Thu Sep 03 2026

Logo

સુરતમાં ખાડીઓ થઈ ઓવરફ્લો, આજે વરસાદ ખમૈયા નહીં કરો તો......

2026-07-08 09:08:48
Author: Mayur Patel
સુરતમાં ખાડીઓ થઈ ઓવરફ્લો, આજે વરસાદ ખમૈયા નહીં કરો તો......

AI Image


સુરતઃ શહેરમાં પડી રહેલા ભારે વરસાદના કારણે ખાડીઓ ઓવરફ્લો થઈ છે. શહેરમાંથી પસાર થતી સીમાડા, ભાઠેના, કોયલી મીઠી, ભેદવાડ તથા કાકરા ખાડી તેમની ભયજનક સપાટીથી ઉપર વહી રહી છે. જો આજે વરસાદ ખમૈયા નહીં કરે તો અડધું શહેર ડૂબી જવાની શક્યતા છે. સુરતમાં બે દિવસ દરમિયાન ભારે વરસાદના કારણે જે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. તેમાં સ્લમ વિસ્તાર હોય કે પોશ કોઈ બાકાત રહ્યા નથી. શહેરના કેટલાક વિસ્તાર એવા પણ છે કે જ્યાંના લોકોએ પહેલીવાર જળબંબાકારની સ્થિતિનો સામનો કરવો પડ્યો હતો.

વરાછાના પોદાર આર્કેડનો વીડિયો થયો વાયરલ

સુરતના વરાછા રેલવે ગરનાળા પાસે આવેલા પોદાર આર્કેડના ગ્રાઉન્ડ ફ્લોરમાં પાણીથી છલકાઈ ગયું હતું. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. શહેરમાં ભારે વરસાદના કારણે રસ્તાઓ નદીઓમાં ફેરવાઈ ગયા હતા. અનેક નીચાણવાળા વિસ્તારોના રહેણાંક મકાનો, શોપિંગ સેન્ટરના બેઝમેન્ટમં પાણી ઘૂસી જતાં લોકોને લાખો-કરોડો રૂપિયાનું માલસામાનનું નુકસાન થયું હોવાનો અંદાજ છે.

આકાશી આફતનું બિહામણું દ્રશ્ય 

સુરત શહેરમાં આકાશી આફતનું બિહામણું દ્રશ્ય જોવા મળ્યું હતું. મુશળધાર વરસાદના કારણે શહેરના અનેક વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી. સરથાણા, વરાછા, લિંબાયત, રાંદેર, અડાજણ, કતારગામ સહિતના તમામ વિસ્તારોમાં વરસાદી પાણીનો ભરાવો જોવા મળ્યો હતો. 

સુરત શહેરના પોશ એશિયા ગાણાતા સિટીલાઈટ, ન્યૂ સિટી લાઈટ, અઠવાલાઈન્સ, વેસુ, ભટાર, અલથાણ, પીપલોદના લોકોએ પ્રથમવાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. આ ઉપરાંત શહેરમાં વરસેલા અતિભારે વરસાદને કારણે ગોડાદરાના નીચાણવાળા વિસ્તારોમાં પૂરના પાણી ભરાઈ જતાં ઘરોમાં ફસાયેલા આશરે 150 જેટલા લોકોને સુરત પોલીસ અને NDRFની ટીમ દ્વારા સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે. મોડી રાતથી શરૂ કરીને વહેલી સવાર સુધી સળંગ ચલાવવામાં આવેલા આ સંયુક્ત રેસ્ક્યુ ઓપરેશન દરમિયાન તમામ અસરગ્રસ્તોને હેમખેમ બચાવીને સલામત સ્થળે ખસેડાયા છે, જેમાં 50 જેટલા માસૂમ બાળકોનો પણ સમાવેશ થાય છે.

ટેક્સટાઈલ માર્કેટમાં આજે રજા

શહેરમાં સતત વરસી રહેલા મુશળધાર વરસાદ અને સર્જાયેલી જળબંબાકારની સ્થિતિને ધ્યાનમાં રાખીને ફેડરેશન ઓફ સુરત ટ્રેડ એન્ડ ટેક્સટાઇલ એસોસિયેશન  (FOSTTA)એ આજે સુરતના તમામ ટેક્સટાઇલ માર્કેટ સંપૂર્ણપણે બંધ રાખવાનો નિર્ણય કર્યો હતો. ફોસ્ફાએ તમામ માર્કેટ એસોસિયેશન, હોદેદારો, મેનેજમેન્ટ અને વેપારીઓને આ અંગે સત્તાવાર સૂચના જાહેર કરી છે. જાહેર કરાયેલી સૂચના મુજબ શહેરના અનેક ટેક્સટાઇલ માર્કેટના બેઝમેન્ટ અને ગ્રાઉન્ડ ફલોરમાં વરસાદી પાણી ભરાઈ જતાં વેપારીઓના માલસામાનને નુકસાન પહોંચ્યું છે. અનેક સ્થળોએ હજુ પાણી ભરાયેલા હોવાથી વેપારીઓ અને કર્મચારીઓની સલામતીને ધ્યાનમાં રાખીને આજે એક દિવસ માર્કેટ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. વરસાદની સ્થિતિ સામાન્ય બન્યા બાદ અને પરિસ્થિતિની સમીક્ષા કર્યા બાદ માર્કેટ શરૂ કરવા આગામી દિવસોમાં નિર્ણય જાહેર કરવામાં આવશે. ભારે વરસાદના પગલે ટેક્સટાઈલ માર્કેટને સતત બીજા વર્ષે મોટો ફટકો પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.