Mon Oct 05 2026

Logo

મુંબઈગરાને ટ્રાફિકમાંથી મુક્તિ આપવાની કિંમત છે રૂપિયા 20000000000 જાણો કોણ ચૂકવશે અને શું છે આ પ્લાન?

2026-09-12 14:55:00
Author: Darshana Visaria
મુંબઈગરાને ટ્રાફિકમાંથી મુક્તિ આપવાની કિંમત છે રૂપિયા 20000000000 જાણો કોણ ચૂકવશે અને શું છે આ પ્લાન?

મુંબઈઃ મુંબઈના પ્રવેશદ્વારો અને આંતરિક માર્ગો પર વધતી જતી ટ્રાફિકની સમસ્યાને હળવી કરવા માટે મુંબઈ મહાનગર પાલિકા દ્વારા એક મહત્વકાંક્ષી યોજના તૈયાર કરવામાં આવી છે. જીએસટી (GST) લાગુ થયા બાદ 2017થી બંધ પડેલી માનખુર્દ ઓક્ટ્રોય પ્લાઝાની વિશાળ જમીનનો પુનર્વિકાસ કરીને આશરે રૂપિયા 2,000 કરોડના ખર્ચે એક અલ્ટ્રા-મોડર્ન ટ્રાન્સપોર્ટ અને કોમર્શિયલ હબ ઊભું કરવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે.

આ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ્ય મુંબઈ બહારથી આવતાં લાંબા અંતરનાં ખાનગી વાહનો અને બસોનો ભાર શહેરની સીમા પર જ નિયંત્રિત કરવાનો છે, જેથી સાયન-પનવેલ હાઈવે, ચેમ્બુર અને મધ્ય મુંબઈના રસ્તાઓ પર ટ્રાફિકનું ભારણ દબાણ ઘટી શકે છે આવો જોઈએ શું છે આ આખો પ્રોજેક્ટ અને કઈ રીતે મુંબઈગરાઓને આનો ફાયદો થશે એ... 

પાંચ માળનું વિશાળ પાર્કિંગ અને 21 માળની લક્ઝરી હોટેલ:
શહેરમાં પ્રવેશતા વાહનો માટે પાંચ માળનું આધુનિક પાર્કિંગ કોમ્પ્લેક્સ ઊભું કરાશે. બહારથી આવતા મુસાફરો અહીં વાહન પાર્ક કરીને ટેક્સી, બેસ્ટ બસ કે મેટ્રો દ્વારા મુંબઈ શહેરમાં આગળ વધી શકશે. આ હબમાં 21 માળની પ્રીમિયમ હોટેલ, બિઝનેસ કન્વેન્શન સેન્ટર અને પ્રવાસીઓ માટે રેસ્ટિંગ લોન્જની સુવિધા ઉપલબ્ધ રહેશે. પ્રોજેક્ટમાં રિટેલ શોપિંગ સેન્ટર્સ, ઓફિસ સ્પેસ, રેસ્ટોરન્ટ્સ અને ફૂડ કોર્ટ્સનો સમાવેશ કરવામાં આવશે, જેથી આ કેન્દ્ર માત્ર પાર્કિંગ પૂરતું સીમિત ન રહેતાં સંપૂર્ણ વ્યાવસાયિક સેન્ટર બનશે.

પુણે, ગોવા અને કર્ણાટકથી આવતી બસો સીમા પર જ અટકાવાશે:
પૂર્વ મુંબઈના મુખ્ય એન્ટ્રી પોઈન્ટ એવા માનખુર્દ ખાતે આ હબ બનવાથી પુણે, ગોવા અને કર્ણાટક તરફથી આવતી ઇન્ટરસિટી બસોને અહીં જ ટર્મિનેટ કરી શકાશે. મુસાફરોને મુંબઈના અલગ-અલગ વિસ્તારોમાં પહોંચાડવા માટે માનખુર્દથી લોકલ કનેક્ટિવિટીના વધુ વિકલ્પો ઊભા કરાશે.

માનખુર્દ અને દહીસર જકાત નાકાનો પુનર્વિકાસ:
પાલિકાના પ્લાન મુજબ પૂર્વ ઉપનગરમાં માનખુર્દ અને પશ્ચિમ ઉપનગરમાં દહીસર ખાતે બંધ પડેલી જકાત નાકાની કિંમતી જમીનનો ઉપયોગ ટ્રાન્સપોર્ટ પ્લાનિંગ માટે કરવામાં આવશે. વહીવટી મંજૂરીઓ અને ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થયા બાદ આગામી વર્ષથી આ પ્રોજેક્ટનું ગ્રાઉન્ડ વર્ક શરૂ થવાની શક્યતા છે.