Tue Oct 06 2026

Logo

રાજસ્થાનમાં સંતોની સુરક્ષા પર ગંભીર સવાલો! વધુ એક સંતનું રહસ્યમય મોત; લોહાર્ગલ બંધનું એલાન

2026-09-29 17:23:15
Author: Devayat Khatana
રાજસ્થાનમાં સંતોની સુરક્ષા પર ગંભીર સવાલો! વધુ એક સંતનું રહસ્યમય મોત; લોહાર્ગલ બંધનું એલાન

પ્રતીકાત્મક તસવીર


જયપુર: રાજસ્થાનમાં સાધુ સંતોની હત્યાના બનાવો ચર્ચામાં છે, ત્યારે હવે  ઝુંઝુનુ જિલ્લાના લોહાર્ગલ ધામમાંથી એક અત્યંત ચિંતાજનક અને સનસનાટીભર્યા સમાચાર સામે આવ્યા છે. જ્યાંના બરખંડી બાબા મંદિરના પૂજારી સંત સુરજદાસ મહારાજનું રહસ્યમય સંજોગોમાં મોત નિપજ્યું છે. તેમનો શબ પહાડીની એક ઊંડી ખીણમાં ઝાડીઓ વચ્ચેથી મળી આવ્યો હતો, જેના કારણે સમગ્ર વિસ્તારમાં ભારે હડકંપ મચી ગયો છે. સંતના અચાનક શંકાસ્પદ મૃત્યુના પગલે સ્થાનિક ગ્રામજનો અને સંત સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

મળતી માહિતી મુજબ, સંત સુરજદાસ છેલ્લા 32 વર્ષથી આ પહાડી પર આવેલા મંદિરમાં રહીને સાધના અને પૂજા-પાઠ કરતા હતા. તેઓ ગત ૨૬ સપ્ટેમ્બરથી અચાનક રહસ્યમય રીતે લાપતા થઈ ગયા હતા. ગ્રામજનોએ તેમની શોધખોળ શરૂ કરી હતી અને બે દિવસ બાદ એટલે કે ૨૮ સપ્ટેમ્બરે તેમની લાશ ૩૦0થી ૪૦0 ફૂટ ઊંડી ખીણમાંથી મળી આવી હતી. જે સ્થિતિમાં તેમનો મૃતદેહ મળ્યો અને મંદિરનો સામાન વેરવિખેર હાલતમાં જોવા મળ્યો, તેનાથી આ મામલો હત્યા તરફ ઈશારો કરી રહ્યો છે. આ ઘટનાના વિરોધમાં સંત સમાજે લોહાર્ગલ બંધનું એલાન પણ આપ્યું છે.

રાજસ્થાનમાં સાધુ-સંતો પર હુમલા અને તેમની શંકાસ્પદ કે ક્રૂર હત્યાઓની આ પહેલી ઘટના નથી. અગાઉ પણ આવા અનેક સનસનાટીભર્યા કિસ્સાઓ સામે આવી ચૂક્યા છે. થોડા મહિના પહેલા જ કોટાના પ્રાચીન ચંદ્રસલ મઠના મહંત દેવાનંદ મહારાજની મંદિર અને મઠની કરોડોની પ્રોપર્ટી હડપવાના ઈરાદે ક્રૂરતાપૂર્વક હત્યા કરવામાં આવી હતી. આ જ રીતે ટોંક જિલ્લામાં સંત સિયારામ દાસ બાબા અને કુચામનમાં સંત મોહનદાસની પણ નિર્દયતાથી હત્યા કરવામાં આવી ચૂકી છે. આ તમામ ઘટનાઓ પાછળ ક્યાંક ને ક્યાંક મંદિરોની કરોડો રૂપિયાની જમીન અને સંપત્તિ વિવાદ મુખ્ય કારણ તરીકે બહાર આવ્યા છે.

રાજસ્થાનમાં મોટાભાગે મંદિરોની જમીન સીધી સાધુ-સંતોના નામે નથી હોતી, પરંતુ તેઓ તેના સંરક્ષક કે વાલી તરીકે સેવા આપતા હોય છે. આ પવિત્ર સ્થળોની કિંમતી જમીન પર નજર રાખનારા ભૂમાફિયાઓ અને ગુનેગારો અવારનવાર સંતોને નિશાન બનાવતા હોય છે. કોટા પ્રકરણમાં પોલીસ તપાસ દરમિયાન પણ એ વાત સામે આવી હતી કે મઠની મિલકત મેળવવા માટે જ સોચીસમજીને ષડયંત્ર રચવામાં આવ્યું હતું.

સુરજદાસ મહારાજના શંકાસ્પદ મોત બાદ રાજસ્થાનની સુરક્ષા વ્યવસ્થા અને સાધુ-સંતોની સલામતી સામે ફરીથી ગંભીર સવાલો ઊભા થયા છે. અગાઉના કેસોમાં કડક કાર્યવાહીના અભાવે અપરાધિઓિયાના હૌસલા બુલંદ રહ્યા છે. રાજસ્થાનના મેવાડ અને અન્ય વિસ્તારોમાં પણ અગાઉ પૂજારી દંપતીને જીવતા સળગાવી દેવા જેવી અમાનવીય ઘટનાઓ બની ચૂકી છે.

હાલની ઘટના બાદ પોલીસ તંત્ર સંપૂર્ણપણે એલર્ટ મોડ પર છે અને ઉચ્ચ સ્તરીય તપાસ હાથ ધરવામાં આવી છે. સંત સમાજ અને ગ્રામજનોની માંગ છે કે આ મામલાની ઊંડાણપૂર્વક તપાસ કરીને સત્ય બહાર લાવવામાં આવે અને ગુનેગારોને કડકમાં કડક સજા કરવામાં આવે, જેથી ધાર્મિક સ્થળો પર રહેતા સંતો સુરક્ષિત રહી શકે.