમે એક પ્રશ્ન ઊભો થવા લાગ્યો :
શું વિજય માત્ર પડદા પર જ બદલાવ લાવશે કે વાસ્તવિક જીવનમાં પણ?
આ પ્રશ્નનો જવાબ તેણે 2024માં આપ્યો, જ્યારે તેણે પોતાની રાજકીય પાર્ટી ‘તમિળગા વેટ્રી કઝગમ’ની સ્થાપના કરી. આ નિર્ણય અચાનક લેવાયેલો નહોતો. તેની પાછળ વર્ષોની તૈયારી, સંગઠન નિર્માણ અને પોતાના ચાહકોને શિસ્તબદ્ધ રાજકીય શક્તિમાં પરિવર્તિત કરવાની વ્યૂહરચના હતી. તેની ફેન ક્લબના સભ્યો, જે પહેલાં ફિલ્મ રિલીઝ વખતે સેલિબ્રેશન કરતા હતા, હવે બૂથ સ્તરના કાર્યકરોમાં બદલાઈ ગયા હતા.
2026ની તમિળનાડુ વિધાનસભા ચૂંટણીમાં વિજયની રાજકીય યાત્રાએ નવો વળાંક લીધો. તેની પાર્ટીએ પહેલી વાર ચૂંટણી લડી અને આશ્ર્ચર્યજનક સફળતા મેળવી- એટલી કે દાયકાઓથી રાજકારણમાં છવાયેલા પરંપરાગત પક્ષો- ‘ડીમકે’ અને ‘એઆઈડીએમકે-’ને પાછળ મૂકી દીધા. શરૂઆતના ટ્રેન્ડ્સમાં જ તેની પાર્ટી 100થી વધુ બેઠકો પર આગળ દેખાઈ, જે તમિળનાડુની રાજનીતિમાં ઐતિહાસિક ફેરફારનો સંકેત હતો.
વિજયે પાછલા અમુક સમયથી યુવાઓ, ખાસ કરીને જેન-ઝીને તેની રાજનીતિનું કેન્દ્ર બનાવી હતી. તેની છબી એક સાફ, ઈમાનદાર અને બદલાવ માટે ઈચ્છુક નેતાની રહી છે. તમિળનાડુના લોકોએ એટલે જ તેને જનનાયક બનાવ્યો છે.
વિજયની રાજનીતિની વિશેષતા એ રહી કે તેણે પોતાને પરંપરાગત રાજકીય માળખાથી અલગ રાખ્યો. તેણે કોઈ મોટા ગઠબંધનનો સહારો લીધો નહીં અને જૂના રાજકીય સમીકરણોમાં પોતાને બાંધ્યો નહીં. તેની વ્યૂહરચના સરળ હતી :
લોકો વચ્ચે જવું, તેમના પ્રશ્નોને સમજવું અને તેમને સીધા સંબોધવા. આ એક રીતે નવી રાજનીતિનો પ્રયોગ હતો, જેમાં સિનેમાની લોકપ્રિયતાને સંગઠનાત્મક શક્તિમાં રૂપાંતરિત કરવામાં આવી. તેની રેલીઓમાં ઉમટતી ભીડ માત્ર ચાહકોની ભીડ નહોતી, તે આશાની ભીડ હતી. જોકે આ લોકપ્રિયતા સાથે પડકારો પણ આવ્યા. એક રેલી દરમિયાન થયેલી ભીડની દુર્ઘટનાએ બતાવ્યું કે જનસમર્થન સાથે જવાબદારી કેટલી મોટી હોય છે. વિજયે આ ઘટનાને લઈને ગહન દુ:ખ વ્યક્ત કર્યું, જે તેના સંવેદનશીલ નેતૃત્વની ઝાંખી આપે છે.
આજે તમિળનાડુની રાજનીતિ એક મહત્ત્વપૂર્ણ વળાંક પર ઊભી છે અને વિજય તેના કેન્દ્રમાં છે. તેની આ યાત્રા માત્ર એક વ્યક્તિની સફળતા નથી, પરંતુ લોકપ્રિયતા અને જાહેર વિશ્વાસની નવી વ્યાખ્યા પણ છે. તે બતાવે છે કે જો લોકપ્રિયતા યોગ્ય દિશામાં અને જવાબદારીપૂર્વક વપરાય, તો તે માત્ર તાળીઓ અને સીટીઓ સુધી મર્યાદિત રહેતી નથી, પરંતુ સત્તા અને સમાજ બંનેને અસરકારક રીતે બદલી શકે તેવી શક્તિ બની જાય છે.
વિજય જોસેફની આ યાત્રા હવે માત્ર વિજયની નથી રહી. તે લાખો લોકોની આશાઓ, અપેક્ષાઓ અને બદલાવની ઇચ્છાઓ સાથે જોડાઈ ગઈ છે. હવે જોવાનું એ રહેશે કે આ આશા કેવી રીતે નીતિમાં બદલાય છે અને આ લોકપ્રિયતા કેટલી અસરકારક રીતે જનકલ્યાણમાં રૂપાંતરિત થાય છે.
વિજયનો આ વિજય સાબિત કરે છે કે લોકપ્રિયતા જો સાચી દિશામાં સક્રિય હોય, તો તે તાળીઓ અને સીટીઓથી આગળ જાય છે અને સત્તા તેમ જ સમાજ બંનેને બદલવાની તાકાત બની જાય છે.
વિજયની કહાની હજુ પૂરી નથી થઇ. તે 51 વર્ષનો છે અને હવે તે એક નવો અધ્યાય શરૂ કરી રહ્યો છે. ભવિષ્યમાં જ્યારે બાકી ભારતમાં જેન-ઝી નેતાઓનો દબદબો હશે ત્યારે ઈતિહાસ યાદ કરાવશે કે આવા નેતૃત્વની શરૂઆત તમિળનાડુમાંથી થઇ હતી.