Thu Sep 03 2026

Logo

ભોજશાળા સંકુલમાં હિંદુઓ સમગ્ર વર્ષ પૂજા અર્ચના કરી શકશે, એએસઆઇનો નિર્ણય

2026-05-16 22:54:00
Author: Chandrakant Kanoja
ભોજશાળા સંકુલમાં હિંદુઓ સમગ્ર વર્ષ પૂજા અર્ચના કરી શકશે, એએસઆઇનો નિર્ણય

ભોપાલ : મધ્યપ્રદેશ હાઈકોર્ટના ચુકાદા બાદ એઆઇઆઇએ હિન્દુઓને ભોજશાળા સંકુલમાં અમર્યાદિત પ્રવેશની મંજૂરી આપી છે. હિંદુઓ હવે સમગ્ર વર્ષ ત્યાં પૂજા અર્ચના કરી શકશે. મધ્યપ્રદેશ હાઈકોર્ટે ભોજશાળા સંકુલને સરસ્વતી મંદિર જાહેર કર્યાના એક દિવસ બાદ  ભારતીય પુરાતત્વ સર્વેક્ષણે  શનિવારે આદેશ જાહેર કરીને હિન્દુ સમુદાયને પૂજા સ્થળમાં અમર્યાદિત પ્રવેશની મંજૂરી આપી છે. 

હિંદુઓને ભોજશાળામાં મુક્ત પ્રવેશ અપાશે 

હાઈકોર્ટે આ કેસમાં એએસઆઇ ના 7 એપ્રિલ 2003 ના આદેશને પણ રદ કર્યો હતો. જેમાં મુસ્લિમોને ધાર જિલ્લામાં આવેલા સંકુલમાં શુક્રવારની નમાજ અદા કરવાની મંજૂરી આપવામાં આવી હતી. એએસઆઇના એક અધિકારીએ જણાવ્યું હતું કે ભોજશાળા સંસ્કૃત ભાષા, વ્યાકરણ અને સાહિત્યના અભ્યાસ અને સંશોધન માટે કેન્દ્ર તરીકે સેવા આપે છે. તેમજ દેવી સરસ્વતીને સમર્પિત મંદિર  છે.તેથી  હિંદુ સમુદાયને  દેવી સરસ્વતીના અભ્યાસ અને પૂજાની પ્રાચીન પ્રથાના સંદર્ભમાં મુક્ત પ્રવેશ આપવામાં આવશે.

મુસ્લિમ પક્ષે વિરોધ કર્યો 

ભોજશાળા-કમલ મૌલા મસ્જિદ સંકુલને મંદિર જાહેર કરવાના હાઇકોર્ટના ચુકાદા અંગે કમાલ મૌલા વેલ્ફેર સોસાયટીના પ્રમુખ અબ્દુલ સમદે જણાવ્યું હતું કે, અમને સંપૂર્ણ વિશ્વાસ છે કે સુપ્રીમ કોર્ટ આ આદેશને પલટાવી દેશે. 

ભોજશાળા સંકુલને હિન્દુ મંદિર તરીકે માન્યતા

ઉલ્લેખનીય છે કે, શુક્રવારે મધ્ય પ્રદેશ હાઇકોર્ટે ધાર ભોજશાળા મંદિર-કમલ મૌલા મસ્જિદ વિવાદ કેસમાં મોટો ચુકાદો આપ્યો હતો. જેમાં હિન્દુ પક્ષના વકીલના જણાવ્યા અનુસાર કોર્ટે ભોજશાળા સંકુલને હિન્દુ મંદિર તરીકે માન્યતા આપી હતી. કોર્ટે જૈન સમુદાય અને મુસ્લિમ પક્ષ દ્વારા દાખલ કરાયેલી અરજીઓને ફગાવી દીધી હતી . આ નિર્ણય ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ દ્વારા રજૂ કરાયેલા અહેવાલ પર આધારિત છે