Tue Oct 06 2026

Logo

ઘરમાં લૂંટના પ્રયાસ બાદ ટોળાએ બેરહેમીથી પીટાઇ કરતાં યુવકનું મૃત્યુ: ત્રણ ઝડપાયા

2026-09-30 18:48:46
Author: Yogesh D. Patel
ઘરમાં લૂંટના પ્રયાસ બાદ ટોળાએ બેરહેમીથી પીટાઇ કરતાં યુવકનું મૃત્યુ: ત્રણ ઝડપાયા

નાગપુર: નાગપુરમાં ઘરમાં લૂંટના કથિત પ્રયાસ બાદ ટોળાએ 28 વર્ષના યુવકની બેરહેમીથી પીટાઇ કરતાં તેનું મૃત્યુ થયું હતું. આ ઘટના બાદ યુવકના કુટુંબીજનોએ આક્ષેપ કર્યો હતો કે તેમના પુત્રને હોસ્પિટલને બદલે પ્રથમ પોલીસ સ્ટેશનમાં લઇ જવાયો હતો.

બેલતારોડી પોલીસ સ્ટેશનની હદમાં આવેલા પૃથ્વીરાજ નગરમાં મંગળવારે આ ઘટના બની હતી અને પોલીસે આ પ્રકરણે ત્રણ જણને કસ્ટડીમાં લીધા હતા.

પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે સુમેધ રાજેન્દ્ર ગજભિયે અને તેનો સાથીદાર દીપક પાટીલ ડિલિવરી બૉયના સ્વાંગમાં ઉષા ધાર્મિક નામની મહિલાના ઘરમાં પ્રવેશ્યા હતા. સુમેધ ગજભિયેએ ઉષાને ચાકુની ધાક દાખવીને ધમકાવી હતી અને તેની સોનાની ચેન આંચકી હતી.

ઘરમાં હાજર ઉષાની પુત્રવધૂએ તાત્કાલિક તેના પતિનો સંપર્ક સાધીને ઘટનાની જાણ કરી હતી, જેને પગલે તે મિત્રો સાથે ઘરે આવી પહોંચ્યો હતો. તેમણે સુમેધને પકડી પાડ્યો હતો, જ્યારે તેનો સાથીદાર પાટીલ ભાગી છૂટવામાં સફળ રહ્યો હતો. ટોળાએ બાદમાં સુમેધની બેરહેમીથી પીટાઇ કરી હતી, એમ પોલીસે જણાવ્યું હતું.

દરમિયાન બનાવની જાણ થતાં બીટ માર્શલ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને સુમેધને તાબામાં લીધો હતો અને તેને બેલતારોડી પોલીસ સ્ટેશનમાં લઇ જવાયો હતો.

ડેપ્યુટી પોલીસ કમિશનર (ઝોન-4) રશ્મિતા રાવે જણાવ્યું હતું કે સુમેધને બપોરે 3.31 વાગ્યે પલીસ સ્ટેશનમાં લાવવામાં આવ્યો હતો. બપોરે 3.43 વાગ્યે તેણે છાતિમાં દુખાવાની ફરિયાદ કરી હતી. આથી તેને હોસ્પિટલમાં લઇ જવાયો હતો, જ્યાં ડોક્ટરોએ બપોરે 4.20 વાગ્યે તેને તપાસીને મૃત જાહેર કર્યો હતો. સુમેધના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો હતો અને તેનો રિપોર્ટ આવ્યા બાદ મૃત્યુ પાછળનું ચોક્કસ કારણ જાણી શકાશે.

(પીટીઆઇ)