Thu Sep 03 2026

Logo

મુંબઈના દોઢસો રન પણ નહીં, સૌથી વધુ 19 રન 20મી ઓવરમાં મળ્યા

2026-05-20 22:50:08
Author: Ajay Motiwala
મુંબઈના દોઢસો રન પણ નહીં, સૌથી વધુ 19 રન 20મી ઓવરમાં મળ્યા

PTI


કોલકાતાઃ મુંબઈ ઇન્ડિયન્સ (MI)એ બુધવારે અહીં ઈડન ગાર્ડન્સમાં કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR) સામેની મૅચમાં વરસાદના વિઘ્ન વચ્ચે 20 ઓવરમાં આઠ વિકેટે જે 147 રન બનાવ્યા હતા એમાં અંતિમ ઓવરનો સૌથી મોટો ફાળો હતો. વરસાદને લીધે આઠમી ઓવર બાદ રમત અટકી હતી અને ત્યારે મુંબઈનો સ્કોર 4/57 હતો, પણ રમત ફરી શરૂ થયા બાદ મુંબઈએ સમયાંતરે વિકેટ ગુમાવી હતી. છેક 20મી ઓવર આખી ઇનિંગ્સમાં સર્વશ્રેષ્ઠ સાબિત થઈ હતી. પેસ બોલર કાર્તિક ત્યાગીની એ ઓવરમાં બૉશ્ચે બે સિક્સર અને એક ફોરની મદદથી કુલ 19 રન બનાવ્યા હતા.

કૉર્બિન બૉશ્ચ (32 અણનમ, 18 બૉલ, બે સિક્સર, ત્રણ ફોર)નો સૌથી મોટો ફાળો હતો. કમબૅકમૅન હાર્દિક પંડ્યાએ 26 રન, તિલક વર્માએ 20 રન તેમ જ રોહિત શર્મા અને સૂર્યકુમાર યાદવે 15-15 રન બનાવ્યા હતા. વિલ જૅક્સ 14 રનના પોતાના સ્કોર પર રનઆઉટ થઈ ગયો હતો.

કોલકાતાના પેસ બોલર સૌરભ દુબે, કાર્તિક ત્યાગી અને કૅમેરન ગ્રીને બે-બે વિકેટ લીધી હતી. એ પહેલાં, મુંબઈએ પ્રથમ બૅટિંગ મળતાં શરૂઆતથી જ ધબડકો જોયો અને આઠમી ઓવરને અંતે વરસાદ પડવાની શરૂઆત થઈ મુંબઈનો સ્કોર ચાર વિકેટે 57 રન હતો. રોહિત શર્મા અને સૂર્યકુમાર બન્ને દિગ્ગજે માત્ર 15-15 રન બનાવીને વિકેટ ગુમાવી અને યોગાનુયોગ બન્નેની વિકેટ લેફ્ટ-આર્મ પેસ બોલર સૌરભ દુબેએ લીધી હતી. એ પહેલાં, રિકલ્ટનને અને નમન ધીરને કૅમેરન ગ્રીને પૅવિલિયનમાં વહેલા પાછા મોકલ્યા હતા.