Wed Jul 29 2026

Logo

1.25 કરોડની લાંચ માગવા બદલ જીએસટીના ડેપ્યુટી અને આસિસ્ટન્ટ કમિશનર વિરુદ્ધ ગુનો

2026-03-07 18:30:00
Author: Yogesh C. Patel
Article Image

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: નાશિકના વેપારી પાસેથી 1.25 કરોડ રૂપિયાની કથિત લાંચ માગવાના કેસમાં ગૂડ્સ ઍન્ડ સર્વિસ ટૅક્સ (જીએસટી) વિભાગના ડેપ્યુટી કમિશનર અને આસિસ્ટન્ટ કમિશનર વિરુદ્ધ અન્ટિ-કરપ્શન બ્યૂરો (એસીબી)એ કાર્યવાહી કરી હતી.

એસીબીના જણાવ્યા મુજબ લાંચની રકમ સ્વીકારનારા ખાનગી ઈસમ અમિત હિરામણ જાધવ (36)ને રંગેહાથ પકડી પાડવામાં આવ્યા પછી જીએસટીના ડેપ્યુટી કમિશનર સોમનાથ દત્તુ પાગે (47) અને આસિસ્ટન્ટ કમિશનર મચ્છિન્દ્ર વિઠ્ઠલ દોંદે (55) સામે પણ ગુનો નોંધવામાં આવ્યો હતો.

ફરિયાદ અનુસાર વેપારીની નાશિકના દામોદર ચોક ખાતેની ઑફિસ પર જીએસટીની કાર્યવાહી કરવામાં આવી હતી. આ ઑફિસની તપાસ વહેલી સમેટી લેવા માટે આરોપીએ ફરિયાદી પાસેથી 1.25 કરોડ રૂપિયાની માગણી કરી હતી. જોકે બાદમાં તડજોડ કરી એક કરોડ રૂપિયા સ્વીકારવાનું આરોપીએ નક્કી કર્યું હતું.
ફરિયાદીને લાંચ આપવાની ઇચ્છા ન હોવાથી તેમણે પહેલી માર્ચે એસીબીની વરલી યુનિટની ઑફિસમાં ફરિયાદ કરી હતી. એસીબી દ્વારા ફરિયાદની ખાતરી કરવામાં આવ્યા પછી શનિવારે ફરિયાદીની દામોદર ચોક ખાતેની ઑફિસમાં છટકું ગોઠવવામાં આવ્યું હતું.

અધિકારીએ જણાવ્યું હતું કે આરોપીઓ વતી અમિત જાધવ લાંચની રકમમાંના પહેલા હપ્તા કરીકે 20 લાખ રૂપિયા લેવા બપોરે ફરિયાદીની ઑફિસે આવ્યો હતો. એસીબીએ જાધવને લાંચની રકમ સ્વીકારતાં રંગેહાથ પકડી પાડ્યો હતો. બાદમાં એસીબીએ આરોપી સોમનાથ પાગેની ઑફિસમાંથી બે લાખ રૂપિયા પણ હસ્તગત કર્યા હતા.
આ પ્રકરણે નાશિકના ઈન્દિરા નગર પોલીસ સ્ટેશનમાં ત્રણેય વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો. એસીબીએ વધુ તપાસ માટે આરોપીના મોબાઈલ ફોન જપ્ત કર્યા હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.