Mon Oct 05 2026

Logo

લાલબાગચા રાજાના મંડપની નજીક બેઠેલા પુણેના યુવકનું હૃદયરોગના હુમલાથી મૃત્યુ

2026-09-19 17:58:01
Author: Yogesh D. Patel
લાલબાગચા રાજાના મંડપની નજીક બેઠેલા પુણેના યુવકનું હૃદયરોગના હુમલાથી મૃત્યુ

મુંબઈ: મધ્ય મુંબઇમાં લાલબાગચા રાજાના મંડપ નજીક મિત્રો સાથે બેઠેલા પુણેના પચીસ વર્ષના યુવકનું હૃદયરોગના હુમલાથી મૃત્યુ થયું હતું. પોલીસના જણાવ્યા અનુસાર ગુરુવારે આ ઘટના બની હતી, જેમાં મૃત્યુ પામેલા યુવકની ઓળખ જયદીપ મેઘરાજ નેમાડે તરીકે થઇ હતી, જે પુણેના બાવધનનો રહેવાસી હતો.

જયદીપ નેમાડે તેના મિત્રો સાથે લાલબાગચા રાજાના દર્શન કરવા માટે આવ્યો હતો અને મંડપની નજીક બિલ્ડિંગ નંબર-3 પાસે બેઠો હતો ત્યારે તેને અચાનક છાતીમાં દુખાવો ઊપડ્યો હતો, એમ પોલીસે જણાવ્યું હતું. 
દરમિયાન લાલબાગ ગણેશોત્સવ મંડળના પદાધિકારીઓ ત્યાં મદદ માટે આવી પહોંચ્યા હતા અને નેમાડેને એમ્બ્યુલન્સમાં તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું હતું.

કાલાચોકી પોલીસે આ પ્રકરણે એડીઆર (એક્સિડેન્ટર ડૅથ રિપોર્ટ) દાખલ કરીને તપાસ આદરી હતી. પોલીસે જણાવ્યું હતું કે નેમાડેના મૃત્યુ અંગે તેના પરિવારને જાણ કરવામાં આવી હતી અને તેમણે કોઇ ફરિયાદ કે શંકા વ્યક્ત કરી નહોતી. (પીટીઆઇ)