મુંબઈ: IPL 2026માં મુંબઈ ઈન્ડિયન્સનું અત્યાર સુધીનું પરફોર્મન્સ નિરાશાજનક રહ્યું છે, 7માંથી 5 મેચમાં ટીમને હાર મળી છે, લીગ સ્ટેજમાં ટીમને હજુ 7 મેચ રમવાના છે. MIના હેડ કોચ મહેલા જયવર્ધનેને આશા છે કે ટીમ આગામી મેચોમાં વધુ સારું પ્રદર્શન કરશે. તેમણે કહ્યું કે ટીમને વધુ આત્મવિશ્વાસ, એકાગ્રતા અને શિસ્ત દાખવવી જોઇશે.
સોશિયલ મડીયા પર ચર્ચા થઇ રહી છે કે T20 વર્લ્ડ કપમાં રમ્યા પછી સૂર્યકુમાર યાદવ અને હાર્દિક પંડ્યા જેવા MIના ખેલાડીઓમાં થાકી ગયા છે. જસપ્રીત બુમરાહ અને તિલક વર્મા પણ ગત મહીને ICC T20 વર્લ્ડ કપ જીતનાર ટીમનો ભાગ હતા, જ્યારે MI મિશેલ સેન્ટનરે ICC T20 વર્લ્ડ કપમાં ન્યુઝીલેન્ડની કેપ્ટનશીપ કરી હતી. ક્વિન્ટન ડી કોક દક્ષિણ આફ્રિકાની ટીમમાં સામેલ હતો. જયવર્ધનેએ આ દલીલો નકારી કાઢી
ગઈ કાલે ગુરુવારે CSK સામેની મેચ બાદ જયવર્ધનેએ કહ્યું, "તમામ ખેલાડીઓ પ્રોફેશનલ છે. વર્લ્ડ કપમાં રમનારા ઘણા ખેલાડીઓ બ્રેક લીધા બાદ IPLમાં રમી રહ્યા છે. ખેલાડીઓ પોતે થાકને કારણ નથી ગણાવી રહ્યા. અમારે લય મેળવવાની જરૂર છે, જે અમારી સૌથી મોટી ખામી રહી છે. બોલિંગમાં સુધારાની જરૂર તો છે, પરંતુ બેટિંગ પણ ટીમ સતત સારું પ્રદર્શન નથી કરી રહી."
જયવર્ધનેએ કહ્યું, "અમારે સ્પર્ધા કરવા લાયક સંતુલન શોધવું પડશે. જો અમે અમારું બેસ્ટ ક્રિકેટ રમીશું, તો અમારી પાસે સારી તક છે, પરંતુ આગામી સાત મેચો માટે આત્મવિશ્વાસ, એકાગ્રતા અને શિસ્ત મહત્વપૂર્ણ છે."
ગુરુવારે ચેન્નાઈ સુપર કિંગ્સ સામે મુંબઈ ઈન્ડિયન્સને 103 રનથી કારમી હાર મળી, જે રનના હિસાબે MIની સૌથી હાર છે.