Sat Apr 18 2026

Logo

યુદ્ધની અસરઃ મોરબીનો સિરામિક ઉદ્યોગ હવે માંડ દસ દિવસ ખેંચી શકશે

2026-03-06 09:12:00
Author: Pooja Shah
Article Image

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદઃ મિડલ ઈસ્ટમાં સર્જાયેલી અશાંતિએ ભારત અને ગુજરાતના અસંખ્ય નાના-મોટા ઉદ્યોગોને અસર કરી છે, તેમાં સૌરાષ્ટ્રના મોરબીના સિરામિક ઉદ્યોગનો પણ સમાવેશ થાય છે. લગભગ 60, 000 કરોડનું વાર્ષિક ટર્નઑવર ધરાવતા સિરામિક ઉદ્યોગની મુખ્ય જરૂરિયાત ગેસની બિનઅવરોધક સપ્લાય હોય છે. ગલ્ફના દેશોમાંથી આવતો ગેસ જ બંધ થઈ જતા  ઉદ્યોગ ભીંસમાં આવી ગયો છે. હાલમાં ઉપલબ્ધ ગેસનો જથ્થો ધીમે ધીમે ખાલી થઈ રહ્યો છે અને નવો જથ્થો આવી રહ્યો નથી. આથી આવનારા દસેક દિવસમાં જો ગેસ સપ્લાઈ નોર્મલ નહીં થાય તો સિરામિક ઉદ્યોગોના એકમોને તાળા લગાવવા પડશે, તેવી સ્થિતિ ઊભી થઈ હોવાનું ઉદ્યોગો સાથે જોડાયેલા લોકો જણાવી રહ્યા છે.
 
આ મામલે મુંબઈ સમાચાર સાથે ખાસ વાતચીત કરતા મોરબી સિરામિક એસોસિયેશન વૉલટાઈલ્સ ડિવિઝનના પ્રમુખ હરેશભાઈ બોપલીયાએ જણાવ્યું હતું કે અમારા સિરામિક એકમો પ્રોપેન અને નેચરલ એમ બે ગેસ પર ચાલે છે. લગભગ 70 ટકા યુનીટ્સ પ્રોપેન ગેસ પર નિર્ભર છે. ગલ્ફ દેશોમાંથી ટેન્કરમાં આવતા આ ગેસની સપ્લાઈ ચેન વિખાઈ ગઈ છે. નવા ટેન્કર આવતા નથી અને જે ગેસનો જથ્થો છે, તે ધીમે ધીમે ખૂટી રહ્યો છે. આને કારણે અત્યારથી જ લગભગ 40 યુનીટ બંધ થઈ ગયા છે.

બીજી બાજુ 30 ટકા યુનીટ્સ નેચલ ગેસથી ચાલે છે, જેનો સપ્લાય ગુજરાત ગેસ દ્વારા થાય છે. તેમને પણ હાલમાં 50 ટકા જ સપ્લાય કરવામાં આવી રહ્યો છે. કતાર, સાઉદી અરેબિયા જેવા ખાડીના દેશોમાંથી આવતા આ ગેસનું ઉત્પાદન જ મુશ્કેલીમાં મૂકાઈ ગયું છે, આથી અમારી પાસે યુનીટ્સ બંધ કરવા સિવાય કોઈ ચારો રહેશે નહીં. તેમના જણાવ્યા અનુસાર સિરામિક ઉદ્યોગની સાથે સંલગ્ન એવા પેપરમિલ, બોક્સમેકિંગ જેવા નાના-મોટા ઘણા ઉદ્યોગો પર પણ આની અસર પડશે. આ સાથે અલગ અલગ ગેસ કંપની અને વીજ પુરવઠો પૂરો પાડતી કંપનીઓ પર પણ અસર પડશે. તેમના જણાવ્યા અનુસાર 15 માર્ચ સુધીમાં જો સ્થિતિમાં સુધારો નહીં આવે તો ઉદ્યોગોને મોટો ફટકો પડશે. 

અત્રે ઉલ્લેખનીય છે કે મોરબીમાં સિરામિકના લગભગ 650 આસપાસ યુનીટ્સ છે, જેમાં વિવિધ પ્રકારની ટાઈલ્સ બને છે અને દેશ-વિદેશમાં મોટા પ્રમાણમાં જાય છે. આ ઉદ્યોગ સાથે પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે ચાર લાખ જેટલી રોજગારી જોડાયેલી છે. હાલમાં સમગ્ર મોરબી સિરામિક ઉદ્યોગ આશા સેવી રહ્યો છે કે સ્થિતિ સામાન્ય થાય અને ગેસ સપ્લાઈ ચેન ફરી રાબેતામુજબ થાય.