રાજસ્થાનના ડ્રેસમાં રમવા ટેવાયેલો ટી-20 વર્લ્ડ કપ સુપરસ્ટાર હવે ચેન્નઈના યલો ટી-શર્ટમાં જોવા મળશે
નવી દિલ્હીઃ ટી-20 વર્લ્ડ કપનો સુપરસ્ટાર સંજુ સૅમસન ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં 2013ની સાલમાં ડેબ્યૂ કર્યા પછી બે ટીમ દિલ્હી ડેરડેવિલ્સ (ડીડી) અને રાજસ્થાન રૉયલ્સ (RR)ની જર્સીમાં જોવા મળ્યો છે, પણ 2026ની આઇપીએલની સીઝનથી તે ચેન્નઈ સુપર કિંગ્સ (CSK)ના યેલો ડ્રેસમાં જોવા મળશે અને આ સીઝન 28મી માર્ચે શરૂ થાય એ પહેલાંની પીટીઆઇ સાથેની મુલાકાતમાં સૅમસને રાજસ્થાનની ટીમ છોડવા વિશે ખુલાસા તરીકે કારણ આપ્યું છે. તેણે મહેન્દ્રસિંહ ધોની પાસેથી ઘણું શીખવા મળશે એની વાત પણ ઇન્ટરવ્યૂમાં કરી છે.
વિકેટકીપર-બૅટ્સમૅન સૅમસન ચેન્નઈ વતી રમવા માટે ખૂબ ઉત્સાહિત છે અને તે ગુલાબીને બદલે પીળી જર્સીમાં જોવા મળશે. સૅમસન વર્ષોથી રાજસ્થાનની ટીમમાં હતો અને હવે તે એ જ ટીમની વિરુદ્ધમાં રમશે. તેણે કહ્યું છે કે તે મેદાન પર ભાવનાઓને પોતાના પર હાવિ નહીં થવા દે.
નવાઈની વાત એ છે કે આ વખતની આઇપીએલમાં ચેન્નઈની પ્રથમ મૅચ 30મી માર્ચે રાજસ્થાન સામે જ રમાવાની છે. એ દિવસે મુકાબલો ગુવાહાટીમાં સાંજે 7.30 વાગ્યે શરૂ થશે.
સૅમસને રાજસ્થાન રૉયલ્સની ટીમ એ માટે છોડી, કારણકે તેને લાગ્યું કે એ ટીમમાં તેનો સમય હવે પૂરો થઈ ગયો છે. તેણે પીટીઆઇને કહ્યું, `હું હવે રાજસ્થાનની વિરુદ્ધમાં રમીશ, પણ એમાં હું મારું સર્વશ્રેષ્ઠ પર્ફોર્મ કરીશ.'
સૅમસને અત્યાર સુધીમાં આઇપીએલમાં કુલ 177 મૅચમાં ત્રણ સેન્ચુરી અને 26 હાફ સેન્ચુરીની મદદથી કુલ 4,704 રન કર્યા છે તેમ જ 86 કૅચ ઝીલ્યા છે અને 17 બૅટ્સમેનને સ્ટમ્પ-આઉટ કર્યા છે. તેણે પીટીઆઇને કહ્યું, `હું મેદાન પર ભાવનાઓની બાબતમાં ખાસ કંઈ નથી વિચારતો. હા, મૅચની પહેલાં અને મૅચ પછી સંવેદનાઓની આપ-લે જરૂર થશે, કારણકે ત્યારે મેદાન પર એવા ઘણા ખેલાડીઓ અને સપોર્ટ-સ્ટાફના મેમ્બર્સ હશે જેમની સાથે મારો બહુ જૂનો સંબંધ છે.'
સૅમસન ચેન્નઈની ટીમના ડ્રેસિંગ-રૂમમાં લેજન્ડ એમએસ ધોની પાસેથી ઘણું નવું શીખવા ઉત્સુક છે. સૅમસને કહ્યું, `હું સીએસકેનો ખેલાડી બનીને હવે રમવા માટે ખૂબ ઉત્સુક અને રોમાંચિત છું. ધોનીભાઈ સાથે મેં અગાઉ પણ ઘણી ચર્ચા કરી છે જેમાં તેમની પાસેથી મને ઘણા પૉઝિટિવ વાઇબ્સ મળ્યા હતા. તેમની સાથે લગભગ બે મહિના વીતાવવાના, તેમને નજીકથી જોવા અને તેમની પાસેથી શીખવાનો મને શાનદારે મોકો મળશે'