Tue Aug 18 2026

Logo

કૉમનવેલ્થમાં હારેલો પાકિસ્તાની બૉક્સર સ્કૉટલૅન્ડની હૉટેલમાંથી ભાગી ગયો!

Karachi   2026-08-04 18:28:27
Author: Ajay Motiwala
Article Image

કરાચીઃ કૉમનવેલ્થ ગેમ્સમાં ભાગ લેવા સ્કૉટલૅન્ડ ગયેલો પાકિસ્તાનનો મુક્કાબાજ કુદ્રતુલ્લા પોતાના દેશના સ્પર્ધકો સાથે સ્વદેશ પાછા આવવાને બદલે ગ્લાસગો શહેરમાં જ ક્યાંક ગુમ થઈ ગયો હોવાનો અહેવાલ મળ્યો હતો. નવાઈની વાત એ છે કે આ બૉક્સર પોતાના પાસપોર્ટ વગર ટીમની હૉટેલમાંથી ક્યાંક ભાગી ગયો હતો. પાસપોર્ટ ઉપરાંત તેની રિટર્ન ટિકિટ પણ ટીમ મૅનેજરના કબજામાં છે, પરંતુ ખુદ બૉક્સર ક્યાંક ગાયબ થઈ ગયો છે. એનો અર્થ એ છેકે તે ટ્રાવેલ માટેના સત્તાવાર દસ્તાવેજો વિના જ ક્યાંક જતો રહ્યો છે.

આ ટીનેજ બૉક્સર યુગાન્ડા સામેનો પ્રથમ મુકાબલો 5-0થી જીતી ગયો હતો, પરંતુ પછીના મુકાબલામાં નૉર્ધર્ન આયરલૅન્ડના જ્યૂડ ગેલગહર સામે 0-4થી હારી ગયો હતો. શનિવાર મધરાત બાદ 2.00 વાગ્યા સુધી તે ટીમની હૉટેલમાં સાથી સ્પર્ધકોને જોવા મળ્યો હતો, પણ પાકિસ્તાન (Pakistan) પાછા આવતાં પહેલાં સવારે 9.00 વાગ્યે હૉટેલની લૉબીમાં પાકિસ્તાનના તમામ ઍથ્લીટો ભેગા થયા ત્યારે એમાં બૉક્સર કુદ્રતુલ્લા (Qudratullah) નહોતો. 

પાકિસ્તાનનો કોઈ બૉક્સર વિદેશમાં ટૂર્નામેન્ટમાં ભાગ લેવા ગયો હોય અને એ દેશમાં જ ગુમ થઈ ગયો હોય એવો આ પ્રથમ કિસ્સો નથી. 2022ની કૉમનવેલ્થ ગેમ્સ ઇંગ્લૅન્ડમાં યોજાઈ હતી જ્યાં પાકિસ્તાનના બે મુક્કાબાજ બર્મિંગમમાં ક્યાંક ગાયબ થઈ ગયા હતા. એ કિસ્સામાં પણ બન્નેના પાસપોર્ટ અને રિટર્ન ટિકિટ ટીમના મૅનેજર પાસે જ હતા.

2024માં ઇટલીમાં વર્લ્ડ ઑલિમ્પિક ક્વૉલિફાયર્સ દરમ્યાન પાકિસ્તાનનો એશિયન ગોલ્ડ-મેડલિસ્ટ બૉક્સર ઝોહૈબ રાશીદ પોતાની સાથે હૉટેલની રૂમમાં રહેતા સાથી સ્પર્ધકના વૉલેટમાં રાખેલી વિદેશી ચલણની નોટો તેમ જ બીજી કીમતી ચીજો લઈને ભાગી ગયો હતો.

આ વખતે પાકિસ્તાનના ઍથ્લીટો કૉમનવેલ્થમાં જીતેલા માત્ર એક બ્રૉન્ઝ મેડલ સાથે પાછા આવ્યા છે. એ ચંદ્રક ફાતિમા ઝેહરાએ બૉક્સિંગમાં મેળવ્યો હતો.