- રમેશ પુરોહિત
મરીઝ
ગુજરાતી ગઝલના ઇતિહાસમાં જો કોઈ શાયર લોકહૃદયમાં સૌથી જીવંત રહ્યો હોય તો તે મરીઝ છે. તેમની ગઝલોમાં પ્રેમ છે, પીડા છે, જીવનની નિરાશા છે, તત્ત્વભાષાની મીઠાશ અને આત્મીયતા આપનાર કવિ તરીકે મરીઝનું સ્થાન અદ્ધિતીય ગણાય છે.
જીવન જગજાહેર હતું છતાં ભાવિ પેઢીને ધ્યાનમાં રાખીને વાત કરીએ તો અબ્બાસ અબ્દુલઅલી વાસિનો જન્મ 22 ફેબ્રુઆરી 1917ના રોજ સુરતમાં થયો હતો. તેઓ ઔપચારિક શિક્ષણમાં બહુ આગળ વધી ન શક્યા, પરંતુ જીવનના અનુભવો તેમની સાચી વિદ્યાશાળા બન્યા. જીવનભરની આર્થિક અસુરક્ષા, આંતરિક એકલતા અને લાગણીના સંઘર્ષોએ તેમની ગઝલને અનોખી કરુણતા આપી હતી.
મરીઝે પત્રકારત્વ, લેખન અને અન્ય નાના-મોટા વ્યવસાય કર્યા, પરંતુ તેમની સાચી ઓળખ ગઝલકાર તરીકે જ બની રહી. તેઓ પરંપરાગત શાયરોની માફક ભાષાના આડંબરથી દૂર રહ્યા. તેમના શબ્દોમાં સીધી સાદી માનવીય અનુભૂતિ હતી.
સ્નેહી જનોના પ્રેમમાં શંકા નથી મગર
લાગે છે કેમ કોઈ અમારું થયું નહીં
મરીઝની ગઝલની વિશેષતાઓની વાત કરીએ તો નોંધવું રહ્યું કે મરીઝની ગઝલોનું સૌપ્રથમ આકર્ષણ તેમની ભાષા છે. તેમણે ગુજરાતી ગઝલને ઉર્દૂની ભારે-ભરખમ શબ્દાવલિમાંથી બહાર કાઢીને સામાન્ય ગુજરાતી વાચક સુધી પહોંચાડી. જુઓ આ શેર:
બસ એટલી સમજ મને પરવરદિગાર દે, સુખ જ્યારે જ્યાં મળે ત્યાં બધાનો વિચાર દે આ શેરમાં આધ્યાત્મિકતા અને માનવતાનો અદ્ભુત સમન્વય છે. સરળ ભાષામાં ઊંડું તત્ત્વચિંતન વ્યક્ત કરવું મરીઝની વિશેષતા છે.
દુ:ખનું પણ એક સૌન્દર્ય હોય છે. મરીઝના જીવનમાં પીડા સતત સાથે રહી. આ પીડા તેમને ગઝલોમાં કરુણ સંગીત બનીને પ્રગટે છે. જીવન થોડુંક છે, સમય ઓછો છે ને ગળતા જામની જેમ કાળ અકાળે ત્રાટકવા માટે ટપકી રહ્યો છે. દરેક ગુજરાતીના હૈયે અને હોઠે રમતો આ શેર જુઓ:
જિંદગીના રસને પીવામાં કરો જલદી મરીઝ
એક તો ઓછી મદિરા છે ને ગળતું જામ છે
અહીં જીવનની ક્ષણભંગુરતા અને અપૂર્ણતાનો ભાવ દારૂના પ્રતીક દ્વારા વ્યક્ત થાય છે. મરીઝ માટે મદિરા માત્ર શાબ્દિક નથી, તે જીવનરસનું પ્રતીક છે:
પીઠામાં મારું માન છે સતત હાજરીથી
મસ્જિદમાં જાઉં તો કોણ આવકાર દે
મરીઝની ગઝલમાં પ્રેમ માત્ર રોમાંસ નથી, તે અસ્તિત્વનો પ્રશ્ર્ન બની જાય છે. તેમના પ્રેમમાં મિલનના આનંદ કરતાં વિરહનું દુ:ખ વધારે છે. જીવનના એકાંત અને એકલતા પ્રેમની સાથે કદમ મિલાવી તે ચાલતાં હતાં. તેમના ઘણા શેરોમાં એકાંત અને આંતરિક ખાલીપો ગુંજે છે. આ એકાંત વ્યક્તિગત હોવા છતાં સર્વમાનવીય બની જાય છે:
હું એકલો જ રહ્યો છું જીવનના રસ્તા પર
લોકો મળ્યા ઘણા પણ કોઈ મારા ન થયા
આ ભાવવૈશ્ર્વિકતા મરીઝને સામાન્ય વાચક સાથે જોડી આપે છે.
મરીઝની કાવ્યદૃષ્ટિ નોખી અને અનોખી છે. મરીઝના કાવ્યમાં જીવન પ્રત્યેનો નિરાશાવાદ દેખાય છે, પરંતુ બધું જ અંધકારમય નથી. તેમની ગઝલોમાં કરુણા અને માનવતા સતત પ્રવાહિત રહે છે, તેઓ માણસની નબળાઈને સ્વીકારે છે અને તેને સૌંદર્યમાં ફેરવે છે.
તેમણે ગુજરાતી ગઝલને ત્રણ અગત્યની ભેટ આપી છે:
* લાગણીની સચ્ચાઈ
* ભાષાની સરળતા
* સામાન્ય માણસનો અવાજ
મરીઝનું યોગદાન શાશ્ર્વત છે. ગુજરાતી ગઝલમાં મરીઝે જે પરિવર્તન કર્યું તે અનન્ય અને ઐતિહાસિક છે. એમના સમયમાં ઉર્દૂ શબ્દોનો પ્રભાવ હતો ત્યારે મરીઝે ગુજરાતી સંસ્કૃતિ, લોકભાવના અને માનસિક અનુભૂતિ સાથે જોડીને નવી ઓળખ આપી હતી.
એમની ગઝલોમાં ઉર્દૂ ગઝલની નજાકત છે, ગુજરાતી લોકબોલીની મીઠાશ છે, અસ્તિત્વવાદી ચિંતન છે અને માનવીય સંવેદનાનો ઊંડો સ્પર્શ છે.
મરીઝના સાથીસંગાથી શાયરોએ તેમની વિશિષ્ટતા સાથે જે પ્રદાન કર્યું તે અવિસ્મરણીય છે. એ વખતે અમૃત ઘાયલ, બેફામ, શૂન્ય પાલનપુરી, સૈફ પાલનપુરી જેવા શાયરોનું મહત્ત્વપૂર્ણ સ્થાન છે, પરંતુ મરીઝની વિશેષતા તેમની આત્મસ્વીકૃતિમાં છે. તેઓ ક્યારેય કૃત્રિમ લાગ્યા નથી. તેમની ગઝલોમાં જીવન જીવતો માણસ સીધો બોલે છે. અમૃત ઘાયલમાં રજૂઆતનું તેજ છે, બેફામમાં ભાવુકતા છે, શૂન્યમાં વિચારોનું ઊંડાણ છે, સૈફ રમતાં રમતાં રડાવી જાય છે. મરીઝમાં મનની સાચુકલી સચ્ચાઈ છે.
દરેક સર્જકનું વારંવાર મૂલ્યાંકન થવું જોઈએ. જેથી ઘણાં અણનોંધ્યા પાસાં ઉજાગર થઈ શકે છે. મર્યાદાઓ બધામાં હોવાની મરીઝની ગઝલોમાં એકસરખી વ્યથા પુનરાવર્તિત થાય છે, શૈલીમાં વૈવિધ્ય ઓછું જણાય છે અને ક્યારેક નિરાશા અત્યંત ઘેરી બની જાય છે.
મરીઝની ગઝલોની અસર કાયમી છે કારણ કે તે અનુભૂતિમાંથી પ્રગટે છે, એમાં કોઈ જાતનો આડંબર કે અભિનય નથી.
મરીઝ સૌથી વધારે લોકપ્રિય ગણી શકાય કારણ કે તેઓ માણસના આંતરિક દુ:ખને સ્પર્શે છે અને તે પણ સાદીસીધી બોલચાલની ભાષામાં. દરેક પેઢી તેમના શેરોમાં પોતાનું પ્રતિબિંબ જુએ છે. એમના સર્જનમાં ક્યાંય કૃત્રિમતા નથી. ગઝલો માત્ર સાહિત્ય નથી પણ જીવનનો અનુભવ છે.
બરકત વીરાણી ‘બેફામ’ એકવાર કહ્યું હતું કે: ‘બાલાશંકર’ કંથારિયા એટલે પ્રથમ ગઝલકારે ઉર્દૂથી પ્રેરણા લઈને ગુજરાતી ગઝલ સર્જન શરૂ કર્યું. બાલાશંકર, મણિલાલ, નભુભાઈ અને કલાપીએ ગુજરાતી ગઝલનું આકર્ષણ વધાર્યું. ગઝલ એક સાધના હતી. બાલાશંકરનું આસન વ્યાધ્રચર્મનું હતું. ગઝલની સિદ્ધિ વડે ગઝલસમ્રાટ શયદાસાહેબનું આસન સિંહાસન થયું, અને મરીઝે ગઝલની એવી કલા દર્શાવી કે એમનું આસન મયુરાસન બન્યું.
ગુજરાતી ગઝલના મયુરાસનના માલિક મરીઝની બારીકીઓ, આકાર, ઊંડાણ, ધ્વનિ, સૌન્દર્યછટા વગેરે પર ખૂબ લખાયું છે એટલે એની શાસ્ત્રીય છણાવટ નથી કરતો. મરીઝે ગઝલના રંગની, અંતરંગની અને અંતસ્તત્વની હિફાજત કરીને જે વિચાર સૌંદય આપ્યું છે તે નોખું અને અનોખું પ્રદાન છે.