ન્યુ દિલ્હી: ટાઇમ' મેગેઝિને પ્રથમ વખત 'એક્ઝિક્યુટિવ્સ ઓફ ધ યર: ટેક એન્ડ ડેટા' શીર્ષક હેઠળ એક યાદી બહાર પાડી છે. આ યાદીમાં ટેક્નોલોજી અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને આકાર આપી રહેલા 50 ટેક લીડર્સનો સમાવેશ થાય છે. જેમાં ભારતીય મૂળના બે ટેક લીડર્સ વિજય રાજી અને રાહુલ પાટિલ પણ સામેલ છે.
બંનેમાંથી કોઈ પણ IITના વિદ્યાર્થી નથી
આ અંગે મહત્વની બાબત એ છે કે, આ બંનેમાંથી કોઈ પણ IITના વિદ્યાર્થી નથી. તેમ છતાં વિજય રાજી OpenAI ખાતે ChatGPT અને Codex જેવા ઉત્પાદનો પાછળની ટેક્નોલોજીનું સંચાલન કરે છે. જ્યારે રાહુલ પાટિલ Anthropicના Claude AI માટે એન્જિનિયરિંગ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું નેતૃત્વ કરે છે.
વિજય રાજી OpenAI માં એપ્લિકેશન્સના CTO
જેમાં વિજય રાજીની વાત કરીએ તો તે હાલમાં OpenAI માં એપ્લિકેશન્સના CTO તરીકે સેવા આપે છે. જ્યારે દુનિયા OpenAI ને ChatGPT પાછળની કંપની તરીકે જાણે છે. ત્યારે તેની આંતરિક કામગીરી - AI મોડેલ બનાવવાથી લઈને તેને લોકો સુધી પહોંચાડવા સુધી અલગ અલગ વિભાગોમાં વહેંચાયેલી છે.
વર્ષ 1999માં એન્જિનિયરિંગની બેચલર ડિગ્રી મેળવી
વિજય રાજીએ વર્ષ 1999 માં સ્નાતક થયા પછી પુડુચેરી એન્જિનિયરિંગ કોલેજમાંથી એન્જિનિયરિંગની બેચલર ડિગ્રી મેળવી. ત્યારબાદ તેમણે 2011 માં ફેસબુકમાં જોડાતા પહેલા માઇક્રોસોફ્ટમાં તેમની કારકિર્દી શરૂ કરી હતી. જ્યાં તેમણે લગભગ એક દાયકા સુધી કામ કર્યું હતું.
રાહુલ પાટિલ ભારતીય મૂળના ટેક એક્ઝિક્યુટિવ
જ્યારે રાહુલ પાટિલની વાત કરીએ તો તે ભારતીય મૂળના ટેક એક્ઝિક્યુટિવ છે જેમણે બેંગલુરુમાં પોતાની કારકિર્દી શરૂ કરી હતી અને હાલમાં તેઓ Anthropicના CTO તરીકે સેવા આપે છે. આ ભૂમિકા તેમણે ઓક્ટોબર 2025 માં સંભાળી હતી.
બેંગલુરુમાં કમ્પ્યુટર સાયન્સમાં એન્જિનિયરિંગ ડિગ્રી મેળવી
તેમણે બેંગલુરુમાં પેસ્ટીમાંથી કમ્પ્યુટર સાયન્સમાં એન્જિનિયરિંગ ડિગ્રી મેળવી હતી. ત્યારબાદ તેમણે એરિઝોના સ્ટેટ યુનિવર્સિટીમાંથી કમ્પ્યુટર સાયન્સમાં માસ્ટર ડિગ્રી અને વોશિંગ્ટન યુનિવર્સિટીમાંથી એમબીએની ડિગ્રી મેળવી હતી.
સ્ટ્રાઇપમાં તેમણે CTO તરીકે સેવા આપી
તેમણે બાદમાં એમેઝોન વેબ સર્વિસીસ, માઇક્રોસોફ્ટ અને ઓરેકલ જેવી મોટી ટેક કંપનીઓમાં કામ કર્યું. જયારે સ્ટ્રાઇપમાં તેમણે CTO તરીકે સેવા આપી હતી, મોટા પાયે ટેકનોલોજી અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું નિરીક્ષણ કર્યું હતું. એન્થ્રોપિકમાં તેઓ હવે એન્જિનિયરિંગ સંગઠન માટે જવાબદાર છે. જેમાં કોમ્પ્યુટ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ઇન્ફરન્સ, ડેટા સાયન્સ અને સુરક્ષા જેવા ક્ષેત્રોનો સમાવેશ થાય છે.
બંનેએ એન્જિનિયરિંગ કોલેજોથી પોતાની સફર શરૂ
આ બંનેએ ભારતમાં એન્જિનિયરિંગ કોલેજોથી પોતાની સફર શરૂ કરી હતી. તેમજ બાદમાં અમેરિકાની અગ્રણી ટેક કંપનીઓમાં કામ કર્યું હતું અને અંતે AI ટેક્નોલોજી સાથે સંકળાયા છે.