Thu May 21 2026

Logo

સોના-ચાંદી અને શેરમાર્કેટમાં 'એકસાથે' કેમ બોલાયા 'કડાકા-ભડાકા'?

2026-03-19 22:17:39
Author: Kshitij Nayak
Article Image

મુંબઈ/નવી દિલ્હીઃ શેરબજાર, સોનાચાંદી અંગે માર્કેટમાં એક વાત સામાન્ય રીતે જોવા મળે છે, જ્યારે સોના અને ચાંદીના ભાવ વધે ત્યારે સ્ટોકમાર્કેટમાં તેજી જોવા મળે છે, પરંતુ આ વખતે ઈરાનના યુદ્ધે તમામ સમીકરણો ઊંધા પાડ્યા છે. વેપારીઓ તો એક વાત કબૂલે છે કે સોનાચાંદી અને શેરબજારને 36નો આંકડો છે, પરંતુ આજે બંને એકસાથે તૂટવાથી સૌને આશ્ચર્ય થયું છે. આજે મુંબઈ સ્ટોક એક્સચેન્જના બેન્ચમાર્ક સેન્સેક્સ-નિફ્ટી ઊંધા માથે પટકાયા છે, જ્યારે તેની સાથે સોનાચાંદી માર્કેટમાં તોતિંગ કડાકો બોલાઈ ગયો છે. એમસીએક્સની સાથે સ્પોટ માર્કેટમાં ગોલ્ડ-સિલ્વર ઊંચા મથાળેથી પટકાયા છે, જેના માટે યુદ્ધથી લઈ ટેરિફ અને હવે ગેસ-એનર્જી માર્કેટ પર શિફ્ટ થઈ રહ્યું છે. હજુ નક્કર તારણો કાઢી શકાય નહીં, પરંતુ આજના 'જો' અને 'તો'ના કારણો જાણીએ. 

આજે રોકાણકારોના એક સત્રમાં 12 લાખ કરોડ ડૂબ્યાં

ઈરાન-ઈઝરાયલ યુદ્ધના લગભગ 19 દિવસ પૂરા થયા છે, પરંતુ યુદ્ધના પહેલા દિવસથી ક્રૂડ ઓઈલના ભાવ ઊંચકાતા જાય છે, જ્યારે ગયા અઠવાડિયે પણ સ્ટોકમાર્કેટમાં (પાંચ દિવસના સત્ર) પંદર વર્ષ પહેલા જેવો કડાકો નોંધાયો હતો. જ્યારે આ અઠવાડિયામાં શરુઆતના ત્રણ દિવસ જેટલો વધ્યો, એટલો આજે તૂટી ગયો છે. ત્રણ દિવસમાં 9.23 લાખ કરોડની કમાણી કર્યા પછી આજે એક જ સત્રમાં 11 લાખ કરોડ તૂટી ગયા હતા. 30 શેરના બેન્ચમાર્ક સેન્સેક્સ 2,500 પોઈન્ટ તૂટયો જ્યારે નિફ્ટી 50 પણ તૂટીને 23,100 પોઈન્ટની મહત્ત્વની સપાટી નીચે રહ્યો હતો, જ્યારે માર્કેટના દિગ્ગજ સ્ટોક એચડીએફસી બેંક પાંચ ટકા તૂટ્યો હતો.

એમસીએક્સ પર ચાંદીમાં લાગી 'લોઅર સર્કિટ'

મિડલ ઈસ્ટ યુદ્ધમાં વધતા તણાવ વચ્ચે ક્રૂડ ઓઈલનું સંકટ વધતું જાય છે, પરંતુ આજે વૈશ્વિક એશિયાઈ સ્ટોકમાર્કેટની સાથે બુલિયન માર્કેટમાં જોરદાર કડાકો નોંધાઈ ગયો. ચાંદીના ભાવ પણ ઐતિહાસિક સપાટી બે લાખ રુપિયાના મથાળેથી નીચે સરી ગઈ, જેનાથી વેપારીઓમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. ચાંદીના ભાવ આજે મલ્ટિ કોમોડિટી એક્સચેન્જ (એમસીએક્સ) પર ક્રેશ થયા હતા, જે સાંજના 6.16 વાગ્યાના સુમારે 12 ટકા ઘટીને લોઅર સર્કિટ લાગી હતી. એક જ ઝટકામાં 29,000 રુપિયાથી વધુ સસ્તી થઈ હતી. આ ઘટાડા પછી ચાંદીના ભાવ પણ ઐતિહાસિક ભાવમાં કડાકો બોલાઈ ગયો છે.

સોનાના ભાવ માર્ચમાં 18,000 રુપિયા ઘટયાં

બીજી બાજુ અઠવાડિયાના ચોથા દિવસ દરમિયાન એમસીએક્સના કારોબારમાં ચાંદીના વાયદાનો ભાવ પણ બુધવારના બંધ ભાવ કિલોગ્રામદીઠ 2,28,194 રુપિયાથી તૂટીને ઓપન થયો હતો, જ્યારે અત્યાર સુધીમાં ચાંદીના ભાવ 12 ટકા તૂટીને 2,18,411 રુપિયાના મથાળે રહ્યા હતા, જેમાં એક જ દિવસમાં ચાંદીના ભાવમાં 29,700 રુપિયાનો કડાકો બોલાઈ ગયો છે. સોનાના ભાવમાં માર્ચ મહિનામાં ધીમે ધીમે મોટો ઘટાડો જોવા મળ્યો છે. એકલા 19 દિવસમાં સોના (10 ગ્રામ)ના ભાવ 18,000 રુપિયા ઘટ્યા છે. પહેલી માર્ચના 1,67,000 રુપિયાનો ભાવ હતો, જે આજે ઘટીને 1,49,005 રુપિયા રહ્યો છે. 18 દિવસમાં સોનાના ભાવ 18,000 ઘટ્યા છે.

સોનાચાંદીમાં એકસાથે 'મોહભંગ' કેમ થયો?

ચાંદીની સાથે સોનાના ભાવ જોરદાર તૂટ્યા છે. એમસીએક્સ પર બીજી એપ્રિલના એક્સપાયરીના સોનાના ભાવ બુધવારે 1,53,025 રુપિયાના મથાળે હતા, જે આજે છ ટકા ઘટીને 1,43,884 રુપિયાના મથાળે રહ્યા હતા. 10 ગ્રામ 24 કેરેટ ગોલ્ડના ભાવમાં નવ હજાર રુપિયાનો કડાકો થયો હતો, જ્યારે ઐતિહાસિક (રુપિયા 1,93,096) લેવલની તુલનામાં હવે વાયદામાં સોનું 50,000 રુપિયા સસ્તું થયું છે. 

સોના-ચાંદીમાં ઘટાડા માટેના અનેક કારણો જવાબદાર છે, જેમાં અમેરિકન ફેડરલ રિઝર્વ તરફથી વ્યાજદર સ્થિર રાખવાના સંકેતો આપ્યા છે, જ્યારે મિડલ ઈસ્ટ યુદ્ધ પણ ચરમસીમાએ પહોંચ્યું છે. વૈશ્વિક સંકટોનો ઉકેલ પણ ઝડપી નહીં આવે એવી શંકાને કારણે સોનાચાંદીના ભાવમાં દબાણ વધ્યું છે. આ અગાઉ સોનાચાંદી સાથે શેરબજારમાં 2023માં એકસાથે તેજી જોવા મળી હતી, પરંતુ ઘટાડાનું પ્રમાણ એ પણ એકસાથે બહુ ઓછું જોવા મળે છે, એમ નિષ્ણાતે દાવો કર્યો હતો.

સોનાચાંદી આગળ ડોલર બન્યો 'બળવાન'

ત્રણ-ત્રણ દેશના યુદ્ધની સાથે ખાડી દેશોમાં આંતરિક ખેંચતાણ વચ્ચે ટેરિફ વોરનું સંકટ પણ તોળાઈ રહ્યું છે, ત્યારે દુનિયાભરના માર્કેટમાં મોટી ઉથલપાથલના એંધાણ છે. શેરબજારની સાથે સોનાચાંદી માર્કેટ ઊંધા માથે પટકાઈ રહ્યા છે, પરંતુ હવે ડોલરમાં ઈન્વેસ્ટર દોટ મૂકી રહ્યા છે, જેને સુરક્ષિત રોકાણનો વિકલ્પ માની રહ્યા હોવાનો દાવો કરવામાં આવે છે. ઈરાન યુદ્ધની સૌથી વધુ અસર ક્રૂડ ઓઈલ પર જોવા મળી રહી છે, જેના સપ્લાય પર અસર થઈ તો કિંમતોમાં ભડકો થશે. 

ગ્લોબલ માર્કેટમાં ક્રૂડનો ભાવ બેરલદીઠ 120 ડોલરની પાર થયો હતો, જ્યારે દુનિયામાં એનર્જી ટ્રેડ ડોલરમાં થાય છે, જેથી મોંઘા ક્રૂડ અને ગેસનો ફાયદો સીધો ડોલરને મળી રહ્યો છે. ફોરેક્સ માર્કેટમાં પણ ભારતીય રુપિયા સામે ડોલરનો ભાવ પણ ઐતિહાસિક સપાટી 93 રુપિયા નજીક પહોંચ્યો છે, જે રેકોર્ડ છે. સોનાચાંદીને બદલે અત્યારે તેલ-ગેસની ખરીદી સૌથી વધારે થઈ રહી છે, એમ નિષ્ણાતોએ જણાવ્યું હતું.