Thu Sep 03 2026

Logo

પોલીસનું ફરમાન...આજે આરસીબી જીતે તો બેંગ્લૂરુમાં સેલિબ્રેશનની મનાઈ

2026-05-31 13:19:00
Author: Ajay Motiwala
પોલીસનું ફરમાન...આજે આરસીબી જીતે તો બેંગ્લૂરુમાં સેલિબ્રેશનની મનાઈ

બેંગ્લૂરુ: આજે અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 1,32,000 જેટલા પ્રેક્ષકોની હાજરીમાં રમાનારી આઈપીએલ-2026ની ફાઈનલ (સાંજે 7.30)માં ગુજરાત ટાઇટન્સ (GT) સામે રોયલ ચેલેન્જર્સ બેંગ્લૂરુ (RCB) જીતવા માટે ફેવરિટ મનાય છે અને જો આ ધારણા સાચી પડશે અને રજત પાટીદારના સુકાનમાં આરસીબીની ટીમ સતત બીજું ટાઈટલ જીતવામાં સફળ થશે તો પણ બેંગ્લૂરુના જાહેર વિસ્તારોમાં એની કોઈ ઉજવણી નહીં થાય.

બેંગ્લૂરુ (BENGALURU)ની પોલીસે ગયા વર્ષની નાસભાગની દુઃખદ ઘટનાને ધ્યાનમાં રાખીને શહેરની જનતાને સૂચના આપી છે કે રસ્તાઓ પર જીતનું સેલિબ્રેશન કરવું નહીં, ફટાકડા ફોડવા નહીં તેમ જ પોલીસે બહાર પડેલી પૂર્ણ માર્ગરેખાનું ચુસ્ત પાલન કરવું.

ગયા વર્ષે આરસીબીએ અમદાવાદમાં પંજાબને ફાઈનલમાં હરાવીને 18 વર્ષમાં પહેલી વખત ટાઇટલ જીતી લીધું એના બીજા દિવસે વિરાટ કોહલી અને વિજેતા ટીમના ખેલાડીઓ બેંગ્લૂરુ આવે એ પહેલાં જ બેથી ત્રણ લાખ લોકો એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમની આસપાસ જમા થઈ ગયા હતા અને ધમાચકડીમાં 11 જણે જીવ ગુમાવ્યા હતા તથા અસંખ્ય લોકોને ઈજા થઈ હતી.

બેંગ્લૂરુમાં પોલીસે જાહેરમાં બિગ સ્ક્રીન પર કે કોઈ પણ રીતે આજની ફાઈનલ બતાવવા પર પ્રતિબંધ મૂક્યો છે તેમ જ સોશ્યલ મીડિયામાં ઉશ્કેરણીજનક અને દ્વેષભર્યા સંદેશ પોસ્ટ કરવાની પણ જનતાને મનાઈ કરી છે.