ગ્લોબલ વોર્મિંગ અને ક્લાઈમેટ ચેન્જના ગંભીર પરિણામોનો સામનો કરી રહેલા મુંબઈ માટે ચિંતાજનક ચેતવણી સામે આવી છે. અરબી સમુદ્રની સતત વધી રહેલી જળસપાટીને કારણે સદીના અંત સુધીમાં મુંબઈનો મોટો ભાગ કાયમી ધોરણે સમુદ્રમાં ગરકાવ થઈ જવાની દહેશત વ્યક્ત કરવામાં આવી છે.
આ ગંભીર ખતરાને ધ્યાનમાં રાખીને બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન અર્થાત જ પાલિકાએ શહેરના ૧૪૯ કિલોમીટર લાંબા દરિયાકાંઠાનું નવેસરથી જોખમ મૂલ્યાંકન (Risk Assessment) કરવાનું કાર્ય શરૂ કર્યું છે. છેલ્લાં પાંચ વર્ષમાં પાલિકા દ્વારા હાથ ધરાયેલો આ પ્રકારનો બીજો મોટો અભ્યાસ છે, જેનો વિસ્તૃત અહેવાલ આગામી વર્ષે પ્રસિદ્ધ કરાશે.
149 કિમી દરિયાકાંઠે સંવેદનશીલ વિસ્તારોનું મેપિંગ:
મુંબઈના દરિયાકિનારે વસતા 1.4 કરોડથી વધુ નાગરિકો માટે પૂર અને જળભરાવનું જોખમ રહેલું છે. પાલિકા સંવેદનશીલ દરિયાકાંઠાના વિસ્તારો અને પૂરગ્રસ્ત વસાહતોના વિગતવાર નકશા તૈયાર કરી રહી છે. છેલ્લાં કેટલાક વર્ષોમાં દરિયાકાંઠે થયેલા બાંધકામો, મેન્ગ્રોવ્ઝ (ચેરના જંગલો)ની સ્થિતિ અને જમીનના વપરાશમાં આવેલા બદલાવનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરવામાં આવી રહ્યો છે.
કોસ્ટલ રોડ અને સોલ્ટ પેનથી બદલાયેલી દરિયાઈ ભૂગોળ:
મહાપાલિકાના સિનિયર અધિકારીના જણાવ્યા મુજબ, પશ્ચિમ કિનારે 'કોસ્ટલ રોડ' પ્રોજેક્ટ માટે 100 હેક્ટરથી વધુ સમુદ્રી જમીનનું રિક્લેમેશન (ભરાવ) કરવામાં આવ્યું છે. પૂર્વ વિસ્તારમાં ડેવલપમેન્ટ માટે સોલ્ટ પેન (મીઠાના અગરો)ની જમીન અનામત રખાઈ છે. ભૂગોળમાં થયેલા આ મોટા ફેરફારોને કારણે નવો ઈમ્પેક્ટ સ્ટડી અનિવાર્ય બન્યો છે.
યુએન (UN) અને MCAPના ભયાનક તારણો:
વર્ષ 2022ના 'મુંબઈ ક્લાઇમેટ એક્શન પ્લાન' (MCAP) અનુસાર, વધતી જતી ગરમી અને દરિયાઈ સપાટીને પગલે 2050 સુધીમાં દક્ષિણ મુંબઈ (આઇલેન્ડ સિટી)નો 80 ટકા હિસ્સો ડૂબવાની આશંકા વ્યક્ત કરાઈ હતી.
સંયુક્ત રાષ્ટ્ર (UN)ના રિપોર્ટ અનુસાર, વર્ષ 2024માં વૈશ્વિક જળસપાટીમાં 5.9 મીમીનો વધારો નોંધાયો છે. જો એન્ટાર્કટિકાના બરફના થર ઝડપથી પીગળશે તો સદીના અંત સુધીમાં દરિયાઈ સ્તર 0.5 મીટરથી લઈને બે મીટર સુધી વધી શકે છે, જેનાથી મોટા પાયે સ્થળાંતરની નોબત આવી શકે છે.