Fri Sep 04 2026

Logo

બૉક્સર સાક્ષી ચૌધરીએ ગોલ્ડ મેડલ માટે કેમ કોહલીનો આભાર માન્યો?

2026-08-07 22:33:18
Author: Ajay Motiwala
બૉક્સર સાક્ષી ચૌધરીએ ગોલ્ડ મેડલ માટે કેમ કોહલીનો આભાર માન્યો?

નવી દિલ્હીઃ કૉમનવેલ્થ જેવી મોટી અને પ્રતિષ્ઠિત સ્પર્ધાનો ગોલ્ડ મેડલ જીતવામાં સંબંધિત ઍથ્લીટના અથાક પરિશ્રમ તથા બલિદાન ઉપરાંત યોગ્ય વ્યક્તિના સપોર્ટની ભૂમિકા હોય છે અને બૉક્સર સાક્ષી ચૌધરી માટે એ વ્યક્તિ છે વિરાટ કોહલી.

સાક્ષી ચૌધરી ગ્લાસગોમાં 51 કિલો (ફ્લાઇવેઇટ) વર્ગમાં સુવર્ણચંદ્રક જીતી હતી. સાક્ષીએ જાહેર કર્યું છે કે ત્રણ વર્ષથી તેને કરીઅરના મહત્ત્વના તબક્કા દરમ્યાન વિરાટ કોહલી ફાઉન્ડેશન તરફથી જે મદદ મળી એ બદલ તે કોહલીની આભારી છે.

ભારતીય લશ્કરમાં ફરજ બજાવી ચૂકેલી સાક્ષીએ આઇએએનએસને મુલાકાતમાં કહ્યું, `મેં વિજેન્દર સિંહના બાઉટ જોયા એના પરથી મુક્કાબાજી શીખી હતી અને એમાં કરીઅર બનાવવાનું નક્કી કર્યું હતું. જોકે વિરાટ કોહલીએ પણ મને બહુ સારો સપોર્ટ આપ્યો છે. તેઓ મારા સ્પૉન્સર રહ્યા છે એટલે હું તેમનો ધન્યવાદ કરું છું.'

સાક્ષીએ એવું પણ કહ્યું કે `વિરાટ કોહલીએ મને માત્ર આર્થિક મદદ કરી હતી એવું નથી. તેમણે મને શાંત અભિગમ જાળવવાની અને બિનજરૂરી માનસિક દબાણ ટાળવાની સલાહ આપી હતી અને કહ્યું હતું કે રિંગમાં તારો બેસ્ટ પર્ફોર્મન્સ આપવા પર જ લક્ષ આપશે.'