Mon Oct 05 2026

Logo

મુંબઈના રસ્તાઓ ફરી ટેન્કરના પાણીથી ધોવાશે

2026-10-05 08:01:00
Author: Sapna Desai
મુંબઈના રસ્તાઓ ફરી ટેન્કરના પાણીથી ધોવાશે

૧૫૦ દિવસ માટે આઠ કરોડ રૂપિયાનો ખર્ચ 
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ચોમાસાની વિદાય સાથે જ મુંબઈના વાતાવરણમાં પ્રદૂષણ અને ધૂળનું પ્રમાણ વધવાની શક્યતાને પગલે મુંબઈ મહાનગરપાલિકાએ આગામી દિવસોમાં મુંબઈના રસ્તાઓને ટેન્કરના પાણીથી ધોવાની જાહેરાત પણ કરી દીધી છે. પાલિકાએ તે માટે કૉન્ટ્રેક્ટર નક્કી કરી નાખ્યો છે અને ૧૫૦ દિવસ માટે તેની સેવા લેવા માટે આઠ કરોડ રૂપિયાનો ખર્ચ પાલિકા કરવાની છે.

મુંબઈ મહાનગરપાલિકાએ તાજેતરમાં મુંબઈના પ્રદૂષણને નિયંત્રણમાં લાવવા માટે ‘ઍર પોલ્યુશન કંટ્રોલ ઍન્ડ ઈમ્પ્લિમેન્ટેશન એક્શન પ્લાન-૨૦૨૬’ તૈયાર કરીને તેને અમલમાં મૂકવાની જાહેરાત કરી છે. એ સાથે જ પાલિકા હવે આગામી દિવસોમાં સૂકા વાતાવરણને પગલે ધૂળ ઊડીને વાતાવરણમાં પ્રદૂષણનું પ્રમાણ વધે નહીં તે માટે રસ્તાઓને ધોવાનો કાર્યક્રમ હાથમાં લેવાની છે. તે માટે જેટિંગ વ્યવસ્થા સહિત પાણીના ટેન્કરની સેવા આગામી ૧૫૦ દિવસ માટે લેવામાં આવવાની છે. મુંબઈના સાતેય ઝોનમાં રસ્તા ધોવા માટે ટેન્કરની સેવા લેવા માટે સાત કૉન્ટ્રેક્ટર નક્કી કરવામાં આવ્યા છે.

ચોમાસાની વિદાય સાથે જ સામાન્ય રીતે  રસ્તા પર   કાદવ, કીચડ અને ધૂળનું પ્રમાણ વધી જતું હોય છે. તેથી તેને  હટાવવા માટે ઑક્ટોબરના પહેલા અને બીજા અઠવાડિયામાં ‘પોસ્ટ-મોન્સૂન ડીપ ક્લિનિંગ ડ્રાઈવ’ અમલમાં મૂકવામાં આવવાની છે, જેમાં મહત્ત્વના રસ્તા, ડીવાઈડર, ચોક પર ખાસ સફાઈ કરવામાં આવશે. તેમ જ પુનર્વપરાશ કરવામાં આવેલા પાણીનો ઉપયોગ રસ્તાના ધોવા માટે અને પાણીનો છંટકાવ કરવા માટે કરાશે. એ સાથે જ મુંબઈના સાત ઝોનમાં રસ્તાઓ ધોવામાં આવશે.

મુંબઈમાં લગભગ ૬૭૭ કિલોમીટર લંબાઈના ૩૭૭ સાર્વજનિક રસ્તાઓને સફાઈ માટે નક્કી કરવામાં આવ્યા છે. આ રસ્તાઓની દરરોજ પાણી દ્વારા સફાઈ કરાશે. તે માટે ૨,૦૦૦, ૫,૦૦૦ લિટર અને ૧૦,૦૦૦ લિટર ક્ષમતાનાં પાણીનાં ટેન્કર વાપરવામાં આવશે. સાત ઝોનના ૨૬ વોર્ડમાં આ ટેન્કર તહેનાત કરવામાં આવશે. સ્થાયી સમિતિમાં તેનેે લગતો પ્રસ્તાવ મંજૂરી માટે આવ્યા બાદ બહુ જલદી આ ટેન્કરોથી મુંબઈના રસ્તાઓને ધોવાનું શરૂ કરવામાં આવશે એવું પાલિકાના ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું.