(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: શહેરના અનેક ભાગોમાં દિવસો સુધી પડેલા ભારે વરસાદને કારણે પાણી ભરાઈ ગયા અને સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું હતું ત્યારે મુંબઈમાં ગટરોની સફાઈ ન થવાને કારણે પાણી ભરાયા હોવાની નારાજગી મુંબઈગરા વ્યક્ત કરી રહ્યા છે ત્યારે દિલ્હી, પુણે અને બેંગલૂરુ શહેરની સરખામણીમાં આ વખતે મુંબઈમાં વધુ વરસાદ થયા બાદ પણ ઓછું પાણી ભરાયું હતું અને જો ગટરોની સફાઈ ન થઈ હોત તો મુંબઈ જળબંબાકાર થઈ ગઈ હોત એવો દાવો પાલિકા કમિશનર અશ્ર્વિની ભીડેએ કર્યો છે.
મંગળવારે પાલિકા કમિશનરે પત્રકાર પરિષદમાં એવો દાવો કર્યો હતો કે મુંબઈ શહેરનો આકાર રકાબી જેવો હોવાથી અને વરસાદના સમયે જ દરિયામાં ભરતી આવતી હોવાથી, મુંબઈમાં નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી એકઠું થયું હતું. જોકે પાલિકા પ્રશાસને ઝડપથી ભરાઈ ગયેલા પાણીનો નિકાલ કર્યો હોવાથી મુંબઈ જળબંબાકાર થતા બચી ગઈ હતી. કમિશનર ભીડેએ જણાવ્યું હતું કે ભારે હવામાન પરિસ્થિતિઓમાં વારંવાર પૂર આવવું અમુક સંજોગોમાં સામાન્ય છે. મુંબઈમાં પહેલી જુલાઈથી સાત જુલાઈ, ૨૦૨૬ સુધીના સમયગાળામાં ૩૦૦ મિ.મી.થી પણ વધુ વરસાદ પડ્યો હતો અને જો ૩૦૦ મિ.મી. જેટલો વરસાદ ટૂંકા ગાળામાં પડે છે અને ૪.૫ મીટર ઊંચી ભરતી સાથે આવે છે ત્યારે પાણી ભરાઈ જાય છે. મુંબઈ ત્રણ બાજુથી સમુદ્રથી ઘેરાયેલું છે અને તેને મુંબઈ રીકલેમેશન કરેલી જમીન છે. એટલે પાણી ભરાવવું સામાન્ય છે.
ગયા શનિવારે કુર્લામાં મેનહોલમાં સિનિયર સિટિઝન પડી જવાથી થયેલા મૃત્યુ બાબતે કમિશનરે કહ્યું હતું કે મુંબઈમાં મેનહોલ અકસ્માતો અટકાવવા માટે જરૂરી પગલાં લેવાની યોજના બનાવી હતી. તે મુજબ તેનો અમલ કરવામાં આવ્યો હતો. જોકે કમિશનરે સ્વીકાર્યું કે કેટલીક જગ્યાએ માઇક્રો-પ્લાનિંગમાં સિસ્ટમનો અભાવ હતો. જોકે, તેના પર વધુ અભ્યાસ કરવામાં આવશે અને નક્કર પગલાં લેવામાં આવશે. તેમ જ પાલિકા આગામી અઠવાડિયામાં નાગરિકો માટે ખુલ્લા અથવા ક્ષતિગ્રસ્ત મેનહોલ સંબંધિત ફરિયાદો નોંધાવવા માટે એક સમર્પિત વોટ્સએપ હેલ્પલાઇન શરૂ કરવાની છે.