મુંબઈઃ મહારાષ્ટ્રના રાજકારણ અને સામાજિક વર્તુળોમાંથી એક અત્યંત અનોખો અને ચર્ચાસ્પદ કિસ્સો સામે આવ્યો છે. મહારાષ્ટ્રના સૌથી ધનિક વિધાન સભ્ય (MLA) તરીકે જાણીતા અને રૂપિયા 3,400 કરોડથી વધુની સંપત્તિના માલિક પરાગ શાહે એક દિવસ માટે ગરીબી અને ભિક્ષુકનું જીવન જીવવાનો અનોખો અનુભવ કર્યો છે, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે.
ઘાટકોપર પૂર્વ વિધાનસભા મતવિસ્તારના વિધાન સભ્ય પરાગ શાહ ભિખારીનો વેશ ધારણ કરીને રસ્તા પર ઉતર્યા હતા અને ભિક્ષા માગીને ભોજન કરવાનો પ્રત્યક્ષ અનુભવ લીધો હતો. પોતાની સામાન્ય વીઆઈપી સુરક્ષા અને તમામ સુખ-સુવિધાઓ છોડીને સામાન્ય લોકો વચ્ચે ગયેલા ધારાસભ્યને વેશપલટાને કારણે મોટાભાગના લોકો ઓળખી શક્યા નહોતા.
ગુરુ નમ્રમુનિ મહારાજ સાહેબની પ્રેરણાથી લીધો સંકલ્પ
વાત કરીએ કે આખરે એમણે આવું કેમ કર્યું એની તો જૈન ધર્મના પવિત્ર ચાતુર્માસ દરમિયાન પરાગ શાહના આધ્યાત્મિક ગુરુ પૂજ્ય નમ્રમુનિ મહારાજ સાહેબે તેમને સમાજના સૌથી વંચિત વર્ગના જીવન, સંઘર્ષ અને લાચારીને નજીકથી સમજવા માટે એક દિવસ ભિખારી તરીકે વિતાવવાની પ્રેરણા આપી હતી.
ગુરુના આદેશનું પાલન કરતાં પરાગ શાહે વિશેષ મેકઅપ અને ફાટેલાં-જૂના મેલાં વસ્ત્રો પહેરીને એક ભિક્ષુકનું રૂપ ધારણ કર્યું હતું. તેમણે કોઈપણ પ્રકારના પ્રોટોકોલ વગર વિવિધ જાહેર સ્થળો અને માર્ગો પર ફરીને લોકો પાસે ભિક્ષા માગી હતી. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે.
રસ્તા પર ફરીને તેમણે ભિક્ષામાં મળેલી વસ્તુઓ અને અન્નથી પોતાનું ભોજન પૂરું કર્યું હતું અને ગરીબીની મુશ્કેલીઓને નજીકથી અનુભવી હતી. આ પ્રયોગ પૂર્ણ થયા બાદ, તેમણે પોતાની મૂળ ઓળખ સામે લાવીને કેટલાક સ્થળોએ ફરી મુલાકાત લીધી હતી અને જે લોકો સાથે સંપર્ક થયો હતો તેમની સાથે પોતાના અનુભવો શેર કર્યા હતા. અબજોપતિ ધારાસભ્યનો આ અનોખો ધાર્મિક અને સામાજિક પ્રયોગ હાલ સમગ્ર રાજ્યમાં જોરદાર ચર્ચાનો વિષય બન્યો છે.