ગ્લાસગોઃ કૉમનવેલ્થ ગેમ્સમાં દિવ્યાંગ ઍથ્લીટો માટેની ગોળાફેંકની હરીફાઈમાં ભારતનો સોમન રાણા ગોલ્ડ મેડલ જીત્યો છે, જ્યારે શનિવારની ટ્રિપલ જમ્પની અલગ ઇવેન્ટમાં પ્રવીણ ચિત્રાવેલે સિલ્વર મેડલ અને સેલ્વા પ્રભુ થિરુમારને બ્રૉન્ઝ મેડલ જીતી લીધો હતો.
સોમન રાણા (Soman Rana) ભારતનો ભૂતપૂર્વ સૈનિક છે. તેણે વ્હીલચેરમાં બેસીને આ સ્પર્ધામાં ભાગ લેવા આવ્યો હતો અને એફ-57 કૅટેગરીમાં ગોળો 13.40 મીટર દૂર ફેંક્યો હતો. તેનો આ થ્રો એ ઇવેન્ટના તમામ સ્પર્ધકોમાં સર્વશ્રેષ્ઠ હતો જે બદલ તેને ચૅમ્પિયન જાહેર કરવામાં આવ્યો હતો.
બૉક્સરમાંથી ગોળાફેંકનો ઍથ્લીટ બન્યો
43 વર્ષનો સોમન રાણા ભૂતકાળમાં રાષ્ટ્રીય સ્તરનો મુક્કાબાજ હતો અને તેણે મિડલવેઇટ વર્ગની ઘણી સ્પર્ધાઓમાં ભાગ લીધો હતો. તેને બૉક્સિંગમાં કરીઅર બનાવવી હતી, પરંતુ કાશ્મીરમાં એક બનાવમાં સુરંગ (Landmine)ના ધડાકામાં તેણે પગ ગુમાવ્યો હતો જેને કારણે તેના જીવનમાં અનિચ્છનીય પલટો આવી ગયો હતો. સોમન રાણા આતંકવાદીઓના હુમલા વચ્ચે એક સ્થળે ચોકી પહેરો કરી રહ્યો હતો ત્યારે જમીનની નીચે બિછાવવામાં આવેલી સુરંગ પર તેનો પગ પડી ગયો હતો અને બ્લાસ્ટ થતાં તે ગંભીર રીતે ઈજા પામ્યો હતો. એ ઘટનામાં તેણે જમણો પગ ગુમાવ્યો હતો.
જોકે ખેલકૂદમાં નાનપણથી નિપુણ સોમન હિંમત નહોતો હાર્યો અને તેણે દિવ્યાંગો માટેની ગોળાફેંક (પૅરા શૉટ પુટ)ની હરીફાઈઓમાં ભાગ લેવાનું શરૂ કર્યું અને દેશ-વિદેશની અનેક સ્પર્ધાઓમાં ચંદ્રકો જીત્યો હતો. 2021માં તે વર્લ્ડ પૅરા ઍથ્લેટિક્સ ગ્રાં પ્રિમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.

ટ્રિપલ જમ્પમાં ભારતને બે ચંદ્રક

દરમ્યાન, શનિવારે સોમન રાણાવાળા એફ-57 વર્ગમાં ભારતનો જ શુભમ જુયલ ગોળો 13.28 મીટર દૂર ફેંકીને બીજા નંબર પર રહ્યો હતો અને સિલ્વર મેડલ જીત્યો હતો. ટ્રિપલ જમ્પની હરીફાઈમાં ભારતનો પ્રવીણ ચિત્રાવેલ 16.58 મીટરના અંતર બદલ સિલ્વર મેડલ અને ભારતનો જ સેલ્વા પ્રભુ થિરુમારન 16.52ના અંતર બદલ બ્રૉન્ઝ જીત્યો હતો.