Mon Oct 05 2026

Logo

ચોપાટી પહોંચ્યા પછી પાંચ કલાકે ‘તેજુકાયા ચા રાજા’નું વિસર્જન

2026-09-27 07:42:00
Author: Yogesh C. Patel
ચોપાટી પહોંચ્યા પછી પાંચ કલાકે ‘તેજુકાયા ચા રાજા’નું વિસર્જન

ખભે ઊંચકીને બાપ્પાના વિસર્જનની પરંપરા આ વર્ષે અધૂરી રહી: ફૉર્કલિફ્ટ મશીન પણ કામ ન આવી

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: લાલબાગના જાણીતા ગણપતિ મંડળ ‘તેજુકાયા ચા રાજા’ના કાર્યકરોએ આ વર્ષે બાપ્પાના વિસર્જનમાં ખાસ્સી જહેમત ઉઠાવવી પડી હતી, પરંતુ આટલી મહેનત છતાંય ખભે ઊંચકીને દુંદાળા દેવના વિસર્જનની પરંપરા આ વર્ષે અધૂરી રહી ગઈ હતી. ફૉર્કલિફ્ટ મશીન પણ કામ ન આવતાં છેક પાંચ કલાકે ટ્રૉલી પર જ દરિયાકિનારે લઈ જઈ મૂર્તિનું વિસર્જન કરાયું હતું.

લાલબાગ ચા રાજા અને ચિંતામણિની જેમ જ તેજુકાયા ચા રાજાનું ભક્તોમાં અનેરું મહત્ત્વ છે. આ ગણેશનાં દર્શન માટેય શ્રદ્ધાળુઓ જાણે પડાપડી કરતા હોય છે. મંડળના કાર્યકરો દર વર્ષે ટ્રૉલી પર મૂર્તિને દરિયાકિનારે સુધી લઈ જાય, પણ પછી પાણીમાં વિસર્જન કરવા બાપ્પાને ખભે ઊંચકી લેતા હોય છે. જોકે આ વર્ષે વહેલા ચોપાટી પહોંચી ગયા છતાં કાર્યકરોને પાંચ મૂર્તિ વિસર્જનમાં પાંચ કલાકનો સમય લાગ્યો હતો.

શુક્રવારની સવારે સાતેક વાગ્યે બાપ્પાની સવારી મંડપમાંથી નીકળી હતી અને બપોરે અઢી વાગ્યાની આસપાસ ગિરગામ ચોપાટી પહોંચી હતી. એક તો દરિયામાં ઓટ હોવાથી વિસર્જન મોડું શરૂ થયું હતું તેમાં ચોપાટી પર મૂર્તિની ટ્રૉલી જે સ્થળે લઈ જવાઈ ત્યાં લોખંડની પ્લૅટ્સ પૂરતી નાખવામાં આવી નહોતી. વળી, આ વર્ષે મૂર્તિનું વજન પણ ખાસ્સું વધારે હતું. કહેવાય છે કે મૂર્તિનું વજન આશરે ત્રણ ટન જેટલું હતું.

મંડળના કાર્યકરોના કહેવા મુજબ લોખંડની પ્લૅટ્સ પૂરતી નહોતી એટલે ફૉર્કલિફ્ટ મશીન મગાવવી પડી, જેમાં ઘણો સમય લાગ્યો. એ મશીન પણ રેતીમાં ફસાઈ ગઈ હતી. પોલીસને વિનંતી કરીને ટ્રૉલી લોખંડની પ્લૅટ્સ વધુ હોય એ સ્થળે ખસેડવામાં આવી હતી. પછી લોખંડની મોટી પાઈપ્સ લાવવામાં આવી હતી. આ પાઈપ્સ મૂર્તિ નીચેના પાટલાના હેન્ડલમાં ભેરવવામાં આવી હતી. 


મશીનથી મૂર્તિને લિફ્ટ કરીને કાર્યકરો ખભે ઊંચકતા હોય તેમ મૂર્તિ દરિયા તરફ લઈ જવા માંડ્યા, પરંતુ તે જ વખતે લિફ્ટ ફરી અટકી ગઈ હતી. હવે મૂર્તિનું વજન વધુ હોવાથી ઊંચકીને દરિયામાં લઈ જવું શક્ય નહીં બને એવું કાર્યકરોને લાગતાં મૂર્તિ ફરી ટ્રૉલી પર મૂકવામાં આવી. આખરે ટ્રૉલી ખેંચીને બાપ્પાને પાણીમાં લઈ જવાયા અને પછી રાતે આઠેક વાગ્યે વિસર્જન કરાયું હતું.

આ મથામણમાં અન્ય ગણેશ મંડળોએ હાલાકી ભોગવવી પડી અને તેમને ગણેશ વિસર્જનમાં મોડું થયું હતું. પરિણામે સોશિયલ મીડિયા પર અનેક લોકોએ મંડળના કાર્યકરોની ટીકા કરી હતી. જોકે કાર્યકર દ્વારા ચોપાટી પર બનેલી બીનાની જાણકારી આપવામાં આવી હતી.