Thu Jun 18 2026

Logo

વાહ, ધોની પ્રૅક્ટિસ કરવા આવી ગયો! વહેલો રમવાનો છે કે શું?

2026-04-02 21:15:08
Author: Ajay Motiwala
Article Image

PTI


ચેન્નઈઃ ક્રિકેટ-લેજન્ડ મહેન્દ્રસિંહ ધોનીની આ કદાચ છેલ્લી આઇપીએલ છે અને 28મી માર્ચે ટૂર્નામેન્ટ શરૂ થઈ એ પહેલાં જ તેણે પગની ઈજાને કારણે પહેલા લગભગ બે અઠવાડિયા ન રમવાનું નક્કી કર્યું હતું, પરંતુ ગુરુવારે તેને ચેન્નઈના એમ. એ. ચિદમ્બરમ સ્ટેડિયમના મેદાન પર જોઈને સૌને આશ્ચર્ય થયું હતું. ચેન્નઈ સુપર કિંગ્સ (CSK)ના ખેલાડીઓને તો સ્વાભાવિક રીતે ધોનીની પ્રૅક્ટિસ વિશેની જાણ હશે જ, પરંતુ સ્ટેડિયમમાં હાજર ધોનીના ચાહકોને આશ્ચર્ય થયું હતું.

શુક્રવારે ચેન્નઈમાં સીએસકે અને પંજાબ કિંગ્સ (PBKS) વચ્ચે મૅચ છે અને એ માટે ખેલાડીઓ આ ગ્રાઉન્ડ પર પ્રૅક્ટિસ કરી રહ્યા છે.ચેન્નઈના સ્ટેડિયમમાં હાજર પંજાબના કેટલાક ખેલાડીઓએ પણ ધાર્યું નહીં હોય કે શુક્રવારે તેઓ સીએસકે સામે જે મૅચ રમવાના છે એના ખેલાડીઓ સાથે સીએસકેનો કિંગ ધોની પણ પ્રૅક્ટિસ કરશે. ધોની કિટબૅગ લઈને મેદાન પર આવ્યો હતો અને થોડા બૉલ રમ્યો હતો.

સોમવારે ગુવાહાટીમાં રાજસ્થાન રૉયલ્સ સામેની મૅચમાં સીએસકેની ટીમ ખૂબ નબળી પુરવાર થઈ હતી અને પરાજિત થઈ હતી. ઋતુરાજ ગાયકવાડના સુકાનમાં સીએસકેએ ફક્ત 127 રન કર્યા હતા અને રાજસ્થાને 12.1 ઓવરમાં વૈભવ સૂર્યવંશીના બાવન રનની મદદથી બે વિકેટે 128 રન કરીને વિજય મેળવી લીધો હતો. જોકે શુક્રવારે સીએસકેએ બૅટિંગ અને બોલિંગ બન્નેમાં ખૂબ સુધારા સાથે રમવું પડશે. ધોની સોમવારે ગુવાહાટીમાં નહોતો, પણ શુક્રવારે રમશે નહીં તો પણ ડગઆઉટમાં બેસીને ગાયકવાડ, વિકેટકીપર સંજુ સૅમસન તેમ જ બીજા ખેલાડીઓને માર્ગદર્શન જરૂર આપશે.