Mon Oct 05 2026

Logo

ઇમરાન ખાનની બહેન અલીમા ખાનની ધરપકડ, PTI ના દેશવ્યાપી વિરોધ પ્રદર્શન પહેલાં પોલીસ એલર્ટ મોડ પર

Islamabad   2026-09-20 17:27:05
Author: Vimal Prajapati
ઇમરાન ખાનની બહેન અલીમા ખાનની ધરપકડ, PTI ના દેશવ્યાપી વિરોધ પ્રદર્શન પહેલાં પોલીસ એલર્ટ મોડ પર

ઇસ્લામાબાદઃ પાકિસ્તાનના પૂર્વ પ્રધાન પ્રધાન અને ‘પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ’ (PTI) ના સંસ્થાપક ઇમરાન ખાનની મુક્તિ માટે યોજાનારા દેશવ્યાપી આંદોલન પહેલાં જ સરકારે આકરા પગલાં ભરવાનું શરૂ કરી દીધું છે. લાહોર પોલીસે ઇમરાન ખાનની બહેન અલીમા ખાનની અટકાયત કરી લીધી હોવાનું પ્રકાશમાં આવ્યું છે. તારીક 27 સપ્ટેમ્બરે યોજાનારા વિરોધ પ્રદર્શનને નિષ્ફળ બનાવવા માટે પાકિસ્તાની પ્રશાસન દ્વારા આ આક્રમક કાર્યવાહી કરવામાં આવી હોવાનું માનવામાં આવે છે.

પીટીઆઈના ચાર સક્રિય કાર્યકરો પણ ધરપકડ

અલીમા ખાનની ધરપકડ પહેલાં જ પોલીસે પીટીઆઈના ચાર સક્રિય કાર્યકરોને કસ્ટડીમાં લીધા હતા. ઓગસ્ટ 2023થી જેલમાં બંધ ઇમરાન ખાનને તાત્કાલિક મુક્ત કરવાની માગણી સાથે પીટીઆઈ દ્વારા આ આંદોલનનું આયોજન કરવામાં આવ્યું છે. પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદ સહિત દેશના વિવિધ શહેરોમાં શાંતિ અને કાયદો-વ્યવસ્થા જાળવવા માટે સેન્ટ્રલ પોલીસ ઓફિસ ખાતે ઉચ્ચસ્તરીય બેઠકો યોજાઈ રહી છે.

પ્રશાસનની ચાંપતી નજર અને તૈયારીઓ

પાકિસ્તાની સુરક્ષા એજન્સીઓએ આંદોલનકારીઓને રોકવા માટે દરેક સ્તરે ઘેરાબંધી કરી હોવાનું પણ જાણવા મળ્યું છે. 27 સપ્ટેમ્બરના વિરોધ પ્રદર્શનમાં સામેલ થનારા લોકોને ખોરાક, રહેઠાણ કે વાહનની સુવિધા આપતા સ્થાનિક કોન્ટ્રાક્ટરો પર પોલીસ વોચ રાખી રહી છે. એટલું જ નહીં પરંતુ ઇસ્લામાબાદ તરફ આવતા પ્રદર્શનકારીઓને રોકવા માટે ગેસ્ટ હાઉસ, હોટેલો અને બસ ટર્મિનલ્સ પર કડક ચેકિંગ શરૂ કરાયું છે. 

ઇમરાન ખાન પરના કાનૂની કેસો અને રાજકીય ઘમાસાણ

વર્ષ 2018થી 2022 સુધી દેશના વડાપ્રધાન રહેલા ઇમરાન ખાનને એપ્રિલ 2022માં અવિશ્વાસ પ્રસ્તાવ દ્વારા સત્તા પરથી હટાવવામાં આવ્યા હતા. ત્યારપછી તેમની સામે અનેક કાનૂની કેસો નોંધાયા છે. પીટીઆઈ આ તમામ કેસોને રાજકીય દ્વેષથી પ્રેરિત ગણાવી રહી છે, જ્યારે સરકારી સંસ્થાઓ તેને ન્યાયિક પ્રક્રિયાનો ભાગ ગણાવે છે. 27 સપ્ટેમ્બરના પ્રદર્શનને લઈને હવે પાકિસ્તાનમાં સ્થિતિ તંગ બની ગઈ છે.