Tue Oct 06 2026

Logo

પુણેમાં ગળું દબાવી યુવકની હત્યા કર્યા બાદ મૃતદેહને બીડમાં ફેંકી દીધો: બે મિત્ર પકડાયા

2026-09-27 16:52:11
Author: Yogesh D. Patel
પુણેમાં ગળું દબાવી યુવકની હત્યા કર્યા બાદ મૃતદેહને બીડમાં ફેંકી દીધો: બે મિત્ર પકડાયા

પુણે: પુણેમાં રહેતા યુવકની ગળુ દબાવીને હત્યા કર્યા બાદ મૃતદેહને કારમાં બીડ જિલ્લામાં લાવીને ઘાટ પર ઝાડીઝાંખરામાં ફેંકનારા બે મિત્રની પોલીસે ધરપકડ કરી હતી.પુણે જિલ્લાના શિક્રાપુરમાં રહેતા અભિષેક નામદેવ કરકાંબે (23)ના ઘરે આરોપીઓ આવ્યા હતા અને ફરવા જવાને બહાને તેને પોતાની સાથે લઇ ગયા હતા. આરોપીઓએ બાદમાં ગળું દબાવીને અભિષેકની હત્યા કરી હતી, એમ પોલીસે જણાવ્યું હતું.

આરોપીઓ ત્યાર બાદ અભિષેકના મૃતદેહને કારમાં પુણેથી 200 કિલોમીટર દૂર બીડ જિલ્લાના આષ્ટિ તહેસીલમાં લઇ આવ્યા હતા. તેમણે બીડ-અહિલ્યાનગર સ્ટેટ હાઇવે પર આવેલા કનિફનાથ ઘાટ પર મૃતદેહને લઇ જઇ ઝાડીઝાંખરામાં ફેંકી દીધો હતો. બાદમાં આરોપીઓ ત્યાંથી ફરાર થઇ ગયા હતા.બીજી તરફ અભિષેક મોડી રાત થવા છતાં ઘરે પાછો ન ફરતાં તેના પિતાએ આરોપીઓની પૂછપરછ કરી હતી, જેમાં તેમણે ઉડાઉ જવાબ આપ્યા હતા અને તેના પિતાને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો હતો, એમ પોલીસે કહ્યું હતું.

બીડની અંભોરા પોલીસને શુક્રવારે સવારે માહિતી મળી હતી કે કનિફનાથ ઘાટ પર ઝાડીઝાંખરામાં મૃતદેહ મળી આવ્યો છે. આથી પોલીસ ટીમે તાત્કાલિક ઘટનાસ્થળે આવી પહોંચી હતી. મૃતદેહને બહાર કાઢી કડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં મોકલવામાં આવ્યો હતો અને મૃતકની ઓળખ મેળવવા તેના ફોટા સોશિયલ મીડિયા પર સર્ક્યુલેટ કર્યા હતા.મૃતકની ઓળખ શિક્રાપુરના અભિષેક કરકાંબળે તરીકે થયા બાદ તેના પિતાનો સંપર્ક કરવામાં આવ્યો હતો. પિતાએ આ પ્રકરણે શનિવારે ફરિયાદ નોંધાવી હતી, જેને આધારે હત્યાનો ગુનો નોંધી બંને આરોપીની ધરપકડ કરી હતી. આરોપીઓની પૂછપરછ ચાલી રહી હોઇ હત્યા પાછળનો હેતુ જાણી શકાયો ન હોવાનું પોલીસે જણાવ્યું હતું. (પીટીઆઇ)