- શોભિત દેસાઈ
લગભગ તો ખબર જ નથી 90% ગુજરાતીઓને કે જાગ એક પૂર્ણ અભિવ્યક્તિ છે, એમાં કશાયનો વધારો કરવાથી એ કાવ્યમય અભિવ્યક્તિ ક્રિયાપદ કે વિશેષણ કે બીજું કંઈ પણ બની શકે છે, એમાંની કવિતાના ભોગે...રપાનું એક ગીત તો આવું હતું...
આછી આછી તે મધરાતે જીવણ જોયો
રે તને,
આછો ઊંઘમાં ઝીલાયો, આછો જાગમાં ઝીલાયો.
ખરબચડા આંસુથી જીવણ રોયો રે તને.
જાળીયે ચડીને અમે ઝૂલણતું દીઠું કાંઈ
ફળિયે મોંસૂઝણાનું ઝાડ
અમે રે જીવણ બંધ પરબીડિયુંને,
તમે કાગળની માહ્યલું લખાણ.
મારા વેણના અભાવે જીવણ, મોહ્યો
રે તને,
ઘાસની સળીયે ભોંય વીંધતી ઊગે રે,
એવું અમને તો ઊગતાં ન આવડ્યું.
ઓછા ઓછા અડઘેરી છાતીએ
ઉભાર્યા પછી
આપ લગી પૂગતાં ન આવડ્યું
પછી પાછલી પરોઢે જીવણ ખોયો રે તને.
- રમેશ પારેખ
આ જાગ તંદ્રા પણ હોઈ શકે, સંમોહન પણ હોઈ શકે, દીર્ઘ બેધ્યાનપણું પણ હોઈ શકે, વશીકરણ પણ હોઈ શકે કે ચહેરા પરથી નજર હટાવવાની અશક્તિ પણ હોઈ શકે. હવે વાત કરીએ જાગવું ક્રિયાપદની તો એનાં વર્તમાન જાગે છે અને ભૂત જાગી ગયા કે જાગી અત્યંત ગદ્યાળુ છે, પણ જો જાગવું ને ચાલુ ભવિષ્યમાં મૂકો તો જાગનો 90% શૃંગાર પાછો આવી જાય છે, ભલે શૃંગાર તમારી સૂઈ ગયેલી મર્દાનગી ચેતાવી-પેટાવી તમારા બાહુને શક્તિ પ્રદાન કરતો હોય... રમેશ પારેખ આવ્યા એ પહેલાં વેણીભાઈ પુરોહિત જેવા અને જેવડા પદ્યકાર પોતાની જાણ બહાર પોતાના અભાનમાંથી આવી નીપજ લઈ આવતા બેડી ફગાવવાના વિષય પર...
આપણામાંથી કોક તો જાગે!
કોક તો જાગે!
આપણામાંથી કોક તો જાગે
કોક તો જાગે!
કોક તો જાગે આપણામાંથી
હાય જમાને ઝેરને પીધાં વેરને પીધાં
આધીનનાં અંધેરને પીધાં
કૈંક કડ્યાાં કેરને પીધાં
આજ જમાનો અંતરાશે એક ઘૂંટડો માગે
સાચ-ખમીરનો ઘૂંટડો માગે
આપણામાંથી કોક તો જાગે!
બાપદાદાની બાંધેલ ડેલી
એક ફળીબંધ હોય હવેલી
ગામની ચંત્યા ગોંદરે મેલી
એ ય નિરાંતે લીમડા હેઠે ઢોલિયા ઢાળી
સહુ સૂતાં હોય એમ કાં લાગે?
આપણામાંથી કોક તો જાગે!
સોડ તાણી સહુ આપણે સૂતાં
આપણે ઓશીકે આપણાં જૂતાં
ઘોર અંધારા આભથી ચૂતાં
ઘોર અંધારી રાત જેવી
ઘનઘોર તવારીખ સોરવા લાગે
આપણામાંથી કોક તો જાગે!
આમથી આવે ક્રોડ કોલાહલ
તેમથી વ્હેતાં લોહી છલોછલ
તોય ઊભાં જે માનવી મોસલ
અપરખાં, વગડાઉ ને એવાં
ધ્યાનબ્હેરાંનાં
લમણામાં મર લાઠિયું વાગે!
આપણામાંથી કોક તો જાગે!
કોઈ જાગે કે કોઈ ના જાગે
કોઈ શું જાગે?
તું જ જાગ્યો તો તું જ જા આગે
આપણામાંથી તું જ જા આગે!
-વેણીભાઈ પુરોહિત
સુરેન ઠાકર `મેહુલ' બહુ મોટા ભાષ્યકાર. એમના સંચાલનમાં 14 ઓગસ્ટ 1978ના પાટકરના એક ખાનગી મુશાયરાના આયોજનમાં શામેલ હું એક ગાથા પર થઈ ગયો હતો મંત્રમુગ્ધ. ટૂંકમાં અને સાવ ગદ્યાળુ વર્ણનમાં એમની ગાથા યાદ કરું તો બૉમ્બ ફૂટવાની બીજી સવારે છાપામાં દુર્ઘટનાના સમાચાર વાંચતા ભગતસિંહના બાપા ભગતસિંહની મા ને કહે છે: `અરી! સૂનતી હો?! યે અખબારમેં બૉમ્બ વિસ્ફોટ કે જિમ્મેદાર જીન લોગોંકે બારે મેં લીખા ગયા હૈ, મુઝે ડર હૈ શાયદ ઈનમેં સે એક અપના ભગત તો નહીં?'
ત્યારે મા ઘૂંઘટમાંથી મ્હોં બહાર કાઢી ઊંચા સર સાથે કહે છે : `અબ ભી તુમ્હે સિર્ફ ડર હૈ કહીં વો અપના ભગત તો નહીં? મુઝે તો પક્કા ભરોસા હૈ કી યે કામ અપને ભગત કે સિવા કિસીકા હો હી નહીં સકતા.'
હણાવાની આગલી રાતે અભિમન્યુ માના આશીર્વાદ લેવા જાય છે અને કહે છે : `આજ કંઈક અમંગળ મને વરતાઈ રહ્યું છે. હોઈ શકે છે કે કદાચ આવતી કાલે સાંજે હું ન પણ હોઉં અને કદાચ જેવો છું એવો પણ ન હોઉં.'
ના અભિમન્યુને પોતાના ભવિષ્યનો ડર નથી, મા કેમ લેશે એની નાની કે મોટી હાનિ એની ચિંતા છે. ત્યારે મા માત્ર એટલું જ કહે છે: `તારી લાશ જોઈને મારી આંખમાંથી એક ટીપું પડે તો મારી દાસી વિશાલા મને ખંજર હુલાવી દે. અરે સુપુત્ર! આવા ધન્ય દિવસ માટે તો ક્ષત્રાણિયો સંતાનો જન્માવતી હોય છે...
17મી સપ્ટેમ્બર આવી અને જતી રહી હશે. જન્મદિવસ- બેકાબૂ સંસ્થાઓ તરફ કૂચ અને બીજું ઘણું બધું થઈ ચૂક્યું હશે રવિ 20 સપ્ટેમ્બરે તમે આ લેખ વાંચશો ત્યારે...
ચારે દિશાઓમાંથી સર્વને સુંદર વિચારો પ્રાપ્ત થાઓ.
આજે આટલું જ...