Fri May 01 2026

Logo

નાગપુરમાં બેકાબૂ ભેંસે મચાવ્યો આતંક: એક વૃદ્ધનું મોત, પોલીસકર્મી સહિત 6 લોકો ઘાયલ...

2026-03-10 22:07:59
Author: Tejas rajpara
Article Image

નાગપુર: જિલ્લામાં રખડતા પશુઓનો ત્રાસ હવે જીવલેણ સાબિત થઈ રહ્યો છે. શહેરના વ્યસ્ત ગણાતા મહલ વિસ્તારમાં સ્થિત ગાંધી ગેટ પરિસરમાં એક ભેંસે અચાનક હિંસક બનીને રસ્તે જતાં લોકો પર હુમલો કરવાનું શરૂ કરી દીધું હતું. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં નાસભાગ મચી ગઈ હતી. પશુ માલિકો દ્વારા રસ્તા પર રઝળતા છોડી દેવાયેલા પશુઓ સામાન્ય જનતા માટે કેટલા જોખમી હોઈ શકે છે, તેનો આ જીવંત દાખલો છે.

સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર સોમવારે બનેલી આ ઘટનામાં લક્ષ્મણ રાવ કુંભારે નામના એક વૃદ્ધ ભેંસની અડફેટે આવી ગયા હતા. ભેંસે તેમને એટલી જોરદાર ટક્કર મારી હતી કે તેઓ માથાભેર રસ્તા પર પટકાયા હતા, ઘટના બાદ ઘાયલને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા. આટલેથી ન અટકતા, આ હિંસક ભેંસે બે મોટરસાઈકલ સવારોને પણ જોરદાર ટક્કર મારીને ફંગોળી દીધા હતા. ઘટનામાં એક પોલીસકર્મી સહિત અંદાજે 6 થી 7 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે, જેમની હાલ હોસ્પિટલમાં સારવાર કરાવમાં આવી રહી છે. 

ભેંસના આતંકના સમાચાર મળતા જ મહાનગરપાલિકાની ટીમ અને પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. ભેંસને શાંત પાડવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમ તેના બચ્ચાને પણ સાથે લાવી હતી, જેથી તે શાંત પડે. લગભગ બે કલાકની ભારે જહેમત અને કવાયત બાદ આખરે ભેંસને પાંજરે પૂરવામાં સફળતા મળી હતી. હાલ આ ભેંસને 'ગોરક્ષણ' કેન્દ્રમાં રાખવામાં આવી છે અને તેને રેબિઝ હોવાની આશંકાએ તબીબી નિરીક્ષણ હેઠળ રાખવામાં આવી છે.

શા માટે હિંસક બની ભેંસ? 

આ ઘટના પાછળ બે મુખ્ય કારણો ચર્ચાઈ રહ્યા છે. સ્થાનિકોના મતે ભેંસનું બચ્ચું છેલ્લા ત્રણ-ચાર દિવસથી ગુમ હોવાથી તે આક્રમક બની હતી. બીજી તરફ, એવી પણ ચર્ચા છે કે થોડા દિવસો પહેલા કોઈ શ્વાને તેને બટકું ભર્યું હોવાથી તે રેબિઝથી પીડાતી હતી. નાગપુર શહેરમાં રખડતા પશુઓ અને જવાબદાર પશુ માલિકો સામે તંત્ર કડક પગલાં ભરે તેવી સ્થાનિકોમાં માંગ ઉઠી છે, કારણ કે માલિકો પશુઓને રસ્તા પર રઝળતા છોડી દેતા હોવાથી અકસ્માતની ઘટનાઓ વધી રહ્યા છે.