Wed Aug 12 2026

Logo

અજબ ચોરની ગજબ કહાની: પહેલા કરી ચોરી, પછી ચાલુ કર્યું AC અને 6 કલાકની ઉંઘ ખેંચીને રફુચક્કર

2026-04-20 12:06:00
Author: Mayur Patel
Article Image

 

નવસારીઃ રાજ્યમાં ગરમી વચ્ચે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ચોરી કરવા આવેલા ચોરે હાથફેરો કર્યા બાદ એસી ચાલુ કરીને દુકાનમાં લગભગ છ કલાક આરામ ફરમાવ્યો હતો. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. 

ચોરીનો અનોખો કિસ્સો નવસારીમાં સામે આવ્યો હતો. એક એડ એજન્સીમાં ચોરી કર્યા બાદ ફરાર થવાને બદલે ચોરે એસી શરૂ કર્યું હતું અને 6 કલાક સુધી આરામ કર્યો હતો. આ ઘટનામાં કુલ 64,000 રૂપિયાની ચોરી થઈ હતી. રાત્રે બુકાનીધારી ચોર તાળું તોડીને ઓફિસમાં પ્રવેશ્યો હતો.

તેણે ઓફિસના ડ્રોઅરમાંથી 60,000 રૂપિયા રોકડા અને 10 ગ્રામ ચાંદીની ચોરી કરી હતી. ચોરી કર્યા બાદ તેણે ગરમીથી બચવા માટે ઓફિસનું એસી ચાલુ કર્યું હતું અને એક ખુરશી પર આરામ કર્યો હતો. ઓફિસના સીસીટીવી ચેક કરતાં ચોર રાત્રે 10.26 કલાકે દાખલ થયો હોવાનું અને સવારે 4.53 કલાકે બહાર નીકળ્યો હોવાનું સામે આવ્યું હતું. આશરે સાડા છ કલાક સુધી એસીની ઠંડી હવા ખાધા બાદ તે વહેલી સવારે ત્યાંથી ભાગી ગયો હતો.

પોલીસ પણ ચોરની આ રીતથી આશ્ચર્યચકિત છે. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તેની ઓળખ કરી છે અને પકડવા માટે અલગ અલગ ટીમો બનાવી તપાસ શરૂ કરી છે.