(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: આ વર્ષે મુંબઈ સહિત સમગ્ર દેશમાં ચોમાસા ઉપર ‘એલ નિન્યો’ અસર રહી છે. ઓછા વરસાદની ચેતવણી વચ્ચે ઑગસ્ટ મહિનો લગભગ સૂકો રહ્યા બાદ રવિવારના પડેલા મુશળધાર વરસાદથી મુંબઈમાં વાર્ષિક ચોમાસાનો ક્વોટા પૂર્ણ થઈ ગયો છે. મુંબઈમાં ૨૪ જૂનના ચોમાસાનું આગમન થયું હતું ત્યારથી ૧૫ સપ્ટેમ્બર સુધીમાં મુંબઈના ઉપનગરમાં ૨,૪૪૨.૬ મિલીમીટર વરસાદ નોંધાયો છે, જે મોસમનો સરેરાશ ૧૦૫.૩૩ ટકા વરસાદ ગણાય છે.
હવામાન વિભાગના આંકડા મુજબ આ ચાર મહિના દરમ્યાન સાંતાક્રુઝ વેધશાળામાં સરેરાશ ૨,૪૪૨.૬ મિ.મી. વરસાદ નોંધાયો છે, જ્યારે દક્ષિણ મુંબઈમાં કોલાબામાં વેધશાળામાં ૧,૮૯૬.૯ મિ.મી. વરસાદ નોંધાયો છે. મુંબઈમાં ચોમાસાની વિદાયને હજી થોડો સમય બાકી છે, તેમ છતાં સાંતાક્રુઝ સ્ટેશને અત્યાર સુધીમાં બે ટકાના વધારા સાથે આ વર્ષના ચોમાસાના સરેરાશ વરસાદના ક્વોટાને વટાવી દીધો છે.
મુંબઈમાં ઑગસ્ટ મહિનો લગભગ કોરો રહ્યા બાદ સપ્ટેમ્બરમાં પણ છેક પખવાડિયું પૂરું થવાનું હતું ત્યારે વરસાદે ફરી એન્ટ્રી કરી હતી. શનિવાર મોડી રાતથી શરૂ થયેલો વરસાદ રવિવારે પણ આખો દિવસ પડ્યો હતો. જોકે સોમવારથી વરસાદે બ્રેક લીધો હતો. શનિવાર-રવિવારના મુંબઈના અનેક વિસ્તારમાં લગભગ ૧૦૦ મિ.મી.થી વધુ વરસાદ નોંધાયો હતો. તેથી મુંબઈના સરેરાશ વરસાદમાં વધારો જોવા મળ્યો હતો.
આ વર્ષે ચોમાસાની ઋતુ દરમ્યાન ‘એલ નિન્યો’ સિસ્ટમને કારણે લાંબા સમય સુધી વરસાદ વિનાનો સૂકો ગાળો જોવા મળ્યો હતો. જૂન અને ઑગસ્ટ મહિનામાં મુંબઈમાં વરસાદની નોંધપાત્ર અછત જોવા મળી હતી. જૂનમાં મુંબઈમાં માત્ર ૪૧૪ મિ.મી. વરસાદ નોંધાયો હતો, જે જૂન મહિનાના વાસ્તવિક સરેરાશ વરસાદ કરતાં પચીસ ટકા ઓછો હતો, જ્યારે ઑગસ્ટમાં મુંબઈમાં મહિનાના વાસ્તવિક મોસમી સરેરાશ વરસાદના માત્ર ૫૭ ટકા વરસાદ જ નોંધાયો હતો, જોકે જુલાઈ મહિનામાં ઉપનગરીય અને શહેરના વિસ્તારોમાં એક જ અઠવાડિયામાં ૧,૦૦૦ મિ.મી.થી વધુ વરસાદ નોંધાયો હતો.
ગયા વર્ષે ઑગસ્ટ મહિના સુધીમાં જ મુંબઈએ તેના વાર્ષિક સરેરાશ વરસાદના ક્વોટાને વટાવી દીધો હતો. હવામાનના નિષ્ણાતના કહેવા મુજબ મુંબઈમાં હવે ભારે વરસાદની શક્યતા ઓછી છે. જોકે આ અઠવાડિયાના અંત સુધી હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. એ બાદ ઑકટોબરમાં ચોમાસું વિદાય લેશે. જોકે દેશમાંથી નૈર્ઋત્યના ચોમાસાની વિદાય રાજસ્થાનથી ૧૭ સપ્ટેમ્બરથી શરૂ થશે અને ૧૫ ઑક્ટોબર સુધીમાં સમગ્ર ભારતમાંથી ચોમાસું વિદાય લેશે.
ગરમીનું પ્રમાણ વધવાની શકયતા
બંગાળના ઉપસાગરમાં ઓછા દબાણનો પટ્ટો નિર્માણ થયો હતો, તેની અસર હેઠળ મુંબઈ સહિત રાજ્યના મરાઠવાડા, વિદર્ભ, ઉત્તર મહારાષ્ટ્ર અને મધ્ય મહારાષ્ટ્રમાં વરસાદનું જોર રહ્યું હતું. જોકે હવે તેની અસર ઓછી ગઈ છે. તેથી વરસાદનું જોર પણ લગભગ ઘટી ગયું છે. આ દરમ્યાન વરસાદે ફરી બ્રેક લેતા ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધવાની શકયતા છે. આગામી દિવસોમાં મુંબઈ સહિત રાજ્યમાં ત્રણથી પાંચ ડિગ્રી સુધી ગરમીનું પ્રમાણ વધવાની શકયતા છે.
જળાશયોમાં ૯૭ ટકાથી વધુ પાણી જમા
મુંબઈને પાણી પૂરું પાડનારાં જળાશયોમાં ગયા શનિવારે જળાશયોની સપાટી ૯૬.૨૯ ટકા હતી. શનિવાર મોડી રાતથી શરૂ થયલો વરસાદ રવિવારે પણ આખો દિવસ પડ્યો હતો, તેને પગલે જળાશયોની સપાટીમાં હળવો વધારો નોંધાયો છે. મંગળવારે સવારના સાતેય જળાળયોમાં કુલ ૧૪,૧૭,૫૮૪ મિલ્યન લિટર એટલે કે ૯૭.૯૪ ટકા જેટલા પાણીનો સ્ટોક હતો. તો ગયા વર્ષે આ જ સમયે જળાશયોમાં ૧૪,૨૫,૫૭૫ મિલ્યન લિટર એટલે કે ૯૮.૪૯ ટકા પાણીનો સ્ટોક હતો. ૨૦૨૪ની સાલમાં આ જ સમયે જળાશયોમાં ૧૪,૨૯,૧૦૧ મિલ્યન લિટર એટલે કે ૯૭.૭૪ ટકા પાણીનો સ્ટોક હતો. મુંબઈમાં હાલ ૧૫ મેથી અમલમાં મૂકવામાં આવેલો ૧૦ ટકા પાણીકાપ લાગુ છે. જળાશયો ૧૦૦ ટકા ભરાશે ત્યારે જ પાણીકાપ પાછો ખેંચવામાં આવશે એવી જાહેરાત પાલિકા પ્રશાસન અગાઉ જ કરી ચૂકી છે. આગામી દિવસોમાં ભારે વરસાદની કોઈ શકયતા ન હોવાથી છૂટાછવાયા વરસાદમાં જળાશયોની સપાટીમાં વધારો થાય એની રાહ જોવા સિવાય છૂટકો નથી. નોંધનીય છે કે મુંબઈને આખું વર્ષ પાણીકાપ વગર પાણીપુરવઠો કરવા માટે તળાવોમાં પહેલી ઑક્ટોબરના તેની સપાટી ૧૪,૧૭,૫૮૪ મિલ્યન લિટર હોવી આવશ્યક છે.