Wed Aug 19 2026

Logo

ડૉલર સામે રૂપિયો 12 પૈસા નરમ

2026-08-18 19:54:23
Author: Ramesh Gohil
Article Image

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)

મુંબઈઃ
અમેરિકા અને ઈરાન વચ્ચે ડીલ થવામાં થઈ રહેલા વિલંબને કારણે આજે વિશ્વ બજારમાં ક્રૂડતેલના ભાવ વધી આવ્યા હતા અને સાથે સાથે તેની નકારાત્મક અસર સ્થાનિક ઈક્વિટી માર્કેટ પર પણ પડતાં જોવા મળેલો નરમાઈનો અન્ડરટોન ઉપરાંત ગઈકાલે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં રૂ. 2535.10 કરોડની ચોખ્ખી વેચવાલી રહી હોવાથી આજે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો વધુ 12 પૈસાના ઘટાડા સાથે 95.73ના મથાળે બંધ રહ્યો હતો. જોકે, આજે વિશ્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં વધ્યા મથાળેથી સાધારણ નરમાઈનું વલણ રહ્યું હોવાથી રૂપિયામાં ધોવાણ મર્યાદિત રહ્યું હોવાનું ફોરેક્સ ટ્રેડરોએ જણાવ્યું હતું. 

આજે સ્થાનિકમાં ડૉલર સામે રૂપિયો ગઈકાલના 95.61ના બંધ સામે નરમાઈના અન્ડરટોને 95.68ના મથાળે ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં 95.89 અને ઉપરમાં 95.64ની રેન્જમાં અથડાઈને અંતે ગઈકાલના બંધ સામે 12 પૈસાના ઘટાડા સાથે 95.73ની સપાટીએ બંધ રહ્યો હતો. 

એકંદરે દરિયાઈ માર્ગ સ્ટ્રેટ ઑફ હોર્મુઝ ખૂલવાની મડાગાંઠ યથાવત્‌‍ રહેતાં આજે ક્રૂડતેલના ભાવ વધીને બેરલદીઠ 90 ડૉલર આસપાસ રહેતાં ફુગાવો વધવાની ભીતિ હેઠળ રૂપિયો દબાણ હેઠળ રહ્યો હોવાથી તેમ જ ગઈકાલે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં વેચવાલી અને અમેરિકી ટ્રેઝરીની યિલ્ડ પણ વધી આવી હોવાથી તેની રૂપિયા પર નકારાત્મક અસર પડી હોવાનું મોતીલાલ ઓસ્વાલ ફાઈનાન્સિયલ સર્વિસીસના રિસર્ચ અને વૅલ્થ મેનેજમેન્ટના હેડ સિદ્ધાર્થ ખેમકાએ જણાવ્યું હતું. એકંદરે હાલના તબક્કે ક્રૂડતેલની ઊંચી સપાટી અને વિદેશી ફંડોની વેચવાલીને ધ્યાનમાં લેતા આગામી ટૂંકા સમયગાળા દરમિયાન ડૉલર સામે રૂપિયો દબાણ હેઠળ રહે તેવી શક્યતા તેમણે વ્યક્ત કરી હતી. 

દરમિયાન આજે વિશ્વ બજારમાં બે્રન્ટ ક્રૂડતેલના ભાવ ગઈકાલના બંધ સામે 0.01 ટકો વધીને બેરલદીઠ 90.88 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. તેમ જ સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સ અને એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટીમાં અનુક્રમે 492.70 પૉઈન્ટનો અને 132.75 પૉઈન્ટનો ઘટાડો આવ્યો હતો. જોકે, આજે વિશ્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સ 0.04 ટકા ઘટીને 99.60 આસપાસ ક્વૉટ થઈ રહ્યો હોવાથી અમુક અંશે રૂપિયાને ટેકો મળ્યો હોવાનું ટ્રેડરોએ જણાવ્યું હતું.