રાજકોટઃ રાજકોટ લોધિકા સંઘની ચૂંટણીના આજે પરિણામો જાહેર થયા હતા. જયેશ રાદડિયાએ ભાજપના ધુરંધર રૈયાણીને હરાવીને પાવર બતાવ્યો હતો. સખિયાને પણ વટભેર જીતાડ્યા હતા. રાજકોટ લોધિક સંઘની પાંચ બેઠકની ચૂંટણીમાં જયેશ રાદડિયા જૂથના ચાર ઉમેદવારો વિજેતા થયા હતા. જેના પરથી રાજકોટ લોધિકા સંઘમાં જયેશ રાદડિયાનો દબદબો હોવાનું ફરી એક વખત સાબિત થયું હતું.
કયા ઉમેદવારોની જીત થઈ
નીતિન ચોવટીયા
વિજય સખિયા
બાબુ નસીત
નીતિન રૈયાણી
મહેશ આસોદરિયા
રાજકોટ લોધિકા સંઘની ચૂંટણીમાં રાદડિયા જૂથનો દબદબો યથાવત્ રહ્યો હતો. કુવાડવા બેઠક પર નીતિન ચોવટીયાએ ભાજપના ધુરંધર નેતા અને પૂર્વ મંત્રી અરવિંદ રૈયાણીને હરાવ્યા હતા. જેના કારણે સોપો પડી ગયો હતો. રાજકોટ લોધિકા સંઘની ચૂંટણીમાં પાર્ટીના મેન્ડેન્ટ વિરુદ્ધ ફોર્મ ભરનારા બે ઉમેદવારોનો વિજય થયો હતો. ત્રંબા બેઠક પર ટાઈ થતાં ચિઠ્ઠી દ્વારા નિતીન રામાણી વિજેતા બન્યા હતા, જ્યારે હલેન્ડા બેઠક પર પાર્ટીના અધિકૃત ઉમેદવાર મહેશ આસોદરીયાની જીત થઈ હતી. રાદડિયા વિરોધી જૂથના માનવામાં આવતા બાબુ નસીતે એક મતદારની ગેરહાજરી વચ્ચે ખોખડદડ બેઠક પર વિજય મેળવ્યો હતો. આ ચૂંટણી દરમિયાન પાંચમાંથી ત્રણ બેઠકો પર વ્હીપનો અનાદર થતાં પક્ષીય શિસ્ત સામે પણ સવાલો ઊભા થયા હતા.
કુવાડવા બેઠક પરથી હારનારા ભાજપના ધુરંધર અરવિંદ રૈયાણી કોણ છે
અરવિંદ રૈયાણી રાજકોટ ભાજપના પાટીદાર અગ્રણી નેતા અને ગુજરાતના ભૂતપૂર્વ રાજ્યમંત્રી છે. તેઓ 2017 થી 2022 દરમિયાન રાજકોટ પૂર્વ બેઠક પરથી ગુજરાત વિધાનસભાના ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. 2021માં અરવિંદ રૈયાણી વાહનવ્યવહાર, નાગરિક ઉડ્ડયન, પ્રવાસન અને યાત્રાધામ વિકાસ વિભાગના રાજ્યમંત્રી રહ્યા હતા. તેઓ રાજકોટ મહાનગરપાલિકામાં કોર્પોરેટર, શાસકપક્ષના નેતા અને વિવિધ સમિતિના ચેરમેન તરીકે પણ સેવા આપી ચુક્યા છે.
રાજકોટ લોધિકા સંઘની ચૂંટણીમાં કયા બે મોટા આગેવાનો હાર્યા
રાજકોટ લોધિકા સંઘની ચૂંટણીમાં કયા બે મોટા આગેવાનો હાર્યા હતા. કુવાડવા બેઠક પર અરવિંદ રૈયાણી અને માધાપર બેઠક પર ઘોઘુભા જાડેજાની હાર થઈ હતી. બંને આગેવાનોને પોતાનો એક એક મત મળ્યો હતો.