સુંદરગઢ: ઓડિશાના સુંદરગઢ જિલ્લાના ચાંદીપોષ વિસ્તારમાં મંગળવારે મોડી રાત્રે એક ભયાનક સડક અકસ્માત સર્જાયો હોવાનું પ્રકાશમાં આવ્યું છે. મુસાબીરા વિસ્તારમાં બસ અને ટ્રક વચ્ચે થયેલી સામસામેની ટક્કરમાં 4 લોકોએ જીવ ગુમાવ્યા છે, જ્યારે 12થી વધુ મુસાફરો ગંભીર રીતે ઘાયલ થયા છે. આ બસ રૂરકેલાથી જગતસિંહપુર જઈ રહી હતી. રાત્રિના અંધારાના કારણે સામેથી આવતા ટ્રક સાથે બસની જોરદાર ટક્કર થઈ હતી. ટક્કર એટલી ભયાનક હતી કે બસ અને ટ્રકનો આગળનો ભાગીને ભૂક્કો થઈ ગયો હતો.
ટ્રક ચાલક અને બસ ચાલક સહિત ચારના મોત
સૂત્રોના જણાવ્યાં પ્રમાણે આ અકસ્માતમાં ટ્રક ચાલક, બસ ચાલક, કંડક્ટર અને એક મુસાફર સહિત કુલ 4 લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા છે. અકસ્માત બાદ સ્થાનિક તંત્ર અને રેસ્ક્યુ ટીમ દ્વારા તાત્કાલિક રાહત કામગીરી શરૂ કરવામાં આવી હતી. બસમાં કુલ 20 મુસાફરો સવાર હતા, જેમાંથી 12 લોકોને ગંભીર ઈજાઓ પહોંચી છે. તમામ ઘાયલોને સારવાર માટે રૂરકેલાની આરજીએચ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઘાયલો પૈકી એક વ્યક્તિની હાલત અત્યંત નાજુક હોવાથી તેમને આઈસીયુમાં રાખવામાં આવ્યો છે.
પોલીસ અને તંત્રની કાર્યવાહી
અકસ્માતની આ ઘટના અંગે પોલીસે જણાવ્યું કે, ‘પ્રાથમિક તપાસમાં અકસ્માતનું મુખ્ય કારણ બસ ખોટી લાઈનમાં આવી રહી હોવાનું પ્રકાશમાં આવ્યું છે. જો કે, બંને વાહનોના ચાલકોના મૃત્યુ થઈ ગયા હોવાથી તપાસ કરવામાં મુશ્કેલી પડી રહી છે. હાલ પોલીસ સમગ્ર ઘટનાક્રમની ઝીણવટભરી તપાસ કરી રહી છે’. આ દુર્ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે. પ્રશાસને મૃતકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે અને ઘાયલોને શ્રેષ્ઠ સારવાર મળે તે માટેના પ્રયાસો હાથ ધર્યા છે.