મુંબઈ: ગુજરાતના વડનગરની બીએન સ્કૂલમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે ભણ્યા હોવાનો દાવો કરતા એક 81 વર્ષીય વૃદ્ધે રવિવારે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે થાણેના તેમના જમીન વિવાદમાં હવે તેમને ન્યાય મળશે. વડા પ્રધાન સાથે 8 સપ્ટેમ્બરે થયેલી તેમની મુલાકાત બાદ તેમણે આ આશા વ્યક્ત કરી હતી. મીરા રોડના રહેવાસી અસગરઅલી વોહરાએ જણાવ્યું હતું કે તેઓ વડનગરની બીએન સ્કૂલમાં 75 વર્ષીય વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે ભણ્યા હતા.
વોહરાના જણાવ્યા મુજબ, આ વિવાદ ભાયંદર પૂર્વના નવઘરમાં આવેલા 2,810 ચોરસ મીટરના એક પ્રાઈમ પ્લોટને લગતો છે, જે તેમણે 1989માં ખરીદ્યો હતો. તેમનો આરોપ છે કે 2011માં બે કંપનીઓ, સ્વયમ બિલ્ડર્સ અને સેવન ઈલેવન કન્સ્ટ્રક્શન્સ દ્વારા આ પ્લોટ પર અતિક્રમણ કરવામાં આવ્યું હતું. વોહરાએ વધુમાં દાવો કર્યો હતો કે આ બંને કંપનીઓ ભાજપના ધારાસભ્ય નરેન્દ્ર મહેતા સાથે જોડાયેલી છે.
મૂળ માલિકની જાણ બહાર બનાવટી દસ્તાવેજો બનાવીને છેતરપિંડીથી પ્લોટને બે કંપનીઓ વચ્ચે વહેંચી દેવામાં આવ્યો હતો અને 2015માં એફઆઈઆર નોંધાવવા છતાં તેમને ન્યાય મળ્યો નથી, આ વિશે માહિતી આપતા વોહરાએ જણાવ્યું હતું કે તેમને વિશ્વાસ છે કે વડાપ્રધાન મોદી સાથેની તેમની મુલાકાત બાદ, જ્યાં તેમણે સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (સીબીઆઈ) દ્વારા તપાસની માંગ કરી હતી, આ મુદ્દો ઉકેલાઈ જશે.
તેમણે કહ્યું કે આ કેસ હવે આગળ વધવાની શરૂઆત થઈ છે, મહાનગરપાલિકાના અધિકારીઓએ 16 સપ્ટેમ્બરે બંને કંપનીઓના મેનેજમેન્ટને ખુલાસા માટે બોલાવ્યા છે. મહારાષ્ટ્રના પરિવહન પ્રધાન અને શિવસેનાના વરિષ્ઠ નેતા પ્રતાપ સરનાઈકે આ મુલાકાતની તસવીરો ઓનલાઈન શેર કરી હતી અને વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે વડા પ્રધાન તેમના શાળાના સાથીને ન્યાય અપાવશે.