Thu Jul 23 2026

Logo

સ્પેન 16 વર્ષે ફરી ફિફા ચેમ્પિયન, મેસીના આર્જેન્ટિનાનો તાજ છીનવાયો

Newyork   2026-07-20 09:06:00
Author: Ajay Motiwala
Article Image

ન્યૂ યોર્ક: અહીં રવિવારે રાત્રે ન્યૂ જર્સી સ્ટેડિયમમાં યુરોપના દેશ સ્પેને દક્ષિણ અમેરિકાના આર્જેન્ટિનાને ફિફા વર્લ્ડ કપની ફાઇનલમાં 1-0થી હરાવીને 16 વર્ષે ફરી એક વખત ચેમ્પિયનપદ મેળવ્યું હતું. આ પહેલાં, સ્પેને 2010માં પહેલી વાર વર્લ્ડ કપની ટ્રોફી જીતી હતી.

ડિફેન્ડિંગ ચેમ્પિયન આર્જેન્ટિના સામે યુરો ચેમ્પિયન સ્પેન (Spain)ના ખેલાડીઓએ આત્મશ્રદ્ધા, આત્મવિશ્વાસ, આક્રમકતા, સંરક્ષણ શક્તિ, ધૈર્ય અને મજબૂત મનોબળ સાથે શરૂઆતથી છેક સુધી એકધારું ટીમવર્ક બતાવ્યું હતું અને તેઓ કોઈ એક સ્ટાર ખેલાડી પર નિર્ભર નહોતા, જ્યારે આર્જેન્ટિના (Argentina)એ ગોલ માટે ખાસ કરીને લિયોનેલ મેસી (Messi) પર સૌથી વધુ આધાર રાખ્યો હતો અને એમાં આર્જેન્ટિના નિષ્ફળ રહેતાં છેવટે ફાઇનલ હારી ગયું અને આખી ટૂર્નામેન્ટમાં (સેમિ ફાઈનલ સુધી) જબરદસ્ત પર્ફોર્મ કરનાર આર્જેન્ટિનાએ રનર-અપની ટ્રોફી સાથે સંતોષ માનવો પડ્યો. લિયોનેલ મેસીનો આ કદાચ છેલ્લો વર્લ્ડ કપ હતો અને એમાં તેણે રડમસ ચહેરે એમાંથી વિદાય લીધી હતી.

2010નું પુનરાવર્તન 2026માં

સબસ્ટિટયૂટ ખેલાડી ફેરન ટૉરેસે 106મી મિનિટમાં ગોલ કર્યો હતો જે સ્પેન માટે ગોલ્ડન ગોલ સાબિત થયો હતો. 2010ના સાઉથ આફ્રિકાના વર્લ્ડ કપમાં સ્પેને ઇનિએસ્ટાના નેધરલૅન્ડ્સ સામેની ફાઇનલમાં 116મી મિનિટના ગોલ સાથે વર્લ્ડ કપનું ટાઈટલ મેળવ્યું હતું.

રવિવારે 93મી મિનિટમાં ફર્નાન્ડેઝને બીજું યલો કાર્ડ (રેડ કાર્ડ) બતાવવામાં આવતાં આર્જેન્ટિનાની ટીમમાં ખેલાડીઓની સંખ્યા 11થી ઘટીને 10 થઈ ગઈ હતી. ડિફેન્ડિંગ ચેમ્પિયન આર્જેન્ટિનાનું આક્રમણ આ ફાઇનલમાં એટલું બધું નબળું હતું કે છેક 117મી મિનિટમાં આ ટીમ તરફથી ગોલપોસ્ટ પર પહેલો ટાર્ગેટેડ શૉટ આવ્યો હતો.

મેચના મોટાભાગના સમયમાં બૉલ 65% સ્પેનના કબજામાં અને 35% આર્જેન્ટિનાના કબજામાં હતો.

2022ના ચેમ્પિયન આર્જેન્ટિનાને 1962ની સાલ બાદ બૅક-ટુ-બૅક વર્લ્ડ કપ ટાઈટલ જીતનાર પ્રથમ ટીમ બનવાનો મોકો હતો જે એણે ગુમાવ્યો. 64 વર્ષ પહેલાં બ્રાઝિલે એ સિદ્ધિ મેળવી હતી.

ફાઇનલના ચમકારા...

(1) ફાઈનલ મૅચની પહેલી 20 મિનિટમાં મેસીના માત્ર બે ટચ હતા. અગાઉ વર્લ્ડ કપની મૅચમાં તેના કિસ્સામાં આવું ક્યારેય નહોતું બન્યું. 2010ના વિજેતા સ્પેનના ખેલાડીઓએ છેક સુધી બૉલ મેસીથી બને એટલો દૂર રાખવાની કોશિશ કરી હતી.

(2) એક તરફ આર્જેન્ટિનાના ગોલકીપર એમિલિયાનો માર્ટિનેઝે ફર્સ્ટ હાફમાં બે વખત સ્પેનના સ્ટ્રાઈકરની ગોલ કરવાની કોશિશને નિષ્ફળ બનાવી હતી ત્યાં થોડી વાર પહેલાં જ આર્જેન્ટિનાનો ખેલાડી લિઝાન્ડ્રો માર્ટિનેઝ આ ફાઇનલમાં યેલો કાર્ડ મેળવનાર પ્રથમ ખેલાડી બન્યો હતો.

(3) 37મી મિનિટમાં મેસીને ગોલ કરવાનો હાફ ચાન્સ મળ્યો હતો. ત્યાર બાદ સ્પેનના ખેલાડીઓએ છેક સુધી તેના પર માનસિક દબાણ લાવવાની કોઈ તક જતી નહોતી કરી.

(4) હાફ ટાઈમ વખતે બંને ટીમ 0-0ની બરાબરીમાં હતી.

(5) સેકન્ડ હાફમાં આર્જેન્ટિનાના પારેડેસને યલો કાર્ડ બતાવવામાં આવ્યું હતું.

(6) આર્જેન્ટિનાની ટીમ 70મી મિનિટ સુધી અસ્સલ રિધમમાં નહોતી આવી. આ સમયગાળા દરમિયાન બૉલ સતતપણે 60થી 65 ટકા સ્પેનના કબજામાં હતો. એકંદરે, 85મી મિનિટ સુધી સ્પેનના એકધારા આક્રમણ સામે આર્જેન્ટિનાનું ડિફેન્સ મજબૂત જળવાયું હતું.

(7) 2012માં ન્યૂ યોર્કમાં આ જ મેદાન પર બ્રાઝિલ સામેની એક મૅચમાં મેસીએ હૅટ-ટ્રિક ગોલ કર્યા હતા. જોકે રવિવારે સ્પેન સામેની ફાઇનલમાં તેને એક પણ ગોલ નહોતો કરવા મળ્યો.

(8) સ્પેનનો બીજા હાફમાં સરેરાશ દર પાંચ મિનિટે ગોલપોસ્ટ પર એક શૉટ હતો. જોકે આર્જેન્ટિનાના ગોલકીપર માર્ટિનેઝે દરેક શૉટમાં ગોલ થતો રોક્યો હતો.

(9) મૅચની મુખ્ય 90 મિનિટમાં વર્ચસ્વ જમાવનાર સ્પેનના 15માંથી 10 શૉટ ટાર્ગેટેડ હતા જેમાં આર્જેન્ટિનાના 2022 વર્લ્ડ કપના હીરો ગોલકીપર એમિલિયાનો માર્ટિનેઝે ગોલ નહોતા થવા દીધા. બીજી બાજુ, આર્જેન્ટિનાનો એકેય ટાર્ગેટેડ શૉટ નહોતો.

(10) 23મા ફિફા વર્લ્ડ કપમાં વિક્રમજનક 48 દેશે ભાગ લીધો અને કુલ 104 મેચ રમાઈ.