Mon Oct 05 2026

Logo

હવે મુંબઈ-પુણે વચ્ચે પણ દોડશે બુલેટ ટ્રેનઃ રેલવે પ્રધાને કરી મોટી જાહેરાત, 2027થી કામ શરૂ થવાની શક્યતા

2026-09-08 16:55:00
Author: Mumbai Samachar Team
હવે મુંબઈ-પુણે વચ્ચે પણ દોડશે બુલેટ ટ્રેનઃ રેલવે પ્રધાને કરી મોટી જાહેરાત, 2027થી કામ શરૂ થવાની શક્યતા

Image Credit : The Times of India


મુંબઈ: મુંબઈ અને પુણે વચ્ચે મુસાફરી કરતા લાખો લોકો માટે મહત્વના સમાચાર છે. કેન્દ્ર સરકાર દ્વારા પ્રસ્તાવિત મુંબઈ-પુણે બુલેટ ટ્રેન પરિયોજના સાકાર થયા બાદ બંને શહેરો વચ્ચેનો પ્રવાસ માત્ર ૪૮ મિનિટમાં પૂર્ણ થઈ શકશે. કેન્દ્રીય રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવે વેસ્ટર્ન ડેડિકેટેડ  ફ્રેઇટ કોરિડોરના ઉદ્ઘાટન પ્રસંગે દેશના નવા ઝડપી રેલવે માર્ગોની માહિતી આપતાં મુંબઈ-પુણે બુલેટ ટ્રેન અંગે મહત્વપૂર્ણ જાહેરાત કરી હતી.

આશરે ૧૭૦ કિલોમીટર લાંબા મુંબઈ-પુણે માર્ગ પર બુલેટ ટ્રેન દોડાવવાની યોજના છે. આ ટ્રેનની ઝડપ કલાકના ૩૨૦થી ૩૫૦ કિલોમીટર સુધી રહેવાની શક્યતા છે. હાલમાં મુંબઈ અને પુણે વચ્ચે રેલવે, બસ તથા ખાનગી વાહનો દ્વારા મોટી સંખ્યામાં લોકો મુસાફરી કરે છે. એક્સપ્રેસ વે પર ટ્રાફિકને કારણે પ્રવાસનો સમય ઘણી વખત વધી જાય છે. બુલેટ ટ્રેન શરૂ થયા બાદ બંને શહેરો વચ્ચેનો પ્રવાસ અત્યંત ઝડપી બનશે.

રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવે આ પરિયોજનાનું કામ ૨૦૨૭થી શરૂ થવાની શક્યતા વ્યક્ત કરી છે. આ માર્ગ માટે સ્વદેશી તકનીકનો ઉપયોગ કરવાની યોજના છે. મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પરિયોજનાના અનુભવનો લાભ પણ નવા ઝડપી રેલવે માર્ગોના વિકાસમાં લેવામાં આવશે.

પુણે-હૈદરાબાદ હાઈ સ્પીડ રેલ સાથે જોડાશે
મુંબઈ-પુણે બુલેટ ટ્રેન ઉપરાંત પુણેને હૈદરાબાદ સાથે પણ ઝડપી રેલવે દ્વારા જોડવાની યોજના છે. પુણે-હૈદરાબાદ વચ્ચેનો પ્રવાસ લગભગ બે કલાકમાં પૂર્ણ કરવાનો લક્ષ્યાંક છે. આ જોડાણથી મહારાષ્ટ્રના ઔદ્યોગિક, વ્યાવસાયિક અને શૈક્ષણિક ક્ષેત્રોને પણ મોટો લાભ મળી શકે છે.

દેશના સાત નવા ઝડપી રેલવે માર્ગ
કેન્દ્ર સરકાર દ્વારા દેશના વિવિધ મોટા શહેરોને જોડવા માટે સાત નવા ઝડપી રેલવે માર્ગો પ્રસ્તાવિત કરવામાં આવ્યા છે. તેમાં મુંબઈ-પુણે, પુણે-હૈદરાબાદ, દિલ્હી-વારાણસી, દિલ્હી-લખનૌ, દિલ્હી-સિલીગુડી, બેંગલુરુ-ચેન્નાઈ અને હૈદરાબાદ-બેંગલુરુ જેવા માર્ગોનો સમાવેશ થાય છે.

મુંબઈ-પુણે બુલેટ ટ્રેન શરૂ થયા બાદ બંને શહેરો વચ્ચે નોકરી, વ્યવસાય, શિક્ષણ અને અન્ય કામો માટે નિયમિત મુસાફરી કરતા લોકોને મોટો લાભ થશે. જોકે, પરિયોજનાના ચોક્કસ માર્ગ, સ્ટેશન, ભાડું અને સેવા શરૂ થવાની અંતિમ તારીખ અંગે હજુ સત્તાવાર વિગત જાહેર થવાની બાકી છે.

(ચેતના રાજા)